વાસ્તુ અને કર્મનો સંબંધ

ઈશ્વર તમને બોલાવે તો તમે શું કરશો? તેમને મળવા ક્યાં જશો? તેમને કેવી રીતે મળશો? આવો વિચાર પણ કોઈને આવે છે? શું ઈશ્વરને મળવા દેવસ્થાનમાં જવું જરૂરી છે?

ઈશ્વર સ્વર્ગમાં રહે છે એવી માન્યતા છે. તો શું સ્વર્ગમાં જશો? ત્યાં જવા માટે દેહ છોડવો જરૂરી છે. તો હવે ઈશ્વરને મળવાનો વિચાર છે? આપણે સૌ મૃત્યુને સહજતાથી સ્વીકારી શકતા નથી. તેથી દેવસ્થાનમાં જઈને ઈશ્વરને મળ્યાનો સંતોષ માની લઈએ છીએ.

સત્ય એ છે કે ઈશ્વર સર્વત્ર છે. તેમને મળવા ક્યાંય જવાની જરૂર નથી. એ જ કારણ છે કે ભારતમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કર્મ છોડીને દેવસ્થાનમાં જવું જોઈએ એવો કોઈ નિયમ નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઇલ પર જરૂરથી પૂછી શકો છો.

પ્રશ્ન: હું નાનપણથી મંદિરમાં સેવા આપવા જાઉં છું. સ્કૂલમાંથી ભાગીને પણ સેવા કરવા જતો હતો. મોટો થયા પછી ધાર્મિક મેળાવડામાં સેવા આપવા માટે કોલેજમાં રજા પાડતો. નોકરીમાં પણ રજા લેતાં લેતાં નોકરી જતી રહી. પરંતુ એક અપેક્ષા હતી કે ઈશ્વર મારી સામે જોશે. મારા લગ્ન પણ તૂટી ગયા. આટલી સેવા કરવા છતાં મારી સાથે આવું કેમ થયું? જે મંદિરમાં મેં આખું જીવન આપ્યું, ત્યાં આર્થિક સહાય માંગી, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. શું કોઈ વાસ્તુદોષના કારણે આવું થયું હશે?

જવાબ: આપના ઘરનું મુખ્ય દ્વાર વાયવ્ય (પશ્ચિમ-ઉત્તર) દિશામાં છે. આવા સંજોગોમાં ઘણી વખત વ્યક્તિ લાગણીઓમાં વધુ બંધાઈ જાય છે અને જીવનના વ્યવહારિક સત્યોને સમજવામાં મુશ્કેલી અનુભવે છે.

જીવનમાંથી ભાગીને ઈશ્વર મળતા નથી. કર્તવ્યપાલન પણ એક પ્રકારનો ધર્મ જ છે. વળી, તમને સેવા કરવા કોઈએ ફરજ પાડી નહોતી. તમે અપેક્ષા રાખીને સેવા કરતા રહ્યા અને જે તમારી પાસે હતું, તે પણ ગુમાવી દીધું.

શું મંદિર તરફથી તમને આર્થિક સહાય આપવાની કોઈ શરત હતી? તેથી હવે તમારા મૂળભૂત કર્તવ્યોનું પાલન કરો. એ જ તમારા જીવનને ફરી યોગ્ય દિશા આપી શકે છે.

પ્રશ્ન: મને જીવન સમજાતું નથી. જીવન મારા ઈરાદાઓને લગભગ પૂર્ણ થવાના આરે લઈ જાય છે અને પછી બધું જ વિખેરાઈ જાય છે. આ કયા વાસ્તુદોષના કારણે થતું હશે? એક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ‘એડવાન્સ વાસ્તુ’ના નામે ગેરમાર્ગે દોરતી વાતો કરે છે. શું તમારે તેનો વિરોધ ન કરવો જોઈએ?

જવાબ: ભારતમાં દરેક કાર્ય માટે શાસ્ત્રીય નિયમો છે. આજની પેઢી વડીલો પાસેથી સમજવાની જગ્યાએ સોશિયલ મીડિયા રીલ્સ જોઈને માન્યતાઓ બાંધી લે છે. કોની વાત માનવી અને કોની નહીં, એ સમજણ કેળવવી જરૂરી છે.

તમને જે વ્યક્તિની વાત ખોટી લાગે છે, એવી જ લાગણી બીજા ઘણા લોકોને પણ થતી હશે. છતાં જો કોઈ તેની વાતમાં આવી જાય, તો એ તેની સમજણનો પ્રશ્ન છે.

દુનિયામાં જે કંઈ ખોટું છે તેનો વિરોધ કરવામાં જ જીવન પસાર કરી દઈએ, તો જીવનનું મૂળ લક્ષ્ય જ અધૂરું રહી જાય. તમે તમારા કાર્ય પર ધ્યાન આપો. તમે જે કેટલીક પૂજાઓ કરો છો, તેના નિયમોને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. એમાં થતી ભૂલોને કારણે ઘણી વખત કામ પૂરું થવાની અણી પર આવીને અટકી જાય છે.

પ્રશ્ન: વાયુપ્રદૂષણ હોય ત્યારે પ્રાણાયામ કરી શકાય?

જવાબ: ના. પ્રાણાયામનો હેતુ વધુ શુદ્ધ ઓક્સિજન શરીરમાં પહોંચાડવાનો છે. જો હવા પ્રદૂષિત હોય, તો વધુ પ્રદૂષિત હવા અંદર જશે. તેથી હંમેશાં સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણમાં જ પ્રાણાયામ કરવો જોઈએ.

સૂચન: ભારતીય વાસ્તુશાસ્ત્રમાં કર્મને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

(આપના સવાલો મોકલી આપો : Email: vastunirmaan@gmail.com)