વાસ્તુ: કુદરતની ચેતવણીને અવગણવી કેટલી જોખમી?

જો ત્રીસ મિનિટ પહેલાં નેપાળના લોકોને જાણ કરવામાં આવી હતી કે વિનાશક પૂર આવી રહ્યું છે, તો પણ આખું ગામ દટાઈ ગયું અને હજારો લોકો તણાઈ ગયા એવું કેવી રીતે થયું? એનાં ઘણાં અલગ-અલગ કારણો છે. કેટલાક લોકોએ માની લીધું કે આવાં પૂર તો ઘણાં આવ્યાં છે, આવીને જતું રહેશે. એમને આટલી હદ સુધીના નુકસાનની કલ્પના જ નહોતી. બીજું, જે લોકો પૂરના વીડિયો લેવા ગયા એ તણાઈ ગયા. ત્રીજું, જેમને પોતાની કિંમતી વસ્તુઓ લેવાની ઇચ્છા થઈ એ રહી ગયા. જીવનથી વધારે કિંમતી શું હોઈ શકે? આપણું મન, આપણી કુદરત અને સંજોગો આવી ચેતવણી આપ્યા કરે છે. શું આપણે એને ગણીએ છીએ ખરા?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ ચોક્કસ નીચે જણાવેલા ઈમેઇલ પર પૂછી શકો છો.

સ: વિનાશક પૂર, દુકાળ, ભૂખમરો, ખૂનામરકી—આ બધી સમસ્યાઓ સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. શું આ વિનાશની નિશાની છે? કહે છે કે કળિયુગના અંતે કલ્કી ભગવાન આવશે અને સમગ્ર વિશ્વને તારશે. જો વિનાશ નજીક હોય તો કલ્કી ભગવાન દેખાતા કેમ નથી? એમના પરચા તો શરૂ થઈ જવા જોઈતા હતા.

જ: દરેક ક્રિયા કરીએ તો એનું પરિણામ ભોગવવું તો પડે જ છે. બધાને એકબીજાથી તકલીફ છે. કોઈને અન્યનું તેલ લઈ લેવું છે તો કોઈને સત્તા. કોઈને નાના છોકરાની માફક માઠું લાગી જાય છે તો કોઈની લાલસા પૂરી જ નથી થતી. એક જીવનમાં જે જરૂરિયાત છે એનાથી અનેક ગણું પામ્યા પછી પણ ઘણા લોકો બસ ભાગી જ રહ્યા છે. પોતાના સ્વાર્થ માટે કુદરતના નિયમોને કોરાણે મૂકવામાં આવે તો કુદરત પોતાનું સંતુલન સાધવા પ્રયાસ કરે જ.

મૃત્યુ આવશે એવી ચેતવણી મળ્યા પછી પણ વસ્તુઓ ભેગી કરવાની વૃત્તિ દર્શાવે છે કે મૃત્યુનો ભય ઘટી રહ્યો છે. જેમનો જન્મ થયો છે એમનું મૃત્યુ નિશ્ચિત છે. જે દેશમાં કર્મનો સિદ્ધાંત ચાલતો હતો એ દેશમાં હવે લોકો મૃત્યુને વિસરી જવાની સ્થિતિમાં છે. જ્યાં સુધી માણસ પોતે પોતાની મદદ નહીં કરે ત્યાં સુધી અન્ય કોઈ તો એની મદદ કરવાનું જ નથી. માત્ર લાઈનમાં ઊભા રહેવાથી ઈશ્વર મળી જાય એ માન્યતા પણ ખોટી જ છે. ધાર્મિક થવાના બદલે આધ્યાત્મિક થવું જરૂરી છે. કળિયુગ ક્યારે શરૂ થયો એની કોઈ સચોટ માહિતી છે ખરી? તો પૂરો ક્યારે થશે એ આપણે કેવી રીતે જાણી શકીએ? સ્વને સમજી લો. નિર્ણયો સચોટ આવશે જ.

સ: નેપાળમાં પૂર આવ્યા પછી મને રાત્રે ઊંઘ નથી આવતી. સતત ડર લાગે છે કે અમારું ઘર પણ પૂરમાં તણાઈ જશે. મારા પતિ સમજાવે છે કે નજીકમાં ક્યાંય નદી કે પહાડ નથી, પછી પૂર ક્યાંથી આવશે? તો પછી ડર લાગે છે કે ધરતીકંપ આવશે તો શું થશે? કોઈ ઉપાય હોય તો જણાવવા વિનંતી.

જ: ઘણી વાર સતત એક જ પ્રકારના નકારાત્મક સમાચાર જોયા પછી આવું થતું હોય છે. જ્યારે બ્રહ્મનો દોષ હોય ત્યારે પણ આવી માનસિક સ્થિતિ ઊભી થાય. સમાચાર જોવાનું બંધ કરી દો. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. ચોક્કસ ફાયદો થશે.

સ: અમારું ઘર ઈંટોથી બનેલું છે. જાડી દીવાલો છે. પ્લાસ્ટર પણ સારું છે. સિમેન્ટનો સ્લેબ ભરેલો છે. જો પૂર આવે તો અમારું ઘર તણાઈ જાય ખરું?

જ: તમારા મકાનની મજબૂતાઈ જાણવા માટે મકાનને જોવું જરૂરી છે. ઈંટોનાં મકાન પણ મજબૂત હોય છે. એટલે સાવ ગભરાવા જેવું નથી હોતું. પણ બાંધકામમાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા પણ એટલી જ જરૂરી છે. એ વિઝિટ કર્યા વિના ખ્યાલ ન આવે.

સૂચન: ઈશાનનો દોષ માનસિક જડતા આપી શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)