બ્રાઝિલના રીયો ડી જેનેરો શહેરના રોપવે પ્રોજેક્ટ, સુગરલોફ કેબલ કારની ગણના દુનિયાના સૌથી પોપ્યૂલર ટૂરિસ્ટ આકર્ષણોમાં કરવામાં આવે છે. ૨૭ ઓક્ટોબરે તેણે પોતાનો ૧૦૦મો જન્મદિવસ ઊજવ્યો.
સુગરલોફ કેબલ કારનો શુભારંભ કરાયો હતો ૧૯૧૨ની ૨૭ ઓક્ટોબરે. આ રોપવે મુલાકાતીઓને સુગરલોફ પર્વતની ટોચ પરથી લઈ જાય છે અને પાછા લાવે છે. આ પર્વત ૩૯૫ મીટર (૧૨૫૦ ફૂટ) ઊંચો છે. આ રોપવેમાં બેસીને રીયો ડી જેનેરોનું ભવ્ય દર્શન કરવા મળે છે.
૧૦૦ વર્ષ પહેલા જ્યારે આ રોપવે પ્રોજેક્ટ શરૂ કરાયો હતો ત્યારે એ લાકડાની કેબીન કાર હતી. હાલ એનું જે સ્વરૂપ છે એ ૧૯૭૨માં શરૂ કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં સૌથી જૂની પેસેન્જર કેબલ કારોમાં આનો નંબર ત્રીજો આવે છે. પહેલો આવે છે સ્પેનની માઉન્ટ યુલીઆ સિસ્ટમનો જે ૧૯૦૭માં શરૂ કરાઈ હતી જ્યારે બીજી છે સ્વિટ્ઝરલેન્ડના વેલરહોર્ન ટ્રામવે, જેની શરૂઆત ૧૯૦૮માં કરવામાં આવી હતી.
સુગરલોફ માઉન્ટનની ટોચ પર પહોંચવા માટે મુલાકાતીએ પહેલા એક કેબલ કારમાં બેસીને લોઅર હિલ – મોરો ડા યુકરા જવું પડે છે. ત્યાંથી બીજી કારમાં બેસીને પર્વતની ટોચ પર જઈ શકાય છે.
આ પ્રોજેક્ટનું સંચાલન સુગરલોફ એરિઅલ ટ્રામવે કંપની કરે છે. આ ખાનગી કંપનીના માલિકણ છે મારીયા એર્સીલીઆ લેઈટ ડી કાસ્ટ્રો છે. તેમનાં પિતા આ કંપનીમાં ટેકનિકલ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. ત્યારબાદ એમણે મોટા કદવાળી તેમજ આધુનિક ઢબવાળી નવી કેબલ કાર બનાવી હતી.
નવી કેબલ કારમાં ચારે બાજુ કાચ છે. તેને ડાયમંડનો આકાર આપવામાં આવ્યો છે. અંદરથી પેસેન્જરો રીયો શહેરનું ૩૬૦ ડિગ્રી વ્યૂમાં દર્શન કરી શકે છે.



















