કોન્ટ્રાસેપ્ટિવ્સના ઉપયોગથી દર વર્ષે અઢી લાખ જેટલી મહિલાઓના જાન બચાવી શકાય છે. જે મહિલાઓ કાં તો ગર્ભાવસ્થા કે પ્રસૂતિ દરમિયાન અથવા જોખમી ગર્ભપાતને કારણે મૃત્યુ પામતી હોય છે.
સંશોધનકારી એજન્સી, ધ લેન્સેટ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે ૨૦૦૮માં પ્રસૂતિ વખતે અથવા ગેરકાયદેસર, જોખમી ગર્ભપાતને કારણે ૩,૫૫,૦૦૦ સ્ત્રીઓનાં મરણ થયા હતા. પરંતુ ગર્ભનિરોધકોથી અનિચ્છનીય ગર્ભાવસ્થાના કિસ્સાઓ ઘટી જવાથી એક જ વર્ષમાં અઢી લાખ જેટલી સ્ત્રીઓના મરણ નિવારી શકાયા હતા.
વિકાસશીલ દેશોમાં જે તમામ મહિલાઓ ગર્ભાવસ્થા ટાળવા ઈચ્છતી હોય તેમણે અસરકારક ગર્ભનિરોધક મેથડ અપનાવવી જોઈએ.
બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને પ્રમોટ કરેલા સેમિનાર ‘લંડન સમિટ ઓન ફેમિલી પ્લાનિંગ’ વખતે ધ લેન્સેટ એજન્સીના સ્ટડીના રિપોર્ટને રિલીઝ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું છે કે વિકાસશીલ દેશોમાં કોન્ટ્રાસેપ્ટિવ્સનો ઉપયોગ વધવાથી ગર્ભાવસ્થા દરમિયાન કે પ્રસૂતિ વખતે સ્ત્રીઓના થતા મરણના કિસ્સાઓમાં છેલ્લા ૨૦ વર્ષમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે.



















