વિશ્વમાં અમુક એવા કેટલાક અદ્દભુત સ્થળો છે જેનો જીવનમાં કમસે કમ એક વાર તો પ્રવાસ કરવો જ જોઈએ. આ સ્થળો દર વર્ષે અસંખ્ય સહેલાણીઓને આકર્ષિત કરે છે. એટલું જ નહીં, ચિંતકોને નવલકથા લખવા માટે, કવિતાઓ અને ગીતો રચવા માટે, તથા ફિલ્મોનું નિર્માણ કરવા માટે પણ આ સ્થળોએ પ્રેરણા આપી છે.
ક્યૂબાનું હવાના શહેર એવા સ્થળોમાંનું એક છે. આ શહેર પાંચ-પાંચ સદીઓથી રાજકીય સંઘર્ષનો અનુભવ કરતું આવ્યું છે. અહીં સ્પેનના શાસકોએ વર્ચસ્વ જમાવ્યું હતું તો અમેરિકાના માફીયાઓ પણ એમની પ્રવૃત્તિઓનો ફેલાવો કરી ગયા છે. હવાનાને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો મળ્યો છે. અહીં સામ્યવાદી આર્થિક-સામાજિક નીતિઓ છે તો અમેરિકાની ક્લાસિક મોટરકારો પણ ફરતી જોવા મળે.
‘લ હબાના’ (હવાના) શહેરના નાગરિકો એમના ઉષ્માભર્યા વ્યવહાર, જુસ્સા માટે જાણીતા છે. જગવિખ્યાત થયેલી મ્યૂઝિક સ્ટાઈલ્સ જેવી કે, સલ્સા, સોન ક્યૂબાનો અને મામ્બો હવાનાનું સર્જન છે.
મોજીતો કોકટેલ્સ, હવાના સિગાર પણ આ શહેરની પહેચાન બન્યા છે. એટલે જ તો આને સિટી ઓફ રીધમ્સ કહેવામાં આવે છે.



















