વાસ્તુ : દાંપત્યજીવનમાં વિશ્વાસ અને સંબંધોનું સંતુલન

લગ્ન માત્ર બે જ વ્યક્તિઓનાં થાય છે? પશ્ચિમી વિચારસરણી પ્રમાણે આ વિચાર સાચો હોઈ શકે છે, પરંતુ ભારતીય પરંપરામાં લગ્નને માત્ર બે વ્યક્તિઓનું નહીં, પરંતુ બે પરિવારોનું મિલન માનવામાં આવે છે. તેથી જ પશ્ચિમી સંસ્કૃતિની સરખામણીએ ભારતમાં સાસરી પક્ષના વિવિધ સંબંધો માટે પણ વિશિષ્ટ સંબોધનો જોવા મળે છે. સાળાની પત્નીને સાળાવેલી અને મોટી સાળીને પાટલા સાસુ જેવાં ખાસ સંબોધનો આપણી સંસ્કૃતિની વિશેષતા છે. પપ્પાનાં મોટાં ભાભીને ભાભુ કહેવાય, એ આજની પેઢીના કેટલા લોકોને ખબર હશે?

જો આ પ્રકારની આત્મીયતા કેળવાય, તો સંબંધોમાં પણ આત્મીયતા જોવા મળે. આજકાલનાં કેટલાં લગ્નોમાં આપણે સપ્તપદી કે મંગલાષ્ટકનું સાચું મહત્ત્વ સમજાતું જોઈએ છીએ?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે દર્શાવેલા ઈ-મેઇલ પર આપનો પ્રશ્ન મોકલીને સમાધાન મેળવી શકો છો.

સવાલ : મારાં ત્રણ બાળકો છે. એમાંથી બેને લગ્ન નથી કરવાં અને એક તો કહે છે કે લિવ-ઇન રિલેશનશિપ જ સારી. કોઈ ઝંઝટ તો નહીં! શું લિવ-ઇનમાં રહેવું એ વાજબી છે? શું સંબંધોનું કોઈ મહત્ત્વ જ નથી? મેં તપાસ કરી તો ખબર પડી કે એની એક મિત્ર આ રીતે રહે છે. એ અને તેનો સાથી લગ્નનાં બંધન વિના સાથે રહે છે. એટલે એણે સમજાવ્યું કે કોઈ પરિવારની જવાબદારી નહીં અને મન થાય એ કરવાની છૂટ મળતી હોય તો લગ્ન જેવી પરંપરામાં શા માટે બંધાવું?

જ્યારે બીજા સંતાનને ડર છે કે છૂટાછેડા માટે કોર્ટ-કચેરીમાં સમય આપવાને બદલે ઇચ્છા થાય ત્યારે છૂટાં થઈ શકાય, એટલે આ પ્રણાલી વધારે સારી છે. અમે ખરેખર ડરી ગયાં છીએ. આવું શાના લીધે થાય છે?

જવાબ : લગ્નનું સાચું મહત્ત્વ ધામધૂમ અને દેખાડામાં દબાઈ જતું હોય એવું વાતાવરણ વધી રહ્યું છે. વળી, લગ્નજીવનમાં વકીલો અને જાસૂસોની દખલ વધતી જોવા મળે ત્યારે લગ્નપ્રણાલીથી ડર લાગે એ સ્વાભાવિક છે.

લગ્નજીવનનો મુખ્ય આધાર છે એકબીજા પરનો વિશ્વાસ અને પરસ્પરની સમજણ. જીદ અને વહેમ જ્યારે સંબંધોમાં પ્રવેશે છે, ત્યારે સંબંધોમાં ખાલીપો ઊભો થાય છે. આ ખાલીપો સંબંધોને વધુ નબળા બનાવી શકે છે.

સાવ સાદાઈથી લગ્ન થયાં હોય, પરંતુ પરસ્પર સમજણ હોય તો સાથે રહીને શ્રેષ્ઠ જીવન જીવી શકાય છે. બાળકોને પૂરતો સમય અને યોગ્ય પારિવારિક વાતાવરણ આપવાથી લગ્નપ્રથા પ્રત્યે તેમનો વિશ્વાસ કેળવાઈ શકે છે. લગ્ન એ માત્ર બે વ્યક્તિઓની પસંદગી નથી, પરંતુ ભારતીય પરંપરામાં પારિવારિક સંબંધો અને જવાબદારીઓ સાથે પણ જોડાયેલી વ્યવસ્થા છે. વળી, છૂટાં પડી જવાના ડર સાથે લગ્નજીવનની શરૂઆત થાય તો સંબંધને મજબૂત બનાવવામાં મુશ્કેલી પડી શકે છે.

આપનાં બાળકોને સૌથી પહેલાં પરિવારનું મહત્ત્વ સમજાવો અને પછી લગ્નનું મહત્ત્વ સમજાવો. સાથે જ લગ્ન પ્રત્યેના તેમના ભય અને મૂંઝવણને પણ સમજવાનો પ્રયત્ન કરો. બની શકે કે ખુલ્લા મનથી થયેલા સંવાદ દ્વારા તેઓ લિવ-ઇન રિલેશનશિપ અને લગ્નજીવન વચ્ચેનો ભેદ વધુ સારી રીતે સમજી શકે. જોકે જીવનસાથીની પસંદગી અને લગ્ન અંગેનો નિર્ણય તેમની સ્વતંત્ર ઇચ્છા તથા સમજણથી લેવાય એ પણ જરૂરી છે.

સવાલ : મારાં લગ્નને ચાર વર્ષ થઈ ગયાં છે. મને બાળકોની ઇચ્છા નહોતી. મારા પતિ મારી ઇચ્છાને માન આપતા હતા. એક દિવસ મારી એક મિત્રે મને સમજાવ્યું કે તપાસ કર, એ કોઈ બીજાને તો પ્રેમ નથી કરતો ને? મેં એક મહિલા જાસૂસને રાખી. શરૂઆતમાં એ જે માહિતી લાવતી હતી એ બરાબર નહોતી. એ જે ફોટા લાવતી હતી એ જોઈને એવું લાગે કે બે વ્યક્તિઓ એકબીજાની ખૂબ નજીક છે, પરંતુ હકીકતમાં એ લોકો દૂર છે એ સમજાઈ જતું હતું.

લગભગ ચાલીસ લોકો સાથે એણે આવા ફોટા લીધા પછી મેં એને છૂટી કરી દીધી. ગઈકાલે મારા પતિએ કહ્યું કે એક છોકરીએ મને પ્રપોઝ કર્યું અને મેં ના પાડી તો એણે મને કહ્યું કે, ‘તારી પત્ની તો આમ પણ તને છોડી દેવાની છે. એ તારી જાસૂસી કરાવે છે. વિચારી જો.’ હું ફસાઈ ગઈ છું. શું કરું?

જવાબ : તમે તમારા પતિ પર અવિશ્વાસ કર્યો અને એ પણ કોઈ બીજાના કહેવાથી. તમારી ભૂલનો નિખાલસતાથી સ્વીકાર કરીને તેમની માફી માગી લો. તેમને સમગ્ર પરિસ્થિતિ સમજાવો અને તેમની લાગણીઓને પણ સમજવાનો પ્રયત્ન કરો.

ખોટી જીદ અને વહેમ એક સુંદર લગ્નજીવનને પણ સમાપ્ત કરી શકે છે. વાસ્તુશાસ્ત્રની માન્યતા અનુસાર, જો તમે અગ્નિ દિશામાં આવેલા બેડરૂમમાં રહેતાં હો, તો પલંગ પાસે ક્રિસ્ટલના વાસણમાં સફેદ ફૂલ રાખી શકો છો. કોઈપણ સમસ્યા લાગે તો સામસામે બેસીને વાત કરો. વાત મોટી થઈ જાય અને સંબંધોમાં અવિશ્વાસ ઊભો થાય, ત્યારબાદ વિશ્વાસ પાછો આવતાં સમય લાગે છે. પરસ્પર પ્રામાણિકતા, સમજણ અને ધીરજથી સંબંધોને ફરી મજબૂત બનાવવાનો પ્રયત્ન કરો.

સૂચન : વાસ્તુશાસ્ત્રની માન્યતા અનુસાર યુવાન યુગલ માટે પૂર્વ દિશામાં આવેલો બેડરૂમ યોગ્ય ગણાતો નથી.

(આપના સવાલો મોકલી આપો ઈ-મેઇલ : vastunirmaan@gmail.com)