વાસ્તુ: શું કોઈ ધર્મ ખરેખર પાપ ધોઈ શકે?

લોકો માટે જીવવું અને લોકોને દેખાડી દેવા માટે જીવવું એમાં ફર્ક છે. જે લોકો દેખાડી દેવા માંગે છે એ પોતાના સ્વાર્થ માટે કશું પણ કરી શકે છે. કેટલાક લોકો પ્રસિદ્ધ થવા માટે નિમ્ન કક્ષાની હરકત કરી અને માફી માંગીને છુટી જાય છે. થોડા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લોકો કાયદો હાથમાં લેવા પ્રયાસ કરવા લાગ્યા છે. આ પરિસ્થિતિ સારી ન ગણાય. માફી ભૂલની હોય ગુન્હાની નહિ. જે વ્યક્તિને સતત એવું લાગે છે કે એની સાથે અન્યાય થઇ રહ્યો છે એ પોતે ન્યાય લેવા એની રીતે પ્રયાસ કરશે. જુના જમાનામાં આવા લોકોને બહારવટિયા કહેવામાં આવતા. પછી એ એવા લોકોને પણ રંજાડી શકે જે ખરેખર એમના ગુનેહગાર ન હોય. કાયદામાં વ્હાલા દવલાનો ભેદ ન હોવો જોઈએ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: સાચું કહેજો તમે જે સોસાયટીની વાત લખો છો એ કઈ સોસાયટી છે? અમે પાંચ મિત્રો છીએ અને અમારા બધાની સોસાયટીમાં આ બધી જ સમસ્યા છે. મને એવું લાગે છે કે તમે મારા વિશે જ વાત કરો છો પણ એવું મારા અન્ય મિત્રોને પણ લાગે છે. આટલી ચીવટથી તમે મારો અભ્યાસ કર્યો એ સારું કહેવાય. પણ છેલ્લા પાંચ વરસથી એક જ જગ્યા માટે લખવું અઘરું નથી. મારી સોસાયટીની કમિટીને તો તમે ગમતા જ નથી. એમને એવું લાગે છે કે તમે એમના કુકર્મો ખુલ્લા પાડો છો.

જવાબ: તમારા સવાલમાં જ તમારો જવાબ છે. પાંચ વરસથી જે કોઈ સમસ્યાની વાત થઇ એ બધી જ તમારી સોસાયટીમાં હોય તો એ ભયાનક સ્થિતિ ગણાય. તમારા પાંચેય મિત્રોની સોસાયટીમાં પણ સમાન પ્રશ્નો છે. સમગ્ર વિશ્વમાંથી વિવિધ સવાલો આવતા હોય એના જવાબો હું આપું છું. વળી જેમને હું ઓળખતો પણ નથી એમને ખુલ્લા પાડવા એ વિચાર જ વિચિત્ર છે. હું આપને પણ જાણતો નથી.

માણસ જયારે પાપ કરે ત્યારે એવું માને છે કે એને કોઈ જોતું નથી. પણ એનો અંતરઆત્મા એ જાણે છે. જયારે એને લગતી કોઈ પણ વાત આવે ત્યારે ખુલ્લા પડી જવાનો ભય સતાવે છે. કર્મ કોઈને છોડતા નથી. આવો ભય એ, એ લોકોની સજા છે. કોઈ એમના માટે પાંચ વરસ શા માટે બગાડે? આવી માનસિકતા એક પ્રકારનો રોગ છે. કાલ્પનિક ભયના લીધે અન્યને રંજાડવાની વૃત્તિ ગુનાહિત માનસ આપે છે. આવા લોકો કશું પણ કરી શકે. તમારે ત્યાં આવી કમિટી છે એ દુખદ બાબત ગણાય. ઘણી બધી જગ્યાએ આવી સ્થિતિ છે એનું કારણ એ પણ છે કે કયા સારા માણસો આવી કમિટીમાં રહે? નવરા માણસો કમિટીમાં રહે અને રોજગાર મેળવવા પ્રયાસ કરે ત્યારે સોસાયટીની હાલત કફોડી થઇ જાય છે. ફંડ ફાળા કરીને જીવન જીવવાની વૃત્તિ આના માટે જવાબદાર ગણાય. જે ખરેખર સક્ષમ છે એ આવું વિચારી પણ ન શકે.

સવાલ: એવું કહે છે કે ધર્માદાનો પૈસો ઘરમાં ન લવાય. જે લોકો તહેવારોમાં સોસાયટીમાંથી પૈસા ભેગા કરીને ઘર ચલાવે છે એને આની અસર થાય? હું એક જગ્યાએ આવી કમિટીમાં છું. છેલ્લા એક વરસથી મારી પત્ની બીમાર છે. દીકરો અને વહુ અલગ થઇ ગયા છે. દીકરી સુખી નથી. મારા બાળકો નાના હતા ત્યારે એમના મોજ્શોખ માટે આ પૈસા વ્હાલા લાગતા હતા. હવે સહન નથી થતું. હું બધાને કહેતો કે પૈસાથી હું મોતને પણ ખરીદી શકું છું. હવે એ જ પૈસા માટે મારા જમાઈ પજવે છે. મેં કારણ વિના લોકોને રંજાડ્યા છે. મારા ઘરમાં કોઈ વાસ્તુદોષ હશે એમ માનીને લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. કોઈ ફેર નથી. કોઈએ તમારું નામ આપ્યું. કોઈ ઈલાજ આપો. તમારો નંબર મળતો નથી. બાકી સીધો સંપર્ક કરત.

જવાબ: મહાશય. કર્મ અને મૃત્યુ એ બંનેમાં વિશ્વાસ ન રાખવા વાળા લોકો વધી રહ્યા છે. માણસનો સારો સમય હોય ત્યારે એ પોતાને ભગવાનથી પણ ઉપર સમજવા લાગે છે. સર્વ પ્રથમતો ધર્માદાના પૈસા લેવાનું બંધ કરી દો. ઈશ્વરના નામે કોઈ પણ પ્રકારની રકમ લેવી એ ધર્માદાના પૈસા જ ગણાય. વળી તમે એ પૈસાથી લોકોને રંજાડ્યા છે. તમારી બીમારી, એનું પરિણામ છે. તમે જેમને રંજાડ્યા છે એમની માફી માંગી લો. જેમના પૈસા લીધા પછી પાછા નથી આપ્યા એને આપી દો. આપણે ત્યાં સંચિત કર્મની વાત છે. જે આવતા જન્મમાં પણ અસર કરે. તમારા કહેવા મુજબ તમારા પત્નીએ પણ નિર્દોષ લોકોને રંજાડ્યા છે. આ બધું એનું જ પરિણામ છે. જે બાળકો માટે તમે આ બધું કર્યું એમને હવે તમારા માટે માન નથી રહ્યું. કારણ કે એ તમને ઓળખી ગયા છે. કોઈ દેવસ્થાનમાં પૈસા આપવાથી પાપની માફી મળતી નથી. ટૂંકમાં જે કર્યું છે એ ભવિષ્યમાં ન કરો. ઈશ્વરના દરબારમાં કોઈ સંપતિના લેખાજોખા નથી. તમારા મોંઘા મકાન ગાડીઓ અહીં જ રહી જશે.

સુચન: પાપ ધોવા માટે કોઈ વ્યવસ્થા કોઈ પણ ધર્મમાં નથી.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )