પવિત્ર કુરાન બહુ-લગ્નોને ઉત્તેજન આપતો નથીઃ કોર્ટ

નવી દિલ્હી – યુવતીનાં નિકાહ તેની ઈચ્છા વગર પરિણીત પુરુષ સાથે કરવાને લગતા એક કેસમાં દિલ્હીની એક કોર્ટે મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. રોહિણી કોર્ટે કહ્યું છે કે ઈસ્લામ ધર્મનો પવિત્ર ગ્રંથ કુરાન એક કરતાં વધારે લગ્ન કરવાની પરવાનગી તો આપે છે, પણ માત્ર વિશેષ પરિસ્થિતિઓમાં જ. કુરાન એક કરતા વધારે નિકાહ કરવાને ઉત્તેજન આપતો નથી.

કોર્ટે આ કેસના આરોપી મૌલવીની આગોતરા જામીન અરજીને ફગાવી દેતાં ઉપર મુજબ ટિપ્પણી કરી છે. કોર્ટે મૌલવી મુસ્તફા રાજાની એ અપીલને પણ નકારી કાઢી, જેમાં તેણે એમ કહ્યું હતું કે શરિયા કાનૂન વ્યક્તિને એક જ સમયે ચાર લગ્ન કરવાની પરવાનગી આપે છે.

એડિશનલ સેશન્સસ જજ કામિની લૉએ પોતાના ચુકાદામાં કહ્યું કે, શરિયા કાનૂન લાગુ કરનાર દેશોમાં પણ એક પત્ની હોય ત્યારે બીજાં લગ્ન કરવાની પરવાનગી વિશેષ પરિસ્થિતિઓમાં જ અપાય છે. મતલબ કે પહેલી પત્ની બીમાર હોય કે બાળક પેદા કરવા અસમર્થ હોય તો. આવી પરિસ્થિતિમાં પહેલી પત્નીની પરવાનગી પછી જ બીજા લગ્ન કરવાની છૂટ છે. પવિત્ર કુરાન વિશેષ પરિસ્થિતિઓમાં ચાર લગ્ન સુધીની પરવાનગી આપે છે, પણ એને ઉત્તેજન નથી આપતો.

જજે કહ્યું કે બહુ-લગ્ન પ્રથા પર મુસ્લિમ દેશોમાં પણ નિયંત્રણ લગાવવામાં આવી રહ્યું છે તો પછી ભારત જેવા ઉદારવાદી પ્રજાસત્તાક દેશમાં આવી પ્રથાને શા માટે ઉત્તેજન આપવા દેવું જોઈએ.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines