સંસ્કૃતિના નામે વિકૃતિ ફેલાવવાનો પ્રયાસ સતત થતો હોય ત્યારે દરેક વ્યક્તિની ફરજ છે કે સાચું શું છે તેનો વિચાર
કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. “બુરા ન માનો હોળી હૈ” કહીને કોઈની અનિચ્છાએ છેડતી કરવી એ સંસ્કૃતિ નથી. ભારતીય તહેવારોના નામે દારૂ પીીને છાકટા થવું એ પણ સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ વૈજ્ઞાનિક અને સામાજિક પરિબળો સાથે કુદરતના નિયમોને આધીન રહી વિકસેલી છે. તેથી ધંધાદારી વલણ સાથે ગંદકી ફેલાવવાને ઉત્સવ ગણાવી શકાય નહીં.
રંગો અને રંગોળી, દીપ અને ધૂપ જેવી પરંપરાઓને ભૂલીને રેઇન ડાન્સ, મીણબત્તી અને બીભત્સ નૃત્ય તરફ વળતા લોકોને માત્ર મનોરંજન માટે કારણો જોઈએ છે. આવા કારણોને સંસ્કૃતિ સાથે જોડવા યોગ્ય નથી.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે આપેલા ઈમેઇલ પર પૂછો.
પ્રશ્ન: સામાન્ય રીતે કોઈ સ્ત્રીને પોતાની સાચી ઉમર જણાવવામાં રસ નથી હોતો, પરંતુ મારી વાતને આધાર આપવા માટે જણાવું છું કે ૪૫ વર્ષની ઉમર સુધીમાં મેં અનેક દિવાળીઓ અને હોળીઓ અનુભવી છે. થોડા સમય પહેલા અમારી સોસાયટીમાં નવી કમિટી આવી. એમનું માનવું છે કે ઉત્તર ભારતીય રીત મુજબ તહેવાર ઉજવવા જોઈએ. પરંતુ એના ભાગરૂપે તેમણે સોસાયટીને પોતાના પિતાશ્રીની જાગીર સમજીને વેપારવૃત્તિ શરૂ કરી છે.
વરસોથી હોળી પર રેઇન ડાન્સ થતો હતો. કોઈ ટીકીટ નહોતી અને ખાવાનું સોસાયટી તરફથી જ મળતું હતું. સૌને આનંદ આવતો. પરંતુ છેલ્લા બે વર્ષથી ટીકીટ વેચવામાં આવે છે. કમિટીની આ રીત જોઈને ઘણા રહીશો વિરોધ કરીને ટીકીટ વગર આવવાની માંગ કરવા લાગ્યા. બદલો લેવા માટે કમિટીએ બહારના લોકોને પણ ટીકીટ વેચી. કેટલાક લોકો દારૂના નશામાં આવ્યા અને સોસાયટીની એક યુવતી સાથે છેડતી કરી. તેઓ કહેતા હતા – “બુરા ન માનો, હોળી હૈ.” કેટલાક ઉત્તર ભારતીય લોકોએ તો એમ પણ કહ્યું કે જો છેડતી ન કરાવવી હોય તો હોળીના દિવસે બહાર કેમ નીકળ્યા?

ફરિયાદ કરતાં ખબર પડી કે એમની પાસે તો અમારી હોળીની ટીકીટ હતી.
પહેલી વાત, અમારી સોસાયટીની હોળીની ટીકીટ બહારના લોકો ખરીદી જ ન શકે. બીજી વાત, ટીકીટ રેઇન ડાન્સ માટે હોય તો પણ છેડતી કરવાની કોઈને છૂટ નથી. ગુજરાતમાં દારૂબંધી છે. તેથી તહેવારમાં તો બધા પીવે જ ને? એવું કહીને બાબતને અવગણવી યોગ્ય નથી. અને હોળી ઉજવવી એટલે છેડતી સહન કરવા બહાર નીકળવું – એવો કોઈ નિયમ નથી.
સમાજની અધોગતિ અને સંસ્કૃતિનું પતન હદ વટાવી રહ્યા છે. આવા વિચારોમાં સકારાત્મકતા લાવવા શું કરી શકાય?
જવાબ: સૌથી પહેલી ભૂલ તમારી સોસાયટીના રહીશોની છે – કારણ કે તેઓ વિરોધ કરવાનું ભૂલી ગયા. કોઈ ગુંડા-મવાલીને કમિટીમાં લેતા પહેલા તપાસ કરવી જરૂરી છે. બીજી વાત, છેડતી જાહેરમાં થઇ છતાં કોઈએ પીડિતાની મદદ ન કરી. દારૂના નશામાં લોકો છેડતી કરતા રહ્યા અને બાકી લોકો “બુરા ન માનો” કહીને તમાશો જોતાં રહ્યા.
નવી કમિટી પસંદ કરતી વખતે સાવચેતી રાખો. જે થયું તે ખોટું છે, પરંતુ જો હવે પણ અવાજ નહીં ઉઠાવો તો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે. તમે એવા લોકોની ભૂલો માફ કરી રહ્યા છો જેઓની હિંમત વધતી જાય છે. ખોટું છે તો તેનો વિરોધ કરો. કોઈ મસીહા આવીને બચાવશે એવી ભ્રાંતિ રાખશો નહીં. મોડું થાય તે પહેલા જાગો અને નિર્ણય લો.
ભારતીય વાસ્તુ પ્રમાણે જોવામાં આવે તો તમારી સોસાયટીના નૈરુત્ય ખૂણામાં સફાઈ કામદાર, સપ્લાયર વગેરે પોતાની અંગત સમસ્યાઓ માટે ભેગા થાય છે. આવી ઉર્જાની અસર આસપાસના જીવન પર પડે છે. ઉપરાંત કમિટી કામધંધો છોડીને સતત ઓફિસમાં બેસી રહે છે; નવરું મન ઘણી વખત નકારાત્મક વિચારો પેદા કરે છે. આ બંને બાબતો બંધ કરાવવી જોઈએ.
સૂચન: વ્યક્તિની હાજરીની પણ એક ઉર્જા હોય છે. તેથી સકારાત્મક લોકો અને સારા વિચારોને જ પોતાની જગ્યામાં આવકારવા જોઈએ.
(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com)



