પ્રસિદ્ધિ નહીં, સાચું વાસ્તુજ્ઞાન પસંદ કરો

છેલ્લા એક વર્ષમાં કદાચ સૌથી વધુ લોકોના વિવિધ રીતે મૃત્યુના સમાચાર આપણે સૌએ સાંભળ્યા હશે. છતાં પણ કેટલાક લોકો એવા મિજાજમાં જીવતા જોવા મળે છે, જાણે તેઓ ક્યારેય મૃત્યુ પામવાના જ નથી. એરોપ્લેન નીચે દબાઈને મૃત્યુ પામનાર વ્યક્તિને પણ કદાચ કલ્પના નહીં હોય કે એનો અંત આ રીતે આવશે.

મૃત્યુનો સ્વીકાર જ આપણને સાચી રીતે જીવવાનું શીખવે છે. અઢળક સંપત્તિ મેળવવાની જીજીવિષા અંતે અસંતોષ સિવાય કશું જ આપતી નથી. અબજો રૂપિયા કમાયા પછી પણ એ કોણ વાપરશે એની કોઈ ખાતરી નથી. મૃત્યુનો ભય માણસને નકારાત્મક બનાવે છે, પરંતુ મૃત્યુનો સ્વીકાર અદભુત આત્મવિશ્વાસ આપે છે. આવી વ્યક્તિઓ અજેય બને છે અને મોક્ષના માર્ગે આગળ વધી શકે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આપણી આસપાસ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે એ દયનીય છે. ખોરાકમાં ભેળસેળ. કામમાં ભ્રષ્ટાચાર. નીતિ નિયમો નેવે મુકીને જીવતા માનવીઓ. સમાજની કથળતી સ્થિતિ. દિશાહીન પેઢી. શું આ જ છે એ ભારત જેના માટે અમારી પેઢીએ આઝાદીની લડાઈ લડી હતી? આવું થવાનું કારણ શું? ઈલાજ દેખાય તો જણાવો.

જવાબ: સંચિત કર્મો અને આપણા ભારતીય નિયમો સમજાવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. પ્રસિદ્ધ થવાની લ્હ્યાયમાં આપણે સત્યથી વેગળા થતા ગયા. જ્ઞાનકેન્દ્રિત સમાજ ભૌતિક્તાવાદી બની ગયો. વગર પરીક્ષાએ પાસ કરતી યુનિવર્સિટીઓ ધમધમતી હોય. ડીગ્રી વેચાતી મળતી હોય અને યુવાધન પરદેશ તરફ દોટ મૂકતું હોય ત્યારે સ્વને સમજવાની જરૂર હતી. પણ ઘણાબધા લોકો આ વ્યવસ્થાને સ્વીકારી ચુક્યા હતા. આવી ડીગ્રી ધારકો જયારે શિક્ષક, તબીબ કે ઈજનેર બને ત્યારે વ્યવસ્થા વધારે જ કથળે. એક સ્વાર્થી વિચારનું બીજ જયારે વટવૃક્ષ બનવા તરફ પહોંચ્યું ત્યારે દિશાહીન સમાજની ભીતિ ઉભી થઇ. મૂળ જ વૃક્ષની સ્થિતિ માટે જવાબદાર હોય છે. એક એવી વ્યવસ્થા જે સર્વ માટે સમાન હોય એ જ ભારતીયપણું પાછુ લાવી શકશે. આના માટે સર્વની જાગૃતિ જરૂરી છે.

સવાલ: સમાજમાં અરાજકતા વધી રહી છે. ખૂન, બળાત્કાર, દગો, આ જાણે રૂટીન બની ગયું છે. શું કોઈ અવતાર જન્મ લઈને આપણને બચાવી શકશે?

જવાબ: તમે પરીકથા જેવી લાગણી દેખાડો છો. રાજકુમારી તકલીફમાં હોય તો પણ એ કોઈ રાજકુમારની રાહ જુએ કે એ આવીને બચાવશે. સમાજ એટલે શું? એ સામાન્ય માણસોથી જ બને છે. જયારે દરેક વ્યક્તિ પોતાની ફરજ પ્રત્યે બેધ્યાન થાય ત્યારે સમાજવ્યવસ્થા બદલાય છે. આઝાદીની ચળવળમાં કયા ભગવાન આવ્યા હતા? દરેક વ્યક્તિ પોતાના ઘર પરિવારને નીતિ શીખવાડે તો પણ એની અસર સમાજ પર આવશે. નજર સામે ખોટું થતું હોત ત્યારે રીલ બનાવવાને બદલે જેની સાથે ખોટું થઇ રહ્યું છે એને બચાવવાની ઈચ્છા પણ એક બદલાવ છે. બસ બધાએ જાગવાની જરૂર છે.

સવાલ: હું એક માણસની રીલ્સ જોઉં છું. એના લાખો ફોલોઅર્સ છે. એ વાસ્તુ માટે રીલ્સ બનાવે છે. મેં એમની સલાહ લીધી. પહેલા તો ઘરમાં નાનીનાની સમસ્યાઓ હતી. હવે તકલીફો વધી છે. ફરીથી સલાહ માટે એ હવે બહુ મોટી ફી માંગે છે. અને કહે છે કે આવતા વરસે તમારો નંબર લાગશે. સાચે જ બહુ તકલીફ છે. કોઈ સમાધાન આપો ને.

જવાબ: પ્રસિદ્ધ થવું અને જ્ઞાની હોવું એમાં ભેદ છે. તમારે હીરો ખરીદવો હોય તો તમે પ્રસિદ્ધ કુંભારની સલાહ લેશો ખરા? તમારી સાથે જે થયું તે દુખદ છે. આવા અસંખ્ય લોકો છે જે ફસાઈ ગયા પછી પણ ફરી એ જ કુંડાળામાં પગ મુકે છે. સહુથી પહેલા તો એમણે જે કહ્યું છે એ બધું બદલીને પહેલા જેવું કરી નાખો. તમે એમના સૂચનો પછી દુખી થયા છો. તેથી નોર્મલ થવું જરૂરી છે. ફરી આવું ન કરવાનો નિર્ણય લો.

સુચન: વાસ્તુશાસ્ત્ર એ કોઈ એક પુસ્તક નથી. એના માટે વરસોની તપસ્યા જોઈએ. તેથી કોઈ લેભાગુની વાતમાં ન આવી જવાની સલાહ છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)