સુખી સંસારમાં અશાંતિનું કારણ વાસ્તુદોષ કે પોતાનો સ્વભાવ?

માણસને ઈશ્વરે ઘણી બધી ઇન્દ્રિયો આપી છે. પણ જો બધાનો સભાનતાપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો એ પોતાનું જીવન તો દુઃખમય બનાવે જ છે, પણ પોતાની આસપાસના લોકોને પણ દુઃખી કરે છે.

કેટલાક લોકો એ ભૂલી જાય છે કે ઈશ્વરે એમને કાન સાંભળવા માટે આપ્યા છે અને શ્રવણની પ્રક્રિયા સહજ છે. કોઈ પણ વ્યક્તિ બોલે તો એ સંભળાવવા માટે જ કહે છે એવું ન હોઈ શકે. કોઈ પણ બે વ્યક્તિ કોઈ એક ખાસ વ્યક્તિ વિશે જ બોલે એવું પણ ન હોઈ શકે. વળી, કેટલાક લોકો જરૂર કરતાં વધારે બોલે છે, જેનાથી અન્ય લોકો થાકી જાય છે અને અંતે વાતાવરણ દૂષિત થાય છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઇલ પર પૂછી શકો છો.

સવાલ: મારાં એક સગાં છે. એમના જીવનમાં ખૂબ તકલીફ હતી. એમના પતિ કશું કમાતા નહોતા. એમના પતિને એ ધારે એ કહી શકતા. એમનો ઘરમાં પ્રભાવ પણ એટલો જ હતો. એ કંઈ પણ ખોટું કરે તો પણ ઘરના બધા એમના પતિને જ સમજાવતા કે એ છે તો ઘર ચાલે છે.

અમારા ગામમાં ભણવા માટે કૉલેજની વ્યવસ્થા ન હોવાથી હું એમના ઘરે રહી. ત્યારથી મને એક જ ઇચ્છા હતી કે હું પણ ખૂબ પૈસા કમાઈને મારું ઘર ચલાવીશ. પણ કમનસીબે મારાં લગ્ન એક પૈસાપાત્ર ઘરમાં થયાં. એમણે તો મને કામ કરવાની હા પાડી, પણ એમની આવક સામે મારી આવક અને આવડત ઓછાં જ પડ્યાં.

હું ક્યારેક એકલી રસોઈ બનાવડાવીને ખાઈ લેતી તો મારા પતિ જાતે બનાવી લેતા. વળી, ઘરમાં કોઈને કશી ફરિયાદ જ નહીં. આવું તો કેવી રીતે ચાલે? ઝઘડો થાય અને કોઈ મારો પક્ષ લે એવી મારી ઇચ્છા અધૂરી રહી ગઈ. અંતે થાકીને મેં મારા પતિ વિશે ખોટી ખોટી વાતો કહેવાની શરૂ કરી. મને એવું હતું કે હવે તો લોકો મારા પક્ષે બોલશે. પણ શરૂઆતમાં બધાએ સાંભળ્યું અને અંતે એમને પણ લાગ્યું કે મારા પતિ જ સાચા છે. આટલો બધો તિરસ્કાર મેં જિંદગીમાં સહન નથી કર્યો.

થોડા દિવસ પહેલાં મેં અફવા ઉડાવી કે મારા પતિને કોઈની સાથે અફેર છે. મારાં બાળકો ખૂબ દુઃખી થયાં. હવે મારા પતિ મને છોડીને જતા રહેવાનું કહે છે. બાળકો પણ કદાચ જતાં રહે. કોઈએ મારો પક્ષ તો લીધો જ નહીં. આવું મારી જ સાથે કેમ થતું હશે? શું કોઈ ગ્રહ નડતા હશે? શું કોઈ વાસ્તુદોષ હશે?

જવાબ: કેટલાક લોકોને સુખના ઉબકા આવે. તમે એ કેટેગરીમાં આવો છો. શું ઘરમાં ઝઘડો થાય તો જ કોઈ તમારો પક્ષ લે? તમારી બધી જ ભૂલો તમારા પતિ અને સાસરિયાંઓએ સહજ રીતે લઈને કોઈ ધમાલ ન કરી એ તમારો પક્ષ લેવા બરાબર જ છે.

એમણે ધાર્યું હોત તો એ બધાને કહી શક્યા હોત કે અમારી વહુ સારી નથી. એના બદલે તમે એમને જ દોષ આપો છો. તમને ઈશ્વરે સુખ આપ્યું એ પણ તમારાથી સહન નથી થતું. તમે તો ચારિત્ર્ય સુધી પહોંચી ગયાં. તમારા દુઃખ માટે તમે જ જવાબદાર છો. આવી વ્યક્તિને કોઈ સુખી કરી નથી શકતું. જે વ્યક્તિ પોતે જ પોતાને નડે છે એને કોઈ ગ્રહ કે વાસ્તુના નિયમોને દોષ દેવાનો અધિકાર નથી. તમે તો સપનું પણ કેવું જોયું? ગરીબ કુટુંબમાં લગ્ન કરીને પૈસા કમાઈને પતિને દબાવવાનું! ઈશ્વર તમને સદ્‌બુદ્ધિ આપે એવી પ્રાર્થના.

સૂચન: ઉત્તરમાં યુગલનો બેડરૂમ હોય ત્યારે નારીનો સ્વભાવ ડિમાન્ડિંગ થઈ જાય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)