રાત્રે ઊંઘતાં પહેલાં, પથારીમાં પડ્યા પડ્યા ટ્વિટ, ઈ-મેઈલ, ફેસબુક ચેક કરવા જેવી પ્રવૃત્તિઓ તમારી ઉંઘનો ટાઈમ બરબાદ કરે છે એટલું જ નહીં, પરંતુ તમારી સેક્સ લાઈફને પણ નષ્ટ કરે છે. એક ઓનલાઈન સર્વે બાદ આ વાત જાણવા મળી છે.
બ્રિટિશ વેબસાઈટ BroadbandChoices.co.uk દ્વારા ૨,૦૦૦ જેટલી યુવા વ્યક્તિઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં ૧૫ ટકા યુવાનોએ કબુલ કર્યું હતું કે વેબ સર્ફિંગને કારણે તેમની સેક્સની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. વેબ-સર્ફિંગની આદતને કારણે તેઓ સેક્સ ઓછું કરે છે.
જ્યારે અડધા લોકોનું કહેવું હતું કે તેઓ જ્યારે પથારીમાં હોય છે ત્યારે ૯૦ મિનિટ લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટફોન પાછળ પસાર કરે છે. જો કે રાત્રે ઊંઘી જવાનો તેમનો સરેરાશ સમય ૧૨ વાગ્યાનો છે. દસ વર્ષ પહેલાં, તેમનો ઉંઘવાનો સરેરાશ સમય ૧૦.૩૦નો હતો.
૨૫ ટકા યુવાઓ કહે છે કે, તેઓ બેડ પર જ વેબ સર્ફ કરે છે, જ્યારે ૧૫ ટકા લોકો પથારીમાં પડતાં પહેલાં ટીવી જુએ છે અને તેમનાં લેપટોપ/ટેબલેટ પર સર્ફ કરે છે. અમુક મોટી વયના લોકોએ એમ કહ્યું કે તેઓ ઊંઘતાં પહેલા પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે.
૨૦૧૧માં કરાયેલા અમેરિકન સ્લીપ પોલ અનુસાર ૯૫ ટકા લોકોએ એ કબુલ્યું છે કે રાત્રે ઉંઘી જતા પહેલા તેઓ ટીવી જોવી, વેબસાઈટ પર કામ કરવું વગેરે ક્રિયાઓ કરતા હતા.



















