સિંગાપોર એરલાઈન્સ દુનિયાભરમાં તેના એરપોર્ટ લાઉન્જીસને અપગ્રેડ કરવા પાછળ ૧૬ લાખ ડોલર જેટલો ખર્ચ કરવાની છે. અન્ય એરલાઈન્સ સાથેની હરીફાઈમાં ટકી રહેવા માટે તેણે આ નિર્ણય લીધો છે.
સિંગાપોર એરલાઈન્સને હાલ એશિયન તથા મધ્ય પૂર્વના દેશોની એરલાઈન્સ તરફથી તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી એણે મુસાફરો માટેની બેઠકોને તથા કેબિન ઈન્ટીરીયર્સને નવો ઓપ આપવા તેમજ ઈન-ફ્લાઈટ મનોરંજનની સુવિધાઓમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે.
સિંગાપોર એરલાઈન્સ તેની લાઉન્જીસને અપગ્રેડ કરવાની કામગીરી આવતા વર્ષના મધ્ય ભાગથી શરૂ કરાવશે. સિડની એરપોર્ટ પરના લાઉન્જમાં એક નવો ડિઝાઈન કોન્સેપ્ટ લાગુ કરાવશે.
એરલાઈનના સિનિયર વાઈસ-પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ) ટાન પી ટેકનું કહેવું છે કે અમારી લાઉન્જમાં મુસાફરોને ઘરથી દૂર ઘર જેવો અનુભવ થશે અને સિંગાપોર એરલાઈન્સ જેને માટે ખ્યાતનામ છે તે એશિયન પરોણાગત એમને માણવા મળશે.
એરલાઈન હાલ નવી દિલ્હી સહિત દુનિયાભરના એરપોર્ટ ખાતે ૧૫ ‘સિલ્વરક્રિસ’ લાઉન્જીસ ધરાવે છે.
સિંગાપોર એરલાઈન્સ એવિએશન ઉદ્યોગમાં ટ્રેન્ડસેટર ગણાય છે. તેની કેબિન સર્વિસ સૌથી પોપ્યૂલર છે. પરંતુ કેથે પેસિફિક, ઈતિહાદ, એમિરેટ્સ અને ગલ્ફ એર તરફથી તેને તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે.



















