લંડન – ફ્રાન્સની એક કંપનીએ પ્લાસ્ટર ઓફ પેરિસ (PIP)ના બનાવેલા ખામીભર્યા બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી વિશ્વસ્તરે આરોગ્યને લગતી ચિંતા ફેલાઈ છે, પરંતુ તેનાથી લાંબા ગાળાના કોઈ તબીબી જોખમો નથી એવું બ્રિટનના આરોગ્ય સત્તાવાળાઓએ તેમના એક અહેવાલમાં જણાવ્યું છે.
નેશનલ હેલ્થ સર્વિસીસ મેડિકલના ડિરેક્ટરોના ગ્રુપનું કહેવું છે કે આ ઈમ્પ્લાન્ટ્સમાં વપરાતું સિલિકોન જેલ ફિલર ઝેરી અસર ઉપજાવતું નથી અને તેનાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધતું નથી. તેમ છતાં નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે જો આ ઈમ્પ્લાન્ટ્સમાં ઈન્ડસ્ટ્રિયલ-ગ્રેડનું સિલિકોન જેલ વપરાતું હશે જેનો ઉપયોગ મેટ્રેસીસ બનાવવામાં કરવામાં આવે છે તો તે અન્ય બ્રાન્ડ્સની જેમ ફાટી જવાનું જોખમ બમણું રહી શકે છે.
વિશ્વભરમાં ૪,૦૦,૦૦૦ જેટલી મહિલાઓએ PIP માંથી બનાવેલા ઈમ્પ્લાન્ટ્સ બેસાડ્યા હતા. પરંતુ આ પ્રકારના ઈમ્પ્લાન્ટ્સનું ઉત્પાદન ૨૦૧૦માં બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઘણા દેશોએ સ્ત્રીઓને વિનંતી કરી હતી કે તેઓ આ ઈમ્પ્લાન્ટ્સને કાઢી નાખે.
એનએચએસના ગ્રુપ લીડર પ્રોફેસર બ્રુસ કીઓઘનું કહેવું છે કે ઘણી સ્ત્રીઓ ચિંતાતુર થઈ ગઈ હતી. અમે ઊંડાણપૂર્વક ચકાસણી કર્યા બાદ તેમને બેસ્ટ ક્લિનિકલ સલાહ આપવા સમર્થ બન્યા છીએ. અમે બ્રિટન, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયામાં પીઆઈપી ઈમ્પ્લાન્ટ્સના જુદા જુદા બેચીસ પર એકથી વધારે વાર પરીક્ષણ કર્યું હતું અને અમને જણાયું છે કે આ ઈમ્પ્લાન્ટ્સ ઝેરી અસર ઉપજાવતા નથી. તેથી એ બેસાડવાથી સ્ત્રીઓને લાંબા ગાળે આરોગ્યને લગતી કોઈ તકલીફ થતી નથી.



















