જેમને કશું જ નથી આવડતું, એને કશું પણ સમજાવવું ખૂબ સહેલું છે. વળી મજાની વાત એ છે કે કેટલાક લોકો તો એ તાકમાં જ હોય છે કે નાસમજ લોકોને મૂર્ખ બનાવી પોતાનો સ્વાર્થ કેવી રીતે સાધી શકાય. જે લોકો મૂર્ખ બનાવે છે એ તો ગુનેગારો છે જ, પરંતુ જે લોકો વારંવાર મૂર્ખ બને છે, એ પણ એક રીતે ગુનેગારો ગણાય.
શ્રાદ્ધ એ પોતાના વડવાઓને યાદ કરીને તેમની સકારાત્મક ઊર્જા અથવા આશીર્વાદ લેવાનો અવસર છે. એને અને પિતૃદોષની વિધિને ન્હાવા-નીચોવવાનો કોઈ સંબંધ નથી. વળી પિતૃ પોતાના વંશજોને શા માટે રંજાડે? શું તમે તમારા બાળકોને હેરાન થતા જોઈ શકો છો? આપણા સમાજે કેટલીક અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવીને આપણી સંસ્કૃતિના મૂળ્યોને સમજવા જરૂરી છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે જણાવેલ ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: આપ કહો છો કે પિતૃદોષ જેવું કશું નથી હોતું. તો પછી નૈરુત્ય દિશાને પિતૃદોષની દિશા શા માટે કહે છે? વળી શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન અને જાતજાતની વિધિની વાતો વાંચવા મળે છે. એવું કશું અમે ક્યારેય કર્યું નથી. તો સાચું શું છે?
જવાબ: નૈરુત્ય દિશાના દોષથી જે સમસ્યાઓ ઉદ્ભવે છે, તેને અન્ય એક શાસ્ત્ર સાથે જોડીને પિતૃદોષ કહેવામાં આવે છે. જો જીવનમાં વારંવાર અડચણ આવતી હોય તો નૈરુત્ય દિશાનો દોષ તપાસવો જોઈએ. જોકે, આ માટે નિષ્ણાતની સલાહ અત્યંત જરૂરી છે.
આજે ઘણા લોકો વિષયને નથી સમજતા, છતાં પોતાની રીલ્સ બનાવી શકે છે. આવા લોકો અહીં-ત્યાંથી માહિતી મેળવી એની ખીચડી પીરસે છે અને સમાજના પાયા પર પ્રહાર કરે છે. રીલ્સ ઉછીની માહિતી છે. એને શાસ્ત્રોનો આધાર ન પણ હોઈ શકે. એના પર ભરોસો કરવો એટલે મફતમાં મળેલું ઝેર ખાવા બરાબર છે.
સવાલ: હમણાં એક પ્રદર્શન માટે મારી ઉપર કોઈએ પોસ્ટર મોકલ્યું. એમાં જે નંબર હતો, એ વ્યક્તિ જાણીતી હતી. એમણે મારી પાસે ગુગલ ફોર્મ ભરાવીને કહ્યું કે ટોકન પૈસા ભરી દ્યો. તમને બુકિંગ નહિ કરો તો પાછા મળી જશે. મેં ફોર્મ ભર્યું. પછી એ સતત કન્ફર્મ કરવા પ્રેશર નાખતા રહ્યા. અંતે થાકી જઈને મેં નાં પડી દીધી. હવે એ લોકો પોલીસીનું બહાનું કાઢીને પૈસા રીફંડ આપવાની ના પાડે છે.
આ પહેલા પણ એક કલા પ્રદર્શનમાં એક બહેને આવું કર્યું હતું. જોકે એ બંને સાથે સંકળાયેલી વ્યક્તિ એક જ છે, જે કદાચ દુનિયાની સહુથી વધારે નકારાત્મક વ્યક્તિ છે. મારી સાથે આવું કેમ થાય છે?
જવાબ: ભલા હોવું અને મૂર્ખ હોવું એ બંનેમાં ઘણો ફર્ક છે. આ સમાજમાં લોકોને મૂર્ખ સમજનાર લોકો વધી રહ્યા છે. એનું મુખ્ય કારણ લોકોની રાતોરાત મહેનત વિના પૈસાદાર થવાની વૃત્તિ હોઈ શકે.
તમે જે પૈસા આપ્યા છે એ લોકો પાછા નહિ આપે, કારણ કે ગુગલ ફોર્મની સાથે છુપાયેલી પોલીસી હોય છે, જે તેમણે તમને દેખાડી નથી. ઉપરથી હિતેચ્છુ લાગતા બધા લોકો હિતેચ્છુ હોતા નથી. એ માત્ર પોતાના હિતમાં વિચારે છે. આવા લોકોનું કામ જ છેતરપીંડી હોય છે.
વળી, તમે જે નકારાત્મક વ્યક્તિની વાત કરો છો, એનાથી અને તેના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિથી દૂર થઈ જાવ. જયારે પૂર્વનો દોષ હોય ત્યારે આવા સંજોગો ઉદ્ભવે છે. સવારે વહેલા ઊઠીને સૂર્યને જળ ચડાવો. તમારામાં માણસ પારખવાની શક્તિ ચોક્કસ વિકસિત થશે.
સૂચન: દર બેસતા મહિને કીડીયારું પૂરવાથી વિઘ્નોમાં રાહત મળે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
