વોશિંગ્ટન – પોતાના લાખો ગ્રાહકોનો વિશ્વાસ ફરી હાંસલ કરવાની આશાએ સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે તેની જાગતિક સ્તરની સૌથી મોટી ઈમેલ સેવા હોટમેલને ન્યૂમેલ નામે એવી રીતે નવો ઓપ આપ્યો છે કે જેની ડિઝાઈન હરીફ સેવા જીમેલ (ગૂગલ) સાથે સામ્ય ધરાવે છે.
ન્યૂમેલનો ઉપયોગ ઈનબોક્સમાં થવા લાગ્યો છે. માઈક્રોસોફ્ટનો દાવો છે કે તેણે આ નવી ડિઝાઈન ફોન અથવા ટેબ્લેટ્સ જેવા મોબાઈલ ડિવાઈસીસ પર સારી કામગીરી બજાવી શકે તે રીતે બનાવી છે.
વિશ્વમાં હોટમેલ સૌથી મોટું ઈમેલ પ્રોવાઈડર છે. તેના આશરે ૩૬ કરોડ યુઝર્સ છે. બીજી બાજુ, જીમેલના યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે અને ૩૫ કરોડ પર પહોંચી ગઈ છે. ગયા ઓક્ટોબરથી તેના યુઝર્સની સંખ્યામાં ૨૬ કરોડનો વધારો થયો છે.
નવી ઈમેલ સેવાને ફેસબુક અને ટ્વિટર સાથે પણ લિન્ક કરી દેવાશે જેથી યુઝર્સને સંપર્કમાં રહેવામાં આસાની રહે.
ન્યૂમેલનું નવું નામ માત્ર સર્વિસ પૂરતું જ છે અને યુઝર્સનું ઈમેલ એડ્રેસ હજી પણ @hotmail જ રહેશે.



















