શું ગરબા ગ્રાઉન્ડ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય છે?

તહેવાર એટલે સમાજને સાથે રાખી ઉત્સાહની સાથે ઉર્જા વધારવાનું પર્વ. શું આપણે એ રીતે ઉત્સવ મનાવીએ છીએ? માત્ર માર્કેટિંગ માટે તહેવાર આવે એ પહેલા વૃક્ષો પર લાઈટ લગાડીને ઝળહળાટ કરી તો દઈએ છીએ. વૃક્ષમાં જીવ છે એ વાત ભૂલી જઈએ છીએ. એક તરફ કોનોકાર્પશ જેવા વૃક્ષોને જીવદયાના નામે કાપવાનો વિરોધ કરીએ છીએ અને જેવો સ્વાર્થ જાગે ત્યારે દરેક વૃક્ષ પર ગરમ ફલડ લાઈટ લગાવીને ધંધો કરી લેવાની વૃત્તિ પણ જાગે છે. પાછુ એવું કહે પણ ખરા કે અમે તો મંદિરમાં દસ ટકા આપીને પાપ ધોઈ આવીએ છીએ. કેટલી ભયાનક ગેરસમજણ છે? પાપ ધોવાની વાત કોઈ ધર્મનો આધાર નથી. કર્મનો સિદ્ધાંત જ ચાલે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: ગરબા ગ્રાઉન્ડ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય છે?

જવાબ: જી. હોય છે. આપનો સવાલ સમાજ માટે ખુબ ઉપયોગી છે. પહેલાના જમાનામાં ચોકમાં ગરબા થતા હતા. એનું કારણ એ હતું કે રહેણાંક વિસ્તારમાં માતાજીની આરાધના જાહેરમાં ન કરાય. એ સમયે કોઈ માસિક ધર્મમાં હોય, કામની પ્રક્રિયામાં હોય અથવાતો સુતું હોય તો એને યોગ્ય નહોતું માનવામાં આવતું. આના કારણે જે તે જગ્યાની ઉર્જા નકારાત્મક થઇ શકે. માતાજીનું સ્થાપન બરાબર વચ્ચે રાખવું જરૂરી છે. એની આસપાસ ગરબા રૂપે પ્રદક્ષિણા કરવી એ ગરબાની સાચી રીત છે. એક ખૂણામાં સ્થાપન કરી નાનાનાના ગ્રુપમાં થતા ગરબા એ નૃત્ય માત્ર ગણાય. કોઈ પણ જીવને રંજાડીને ગરબા ન કરાય. ગરબા માટે પૈસાનું ઉઘરાણું ન કરાય. આપવા અને લેવાવાળા બંને માટે એ નકારાત્મક ગણાય છે.

ગરબાના ગ્રાઉન્ડને શાસ્ત્રોક્ત રીતે શુદ્ધિકરણ કરીને ગરબા કરવા જોઈએ. એના માટે કોઈ નિષ્ણાતની સલાહ પણ લઇ શકાય. નાના બાળકોના ઉદ્યાન કે વડીલોના બેસવાની જગ્યાએ ગરબા ન કરી શકાય. ગરબા કરવાની જગ્યાએ વાસ્તુનિયમ મુજબ દ્વાર હોવું જરૂરી છે. લીલોતરી પર ગરબા ન કરાય. કારણકે એમાં જીવ હોય છે. ટૂંકા કપડા પહેરીને માતાજીના સ્થાપન પાસે ન જવાય. સ્થાપન એ દેખાડો નથી. એની આમન્યા નવરાત્રીમાં દિવસે પણ જાળવવી જરૂરી છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણો નકારાત્મક અસર ઉભી કરે છે. તેથી એના વિના ગરબા કરવા જોઈએ. રાત્રીના પ્રથમ પ્રહરે ગરબા કરવા જોઈએ. વરસાદમાં ગરબા ન કરાય. અંગ પર કપડા ચોંટેલા હોય એ રીતે આરાધના ન થાય. ધોયેલા સ્વચ્છ કપડા પહેરીને ગરબા કરવા જોઈએ. પગરખા ન પહેરાય.

સવાલ: ગરબા માટેના નિયમો સરકારે બનાવ્યા છે. પણ કેટલીક સોસાયટીઓમાં પૈસા લઈને ગરબા થાય છે. આખી રાત ડી જે ચાલે. મકાનો ધણધણી ઉઠે. અને આયોજકો એને શેરી ગરબામાં ખપાવે. બગીચામાં જ્યાં ત્યાં સીરીઝ હોય. પાણી પીવરાવીને માળી જતો રહે, પછી કોઈ બાળક ચોંટી જાય તો એ કોની જવાબદારી? વળી આયોજકો ફાંકા મારતા હોય કે અમે તો મંત્રીઓને ખિસ્સામાં લઈને ફરીએ. અમારી પાર્ટીમાં એ ફેમીલી સાથે આવે છે. ત્યારે સરકાર પરનો વિશ્વાસ ઓછો થઇ જાય છે. આમ જોવા જઈએ તો સોસાયટીઓમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ જરૂરી છે. જો સરકાર સામાન્ય માણસનો વિચાર નહિ કરે તો અંતે આવા લેભાગુઓ જ એમની સાથે રહી જશે. એ લોકો કદાચ ફંડ આપશે પણ મત થોડા લાવી શકશે? પોલીસને બોલાવીએ તો એમને પણ સમજાવીને આખી રાત છાકટા થાય છે.

જવાબ: આપણા દેશની મૂળભૂત સમસ્યા આપણી વસ્તી છે. તમારી વાત સાચી છે કે કેટલાક લેભાગુઓના લીધે સરકારનું નામ ખરાબ થાય છે. સોસાયટીમાં લાઉડ સ્પીકર ન જ હોવા જોઈએ. બીમાર અને વૃદ્ધો કોઈના પાપે શા માટે હેરાન થાય? વળી કેટલાક લોકો સંબંધમાં બોલી નથી શકતા એટલે આવા લોકો ચાલી જાય છે. સરકારનો ઈરાદો કોઈનું નુકશાન કરવાનો ન હોઈ શકે. પણ આટલા મોટા દેશમાં ઠેર ઠેર આવી પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં એ ક્યાં પહોંચે? સોસાયટીમાં પૈસા લઈને ગરબા કરાવવા એ ધંધો જ કહેવાય. આવા લોકોને કોઈ પણ સરકારનો સપોર્ટ ન જ હોય. અમદાવાદમાં કાયદાની વ્યવસ્થા પહેલા જેવી નથી એનું એક કારણ આવી માનસિકતા પણ હોઈ શકે. સરકાર સામાન્ય માણસના પ્રતિનિધિઓ દ્વારા જ બની છે. આવા લોકોના ફંડથી એ નથી ચાલતી. તમારો મુદ્દો વ્યાજબી છે.

તમારી સોસાયટીનું દ્વાર ત્રાંસુ છે. એટલે આવી સમસ્યાઓ આવ્યા કરે છે. જો મંજુરી મળે તો એની આસપાસ પુત્ર્મ્જીવાના બે છોડ વાવી દો.

સુચન: વધારે પડતો ઘોંઘાટ હૃદયને નુકશાન કરે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )