એક નવો અભ્યાસ એવી જાણકારી લઈને આવ્યો છે કે ઘણી સ્ત્રીઓ એમને માસિક આવવાના એક સપ્તાહ પૂર્વેથી જ ઘૂંટણમાં ઈજા થવાના જોખમને લીધે રનિંગ જેવી જોખમી કસરતો કરવાનું ટાળે છે.
એ તો સુવિદિત છે કે પુરૂષો કરતા સ્ત્રીઓને ઘૂંટણની ઈજા વધારે થતી હોય છે. ખાસ કરીને, સોકર, બાસ્કેટબોલ જેવી રમતોમાં. આ વખતના સંશોધનમાં એ ધ્યાન આપવામાં આવ્યું કે માસિકસ્ત્રાવની સાઈકલ સ્ત્રીઓના સ્નાયૂઓની કામગીરીને નિયંત્રણમાં રાખતી નસો પર કેટલી હદે માઠી અસર પાડે છે.
ઓસ્ટિનની ટેક્સાસ યુનિવર્સિટી અને ચેપલ હિલની નોર્થ કેરોલીના યુનિવર્સિટીનાં નિષ્ણાતોની ટીમે ૧૯ અને ૩૫ વર્ષની વચ્ચેની વયની સાત મહિલા વોલન્ટીયર્સનાં માસિકસ્ત્રાવની સાઈકલના જુદા જુદા તબક્કે એમનાં ઘૂંટણની આસપાસની નસો અને સ્નાયૂઓની કામગીરીનું માપ ચેક કર્યું હતું.
સર્વેમાં સામેલ કરાયેલી સ્ત્રીઓએ એમનાં શરીરના દૈનિક તાપમાનના રીડિંગની મદદથી તેમની માસિકસ્ત્રાવની સાઈકલનો તાગ મેળવ્યો જ્યારે વિજ્ઞાનીઓએ આ સ્ત્રીઓનાં માસિકસ્ત્રાવના પાંચ જુદા જુદા તબક્કે એમનાં ઘૂંટણના સ્નાયૂઓની કામગીરીનું માપ કાઢ્યું. આ જાણવા માટે તેમણે વાળ જેટલા કદનો એક વાયર ઈલેક્ટ્રોડ સ્ત્રીઓનાં ઘૂંટણનાં બે સ્નાયૂની અંદર નાખ્યો અને સ્ત્રીઓએ ઘૂંટણની કસરત કરી ત્યારે એની કામગીરીનું રીડિંગ લીધું.
સંશોધકોને જાણવા મળ્યું કે જે તે મહિલાનાં માસિકસ્ત્રાવની સાઈકલના શરૂઆતના ભાગ કરતાં સ્ત્રાવ શરૂ થવાના લગભગ એક અઠવાડિયા પહેલાં ઘૂંટણની નસોમાં વધારે તાણ હતી. આ તાણમાંનો ફરક સ્ત્રીઓનાં ઘૂંટણના સાંધાની સ્થિરતાને માઠી અસર પહોંચાડી શકે છે, ખાસ કરીને જો એને કોઈ ઈજા થાય તો.



















