વાસ્તુ: ઘરની કિંમત નહીં, ઘરની ઊર્જા મહત્વની

માનવીય મૂલ્યો અને માનવના મૂલ્ય વચ્ચેનો ભેદ ભૂલાય ત્યારે સમાજનું પતન નિશ્ચિત છે. પહેલાંના જમાનામાં માણસ સુખી થવા માટે ઘર બનાવતો અને એમાં તેની પેઢીઓ રહેતી. હવે એ ઘર માત્ર વેચી શકાય તેવી એક વસ્તુ બની ગયું છે. કઈ જગ્યાએ ઘર લઈએ તો એની કિંમત વધારે આવે એ વિચાર સાથે લીધેલું ઘર ખરેખર સુખ આપી શકે? જે ઘરની ખરીદી પહેલાં જ એને વેચી દેવાનો વિચાર કેન્દ્રમાં હોય, એ ઘર આત્મીયતાની લાગણીને જન્મ કેવી રીતે આપે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર જરૂરથી પૂછી શકો છો.

સ: હું એક જ્યોતિષશાસ્ત્રી અને વાસ્તુશાસ્ત્રી છું. ૯૯ રૂપિયાના ઑનલાઇન કોર્સમાં મેં વાસ્તુનો અભ્યાસ કર્યો અને મને એક જ દિવસમાં જાદુઈ શક્તિથી જ્ઞાન ટ્રાન્સફર કરી દીધું. અમે એક જ દિવસમાં ચાર હજાર લોકો ‘શાસ્ત્રી’ની પદવી પામી ગયા. એ પછી અમે એમણે આપેલી ઘણી પ્રોડક્ટ્સ ખરીદીને પ્રેક્ટિસ શરૂ કરી. ખબર નથી કેમ, પણ પરિણામો મળતાં નથી. જેમની પાસે શીખ્યો હતો તેઓ કહે છે કે તમારી કુંડળીમાં દોષ છે, એટલે પાંચ લાખ રૂપિયાની પૂજા કરાવો તો દોષ દૂર થઈ જશે. આ પહેલાં પણ મેં ઘર ગીરવે મૂકીને આવો કોર્સ કર્યો હતો, પણ કોઈ પરિણામ મળ્યું નહીં. હવે શું કરું? પ્લીઝ, માર્ગદર્શન આપો.

જ: શાસ્ત્રો શીખવા માટે સાધના જરૂરી છે. જો એ વ્યક્તિ ખરેખર જાણકાર હોત, તો ૯૯ રૂપિયામાં કોર્સ ન આપતો. વળી, કોઈ વ્યક્તિ જ્ઞાન ટ્રાન્સફર કેવી રીતે કરી શકે? અને ૯૯ રૂપિયાના કોર્સ પછી સીધી પાંચ લાખ રૂપિયાની માંગણી? મને ખરેખર તમારા જેવા લોકો પર દયા આવે છે, જે મહેનત વિના સિદ્ધિ મેળવવા જાય છે અને જે છે એ પણ ગુમાવી બેસે છે. એક જ દિવસમાં તમે આટલો ગહન વિષય શીખી કેવી રીતે શકો? માત્ર સર્ટિફિકેટ મેળવી લેવાથી કોઈ જ્ઞાની બની જતું નથી. વળી, કોઈ પણ પ્રકારની માનવસર્જિત વસ્તુઓ કુદરતી ઊર્જાની સામે નકામી છે.

સૌથી પહેલાં તો આવા લોકો પર ભરોસો કરવાનું બંધ કરો. તમારી મહેનતના પૈસા યોગ્ય જગ્યાએ વાપરો અને સાચા માર્ગે સફળ બનવાનો પ્રયાસ કરો.

સ: મારા લગ્નને પાંત્રીસ વર્ષ થયા. શરૂઆતમાં ખૂબ મહેનત પડી. હવે સ્થિતિ સારી છે. આ દરમિયાનમાં અમે બાર ઘર બદલ્યાં. દરેક ઘર એવી જગ્યાએ લીધું કે થોડા સમયમાં સારી કિંમત મળે. અત્યારે અમારા ઘરની કિંમત પંદર કરોડ રૂપિયા છે. પણ ખબર નથી કેમ, બીમારી, કંકાસ અને અજંપો જતાં જ નથી. અમારા એક સગા વર્ષોથી એક જ જૂના મકાનમાં રહે છે અને ખૂબ સુખી છે. આનું કારણ શું હોઈ શકે?

જ: તમે ઘર નહીં, પણ મકાન ખરીદો છો. તમારી નજર હંમેશાં એની બજારકિંમત પર રહે છે. એટલે તમે એ ઘરને ક્યારેય પોતાનું સમજી જ નથી શકતા. લાંબા સમય સુધી એક જ ઘરમાં રહેવાથી એની સાથે લાગણીઓ જોડાય છે. વળી, વ્યક્તિ અને કર્મોની પણ પોતાની ઊર્જા હોય છે. ઘર ખરીદતી વખતે ફક્ત કિંમત નહીં, પણ ઘરની ઊર્જા પણ જુઓ. જરૂર પડે તો કોઈ નિષ્ણાતની સલાહ લો. તમારી ઉંમરે હવે ઠરીઠામ થવું જરૂરી છે.

સ: મારા પતિ પાસે એક જ નંબરની બે ગાડીઓ છે. એક કાળી છે અને બીજી સફેદ. હું પૂછું છું તો કહે છે કે હું ગાડીનો રંગ બદલી નાખું છું. હું કાળી છું, તો કોઈ સફેદ પણ હશે?

જ: એક જ નંબરની બે ગાડીઓ હોઈ શકે નહીં. વળી, ગાડીનો રંગ પણ વારંવાર બદલાતો નથી. તમારા પતિ કદાચ એવા કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોઈ શકે, જેમાં ખોટા નંબરની ગાડીનો ઉપયોગ થતો હોય. તેમને સમજાવો અને સાચા માર્ગે લાવવાનો પ્રયાસ કરો.

સૂચન: કોઈ પણ શાસ્ત્ર એક જ દિવસમાં શીખી શકાય નહીં. તેથી કોઈપણ ભ્રમમાં આવીને છેતરાવા ન જવું.

આપના સવાલો મોકલી આપો (Email: vastunirmaan@gmail.com)