મ્યાનમાર સરકારે વિઝા અને બીજાં વિદેશી ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગને પરવાનગી આપી દીધી છે. અત્યાર સુધી આ સુવિધાને મંજૂરી ન હોવાથી પર્યટકોને મ્યાનમારમાં ઘણી હાલાકી ભોગવવી પડતી હતી.
દાયકાઓથી લશ્કરી શાસન હેઠળ રહેલા મ્યાનમારમાં વિઝા, માસ્ટરકાર્ડ, ચાઈના યુનિયનપે અને જાપાન ક્રેડિટ બ્યૂરોની સર્વિસ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
લોકલ બેન્કો, એટીએમ, હોટેલો અને રેસ્ટોરાંઓમાં આવા કાર્ડની સર્વિસના લોન્ચની ટેકનિકલ બાજુ સંભાળશે મ્યાનમારનું ટપાલ અને દૂરસંચાર ખાતું તેમજ મ્યાનમાર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની.
અમેરિકાની સરકારે લાદેલા આર્થિક પ્રતિબંધોને કારણે મ્યાનમારમાં મોટા ભાગના ક્રેડિટ કાર્ડ્સ સ્વીકારવામાં આવતા નહોતા.
પરંતુ મ્યાનમારના શાસકોએ આર્થિક સુધારાઓ લાગુ કરતાં, રાજકીય કેદીઓને છોડી મૂકતા અને નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા ઓંગ સાન સૂ ચીને ચૂંટણી લડવાની પરવાનગી આપ્યા બાદ અમેરિકાએ આ વર્ષના પ્રારંભથી મ્યાનમાર સામેનું પોતાનું વલણ નરમ કર્યું છે.
માસ્ટરકાર્ડે મ્યાનમારની કોઓપરેટિવ બેન્ક સાથે કરાર કર્યો છે તેથી તેના ધારકો ઈલેક્ટ્રોનિક પેમેન્ટ કરી શકશે.
આ સુવિધા અપાવાથી મ્યાનમારમાં ટૂરિઝમ અને ટ્રાવેલ ક્ષેત્રને ઘણો લાભ થશે.



















