વોશિંગ્ટન – હવાઈનાં વતની તુલસી ગબ્બાર્ડે હિન્દુઓનાં પવિત્ર ગ્રંથ ભગવદ્દ ગીતાને સાક્ષીએ રાખીને અમેરિકન કોંગ્રેસ (સંસદ)નાં સભ્ય તરીકેનાં શપથ લઈને ઈતિહાસ સર્જ્યો છે. આ રીતે તે અમેરિકાની પ્રતિનિધિ સભાનાં સભ્ય તરીકે શપથ ગ્રહણ કરનાર પ્રથમ હિન્દુ છે એટલું જ નહીં, અમેરિકાનાં સૌપ્રથમ સંસદસભ્ય પણ છે.
૩૧ વર્ષનાં તુલસીને પ્રતિનિધિ સભાનાં સ્પિકર જોન બોહનરે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.
શપથવિધિ સમારંભ બાદ ગબ્બાર્ડે કહ્યું કે, મેં ભગવદ્દ ગીતાની મારી અંગત કોપી સાથે હોદ્દાના શપથ લીધાં કારણ કે એમાંના ઉપદેશોએ મને એક સેવક-નેતા તરીકે અન્ય માનવીઓ તથા મારાં દેશની સેવા બજાવવાની પ્રેરણા આપી છે. મારું ભગવદ્દ ગીતા પુસ્તક મારાં જીવનમાં ઘણાં આકરાં પડકારો વખતે મારી આંતરિક શક્તિનું પ્રચંડ બળ રહ્યું છે.
મારો ઉછેર અનેક વિધ જાતિ, સંસ્કૃતિ અને ધર્મવાળા પરિવારમાં થયો છે. મારી માતા હિન્દુ છે, મારાં પિતા એમનાં કેથલિક ચર્ચમાં લેક્ચરર છે. હું સગીર વયની હતી ત્યારથી જ આધ્યાત્મિકને લગતા અનેક સવાલો કરતી હતી. ત્યારે જ હું ભગવદ્દ ગીતાનાં સંપર્કમાં આવી. તેનાં ઉપદેશો દ્વારા મારી આધ્યાત્મિક સફરનો આરંભ થયો.
તુલસી ગબ્બાર્ડનાં પિતા માઈક ગબ્બાર્ડ હાલ હવાઈ રાજ્યના સેનેટર છે અને માતા કેરોલ પોર્ટર ગબ્બાર્ડ શિક્ષિકા છે.
તુલસી ૨૧ વર્ષની વયે હવાઈ ધારાસભામાં ચૂંટાઈ આવનાર સૌથી યુવાન વયનાં સભ્ય છે. ૨૩ વર્ષની વયે મધ્યપૂર્વમાં અમેરિકાની આગેવાની હેઠળના યુદ્ધ મોરચે જવા માટે તેમની સરકાર દ્વારા સત્તાવાર રીતે પસંદગી કરવામાં આવી હતી.



















