ફોટામાં સુંદર દેખાવાના પાંચ સરળ નુસખા

ફોટો પડાવવાનો અર્થ માત્ર કેમેરાની સામે ઊભા રહીને ‘ચીઝ…’ કહેવું થતો નથી, પરંતુ એક એવી ક્ષણ માટે પોઝ આપવો થાય છે, જે જીવનભરની યાદ બની રહેવાની છે. તેથી જો તમે પણ ઈચ્છતા હો કે તમારો ફોટો સારો આવે તો નીચે આપેલી કેટલીક ટિપ્સ ચોક્કસ અમલમાં ઊતારજો.

 

(1) થાકેલી આંખો છૂપાડી દો - ફોટામાં માત્ર ચહેરાના જ નહીં, પરંતુ આંખોના હાવભાવ પણ કેદ થઈ જતા હોય છે. આ માટે જરૂરી છે કે ફોટો પડાવતી વખતે તમારી આંખોની તાજગી અને ચમક બરકરાર રહે. તેથી ફોટો પડાવતા પહેલાં તમારા માટે જો કોઈ એક જ કામ કરવું શક્ય હોય તો પર્સમાં પડેલું કન્સીલર શોધવાનું કરવું. આંખ નીચેના ડાર્ક સર્કલ્સ ફોટામાં વધુ ડાર્ક લાગે છે. માટે કન્સિલરના માત્ર એકાદ બે ટીપાં આંખ નીચે લગાડી એ ધબ્બાને છુપાડી દો અને પછી જૂઓ કે માત્ર બે-ચાર સેકેન્ડ માગી લેતી આ મહેનત તમારા ફોટાનું પરિણામ કેટલું ડ્રામેટિકલી બદલી નાખે છે.

 

(2) કેમેરાની લાઈટ્સનું ખાસ ધ્યાન રાખવું ચમક ધરાવતાં શિમરી બ્લશર, આઈશેડો તથા હાઈલાઈટર્સ ચહેરાને ચોક્કસ એક ફેસ્ટિવ લૂક આપે છે, પરંતુ ફોટાને નહીં. લ્યુમિનિશર ધરાવતાં મેકઅપ પ્રોડક્ટ્સ કેમેરાની લાઈટને પોતાની તરફ આકર્ષે છે, જે આગળ જતાં ફોટોગ્રાફમાં સ્પોટલાઈટ જેવી અસર દેખાડે છે. મિનરલ ફાઉન્ડેશન તથા મિનરલ સનસ્ક્રિન ટિટેનિયમ ડાયોક્સાઈડ ધરાવતું ફાઉન્ડેશન પણ ફોટામાં આ જ અસર ઊભી કરે છે. તેથી જ ફોટા પડાવવાના હોય તે દિવસે મેકઅપમાં મેટ પ્રોડકટ્સ તથા એસપીએફ વિનાના ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો.

 

(3) વાળને કાબુમાં કરી લોઃ વેરવિખેર અને હવામાં આમથી તેમ ઊડતા વાળને તમારી પિક્ચર પર્ફેક્ટ મોમેન્ટને બગાડવા ન દો. વધુ સમય ન હોય કે પછી સામે અરિસો ન હોય તો માત્ર તમારા દાંતિયામાં થોડું હેરસ્પ્રે છાંટી તેનાથી તરત વાળ ઓળી લો. આમ કરવાથી ગમે તેટલા વિખરાયેલા વાળ સેકેન્ડ્સમાં કાબુમાં આવી જશે.

 

 

(4) વાળનું વોલ્યુમ વધારોઃ ફોટામાં વાળ હંમેશાં હોય તેના કરતાં વધુ ફ્લેટ દેખાય છે. તેથી ફોટો પડાવતી વખતે જો શક્ય હોય તો તમારા વાળનું વોલ્યુમ વધારવાનો પ્રયત્ન કરો. એ માટેનો સૌથી સરળ રસ્તો એ છે કે ફોટો પડાવતા પહેલાં કમરેથી વાંકા વળી માથું નીચું કરી દાંતિયા વડે બધા વાળ આગળ લઈ લો. ત્યારબાદ ફરી પાછા ટટ્ટાર થઈ માત્ર આંગળીઓથી વાળ સેટ કરી દો..

 

(5) સાચું હસોઃ ફોટો પડાવતી વખતે ચહેરા પર ક્યારેય જબરદસ્તીનું હાસ્ય લાવવું નહીં. એ ક્ષણે અંદરથી જે ફૂટે એ જ સાચું હાસ્ય હોય છે. તેથી ફોટો પડાવતી વખતે તમારી સામે તમારું કોઈ પ્રિયપાત્ર ઊભું છે અને તેને જોઈને તમે હસી રહ્યા છો એવું વિચારશો તો ફોટો ચોક્કસ સુંદર આવશે. સાથે જ ફોટો પડે એ ક્ષણે બરાબર કેમેરાના લેન્સની સામે નહીં, પરંતુ તેનાથી થોડું ઉપર જોશો તો પરિણામ વધુ સારું આવશે.

- ફાલ્ગુની જડિયા-ભટ્ટ

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Women