ન્યૂ યોર્ક – ગૂગલના જણાવ્યા મુજબ, સાઉથ કોરિયાનાં રેપર પીએસવાયનાં ‘ગંગનમ સ્ટાઈલ’ વીડિયો દર્શાવતા યુટ્યૂબ પેજથી એની જાહેરખબરની આવકમાં ૮૦ લાખ ડોલરની વૃદ્ધિ થઈ છે.
ગૂગલના ચીફ બિઝનેસ ઓફિસર નિકેશ અરોરાએ યુટ્યૂબની આવક વધારવાના માર્ગો અંગે યુટ્યૂબની કમાણી અંગે નાણાકીય સમીક્ષકો સાથે ત્રિમાસિક ચર્ચા દરમિયાન આ જાણકારી આપી હતી.
યુટ્યૂબ પોપ્યૂલર વીડિયોઝમાંથી એડવર્ટાઈઝિંગની જે કમાણી થાય છે તેની કન્ટેન્ટનાં નિર્માતા સાથે વહેંચણી કરવામાં આવે છે.
‘ગંગનમ સ્ટાઈલ’ ગયા ડિસેંબરમાં યુટ્યૂબ પર એક અબજ વ્યૂઝનો રેકોર્ડ કરનાર પ્રથમ વીડિયો બની હતી. ઈન્ટરનેટ પર આને ઐતિહાસિક સિદ્ધિ તરીકે ગણવામાં આવે છે. આ વીડિયોને ગયા વર્ષના જુલાઈમાં અપલોડ કરવામાં આવી હતી.
યુટ્યૂબના ટ્રેન્ડ્સ મેનેજર કેવીન એલોકાએ પીએસવાયની વીડિયોની સફળતા માટે તેના ધ્યાનાકર્ષક સંગીત અને આકર્ષક ડાન્સ મૂવ્સને આભારી ગણાવ્યા છે.
‘ગંગનમ સ્ટાઈલ’ વીડિયોએ ડિજિટલ ડાઉનલોડ્સ, એડવર્ટાઈઝિંગ સોદાઓ અને ઓન-ડીમાન્ડ સર્વિસીસમાંથી પણ બીજાં લાખો ડોલરની કમાણી કરી છે.



















