દીકરી એ ઘરની જ નહીં, પણ રાષ્ટ્રની શક્તિ છે. આ સૂત્રને સાર્થક કરવા માટે ગઈકાલે એટલે કે 24 જાન્યુઆરીએ ભારતભરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day)ની ઉત્સાહભેર ઉજવણી થઈ.
2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો આ દિવસ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પરંતુ દીકરીઓના સન્માન અને સુરક્ષા માટેનો એક દેશવ્યાપી સંકલ્પ છે.
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓ સામે થતા ભેદભાવ અને અસમાનતાને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. દીકરીઓના શિક્ષણ, ઉત્તમ આરોગ્ય અને પોષણક્ષમ આહારના અધિકારની હિમાયત કરતા આ દિવસનો પાયાનો વિચાર એમને એક એવું ભયમુક્ત અને સશક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે, જ્યાં તેઓ પૂર્વગ્રહોની બેડીઓ તોડીને આકાશ આંબી શકે. જો કે આજે પણ દેશના એવા અનેક રાજ્ય છે, જ્યાં દીકરાઓની તુલનામાં દીકરીઓની સંખ્યા ઓછી છે.

ચાલો જાણીએ એ પાંચ રાજ્ય વિશે, જ્યાં સ્ત્રી લિંગ ગુણોત્તર હજુ પણ એક મોટો પડકાર છે…
જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીરમાં લિંગ ગુણોત્તરનું ઓછું પ્રમાણ એક ચિંતાજનક બાબત રહી છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અને દાયકાઓથી ચાલી આવતી સામાજિક-રાજકીય અસ્થિરતાને કારણે આરોગ્ય સુવિધાઓ અને જાગૃતિ પર માઠી અસર પડી છે. અસ્થિર વાતાવરણમાં દીકરીઓની સુરક્ષાને લઈને માતા-પિતામાં રહેલી ચિંતા ક્યારેક દીકરીના જન્મ પ્રત્યે અનિચ્છા પેદા કરે છે. તાજેતરના આંકડાકીય અહેવાલો મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અંદાજે 890 જેટલી છે, જે અન્ય પહાડી રાજ્યોની સરખામણીએ ઘણી ઓછી છે.
પંજાબ

પંજાબમાં આર્થિક સમૃદ્ધિ હોવા છતાં સ્ત્રી-પુરુષના પ્રમાણમાં મોટી અસમાનતા જોવા મળે છે. અહીં જમીનના ટુકડા ન થાય અને પરિવારની મિલકત પરિવારમાં જ રહે એ હેતુથી દીકરાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત, પંજાબી સંસ્કૃતિમાં દહેજ પ્રથા અને લગ્ન પાછળ થતા અઢળક ખર્ચને કારણે અનેક પરિવારો દીકરીના જન્મને આર્થિક ભાર ગણે છે. શહેરી વિસ્તારોમાં પણ ‘નાનું કુટુંબ, માત્ર દીકરો’ એવી માનસિકતાને કારણે લિંગ પસંદગીના કિસ્સાઓ વધે છે. પંજાબમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અંદાજે 900ની આસપાસ છે.
ગુજરાત

ગુજરાત એક ઔદ્યોગિક અને વિકસિત રાજ્ય હોવા છતાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લિંગ ગુણોત્તર હજુ પણ પડકારજનક છે. અહીં આર્થિક સદ્ધરતા હોવા છતાં સામાજિક સ્તરે દીકરાની અપેક્ષા રાખવામાં આવે છે. વેપારી માનસિકતા ધરાવતા કેટલાક વર્ગોમાં દીકરો વ્યવસાય સંભાળશે એવી માન્યતાને કારણે દીકરીઓની અવગણના થાય છે. ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ અંદાજે 919ની આસપાસ છે.
હરિયાણા

હરિયાણામાં દીકરીઓની સંખ્યા ઓછી હોવાનું સૌથી મોટું કારણ વર્ષોથી ચાલી આવતી કઠોર પિતૃસત્તાક વ્યવસ્થા છે. અહીં ખેતીવાડી અને વારસાગત સંપત્તિ માટે દીકરો હોવો અનિવાર્ય માનવામાં આવે છે, જેના કારણે ‘પુત્ર પ્રાપ્તિની ઘેલછા’ અત્યંત તીવ્ર છે. સામાજિક રીતે પણ દીકરાને ‘વંશનો દીવો’ અને દીકરીને ‘આર્થિક બોજ’ ગણવાની માનસિકતાએ અહીં લિંગ ગુણોત્તરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વર્તમાન સમયમાં એક હજાર પુરુષોએ 923 સ્ત્રીઓ છે. સામાજિક સ્તરે હજુ ઘણો સુધારો જરૂરી છે.
રાજસ્થાન

રાજસ્થાનમાં લિંગ અસમાનતાનું મુખ્ય કારણ જૂની અને રૂઢિચુસ્ત પરંપરાઓ છે. અહીં લાંબા સમય સુધી બાળ લગ્નની પ્રથા અસ્તિત્વમાં હતી, જે દીકરીઓના વિકાસમાં અવરોધક બની હતી. અંતરિયાળ વિસ્તારોમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો દીકરીને ‘પારકું ધન’ માની એના ઉછેરમાં ભેદભાવ રાખે છે. ગરીબી અને દહેજની બીક પણ દીકરીઓના જન્મને રોકવા માટે જવાબદાર છે. અહીં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અંદાજે 928 છે, જે હજુ પણ આદર્શ લિંગ ગુણોત્તરથી દૂર છે.
|
વર્તમાન સ્થિતિ…
વર્તમાન સમયમાં ભારત સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા અભિયાનોને કારણે લોકોની માનસિકતામાં મોટું પરિવર્તન આવ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)ના તાજેતરના અહેવાલ પ્રમાણે, દેશમાં લિંગ ગુણોત્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. હવે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે એક હકારાત્મક સંકેત છે. શિક્ષણ ક્ષેત્રે પણ દીકરીઓ હવે દીકરાઓની સમકક્ષ પ્રગતિ કરી રહી છે અને રમતગમતથી લઈને અવકાશ વિજ્ઞાન સુધી દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહી છે. જોકે, હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં બાળ લગ્ન અને શિક્ષણ છોડી દેવા જેવી સમસ્યાઓ સામે લડવાનું બાકી છે. |
હેતલ રાવ


સંવાદ માત્ર રાજકીય ઔપચારિકતા નથી, પરંતુ નેતૃત્વની ઊંડાણભરી શાળા છે, જ્યાં યુધિષ્ઠિરની મૌન દૃષ્ટિ, તીખા પ્રશ્નો અને વિચારશીલતા સ્પષ્ટ કરે છે કે સાચો નેતા ઉતાવળે નિર્ણય લેતો નથી; તે પહેલા સાંભળે છે, માહિતી એકત્ર કરે છે, વિવિધ દૃષ્ટિકોણને તોલે છે અને ત્યારબાદ જ દિશા નક્કી કરે છે. આ જ વિમર્શ છે, જે વિઝનને જન્મ આપે છે.









એસિડની દવા શરૂ કરાવી છે, પરંતુ એવો કયો આહાર છે જે હિમોગ્લોબીન વધારે અને પ્રેગ્નન્સીમાં પણ લઈ શકાય?



