લક્ષ્મી અને અલક્ષ્મી બંનેને સમજ્યા વિના બરકત ન આવે. દિવાળીના તહેવારો વિશે સમજ્યા વિના માત્ર મહારાજ બોલાવીને
પૂજાઓ કરાવવાથી સુખ મળે છે, એ માન્યતા ખોટી છે. આધાર વિના ઇમારત ઊભી ન જ રહે. આખું વર્ષ લોકોને છેતરીને લક્ષ્મીપૂજન કરીએ તો માતાજી પ્રસન્ન થાય ખરા? કોઈનું દિલ દુભાવીને પછી મંદિરમાં પૈસા આપી દઈએ તો એનાથી પાપ ધોવાઈ જાય? ઢોલ-નગારાના અવાજ વિનાની શ્રદ્ધા પણ ઈશ્વર સમજે છે. આત્મા સુધીનો પ્રકાશ મનના અંધકારને પાર કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. તો આ દિવાળીએ કોઈનું દિલ ન દુભાય એ માટે સંકલ્પ લઈએ. કદાચ જીવન ઝળહળ થઈ ઊઠે એવું બને.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ : હેપ્પી દિવાળી. તમારો દિવાળીની સફાઈનો લેખ વાંચ્યો. તમારાં પુસ્તકો પણ અદ્ભુત છે. જો વાસ્તુમાં સફાઈનું મહત્ત્વ છે, તો પછી મનની સફાઈ વિશે વાસ્તુ શું કહે છે?
જવાબ : મન એ સુખનું કારક છે. જો મન સાફ ન હોય તો સારા વિચારો કે આચરણ કેવી રીતે થાય? સારું કે ખરાબ, બંનેની અનુભૂતિ માટે મન સાફ હોય એ જરૂરી છે. એ ખરાબ વિચારો દૂર કરીને પણ થાય, ખરાબ સંગતિથી દૂર રહીને પણ થાય અને દૂષણનો વિરોધ કરીને પણ થાય. માત્ર સહન કરવાથી પણ મન રૂંધાય છે અને રૂંધાયેલું મન સ્વસ્થ નથી રહેતું. સ્વ માટેની સમજણ અત્યંત જરૂરી છે.

સવાલ : વાસ્તુ પ્રમાણે ટ્રેન બને ખરી? થોડા સમય પહેલાં વેરાવળ જવાનું થયું. ન સફાઈ, ન એટેન્ડન્ટ, ન એસી અને ફર્સ્ટ એસીમાં આઠ કલાકની રૂંધામણને કારણે તબિયત બગડી ગઈ. અમે બધાએ મળીને કુલ ૧૦૦થી વધારે ફરિયાદો કરી હશે, પણ કોઈ પરિણામ ન આવ્યું. નવો કોચ અથવા માત્ર બેસવાની જગ્યા આપવા વિનંતી કરી, પણ ત્યાં માત્ર મૂર્તિની માફક ઊભેલા લોકો હતા, જેમની પાસે ઓળખપત્ર પણ નહોતાં. અમે શૌચાલય પાસે ઊભા રહીને મુસાફરી કરી. ૧૩૯ પર ઇમરજન્સી માટે ફોન કર્યો, તો પણ કોઈ ન આવ્યું. રેલવેની આવી સ્થિતિ ભૂતકાળમાં નથી જોઈ. તો એનું વાસ્તુ સુધારી શકાય?
જવાબ : વાસ્તુશાસ્ત્રમાં યંત્રશાસ્ત્રની વાત છે, પણ આ યંત્રની વાત નથી. આ તંત્રની વાત છે. એ તંત્ર જે જગ્યાએથી ચાલે છે, એ ઓફિસનું વાસ્તુ ચોક્કસ સુધારી શકાય. જ્યારે માણસો સંવેદના ખોઈ બેસે ત્યારે નકારાત્મકતાની હદ ગણાય. નિયમ મુજબ તમને સૌને રિફંડ મળવું જોઈએ. જૂની સિસ્ટમમાં એક વખત મને રિફંડ મળ્યું પણ છે. એ સમયે રેલવે ટાઇમટેબલમાં નિયમો રહેતા અને લોકો એને વાંચતા પણ ખરા. આજે આપણે નિયમોનું સાચું જ્ઞાન ધરાવતા નથી, તેથી કોઈ નંબર પર ફોન કરીને રિબાવા સિવાય કોઈ ઉપાય દેખાતો નથી. વિરોધ સામૂહિક હોય તો જ પરિણામ આવે. એના માટે દરેક વ્યક્તિના ઘરનું વાસ્તુ પણ સકારાત્મક હોવું જરૂરી છે, જે આત્મસન્માન વિશેની સભાનતા આપી શકે.

સવાલ : દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન માટેની સમજણ આપશો.
જવાબ : લક્ષ્મીપૂજન ધનતેરસના દિવસે થાય. દિવાળીના દિવસે શારદાપૂજન એટલે કે સરસ્વતીનું પૂજન થાય છે. વાણી અને વ્યવહારની દેવીની કૃપા હોય તો જ લક્ષ્મી પ્રસન્ન થાય. આપણે દરેક પૂજામાં માત્ર ધનપ્રાપ્તિનો આશય રાખીએ છીએ, તેથી શુભલક્ષ્મી અને સ્થિરલક્ષ્મી પ્રાપ્ત નહીં જ થાય.
ભારતમાં કર્મ અને વ્યવહારનું મહત્ત્વ છે અને દરેક ગુણધર્મને સકારાત્મક કરવાની વાત છે. તેથી વ્યક્તિત્વ નિખારવા માટેની વ્યવસ્થા સમજવી જરૂરી છે. ધનથી મૃત્યુને ખરીદી નહીં શકાય. મનનો અંધકાર દૂર નહીં થાય. મેડિક્લેમ એ બીમાર પડવા માટેની જરૂરિયાત નથી. સૌને દિવાળીના પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ.
(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com )






