જો તમારા પર પૈસાનો વરસાદ થાય તો તમે શું કરો? સામાન્ય રીતે જવાબ મળે કે રાજી થઈ જાઉં, પૈસા ભેગા કરી લઉં અથવા ઉડાડવા
લાગું વગેરે. પરંતુ પૈસા વિવિધ ધાતુમાંથી બનેલા હોય છે. જો એ આકાશમાંથી કોઈના ઉપર પડે તો શું થાય? ચોક્કસપણે વ્યક્તિ ઘાયલ થાય અથવા દેવશરણ પામે.
આમ પણ નુમાઈશ અથવા દેખાડાનો ભારતીય વિચારધારામાં નિષેધ છે. કોઈના ઉપર પૈસા ઉડાડવાનો અર્થ એ વ્યક્તિને હીન સાબિત કરવો અથવા તેની કિંમત બતાવવી એવો પણ થાય છે. આજે જ્યારે લોકો પોતે જ પોતાની કિંમત દેખાડવા મથી રહ્યા હોય, ત્યારે આદર્શ વિચારોની વાત માત્ર ભ્રમણા જેવી લાગી શકે. પરંતુ પૈસાનો વરસાદ નકારાત્મક જ ગણાય.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા અથવા સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર જરૂરથી પૂછી શકો છો.
સ: આપના પુસ્તક “વાસ્તુ પ્રેમ અને કામ” માં આપે લખ્યું છે કે, “પ્રેમ માટે કોઈ ઉંમર નથી હોતી. એ કોઈની પણ સાથે અને ક્યાંય પણ થઈ શકે છે.” મારી ઉંમર સોળ વર્ષની છે. નાનપણથી હું એક વ્યક્તિના ટીવી કાર્યક્રમ નિયમિત જોતી હતી અને મમ્મી સામે તેમની જેવી એક્ટિંગ કરતી હતી. એ વ્યક્તિ કોઈ એક્ટર નહોતા, પરંતુ કોઈ વિષયના નિષ્ણાત હતા. ત્યારબાદ તેમના લેખો, રેડિયો શો વગેરે દ્વારા હું તેમની સાથે જોડાયેલી રહી. માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ મને એ વ્યક્તિ પ્રત્યે લાગણી થઈ ગઈ હતી.
એક કાર્યક્રમ દરમિયાન હું મમ્મી સાથે તેમને રૂબરૂ મળી. અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા, સહજ અને જ્ઞાની વ્યક્તિ છે. પરંતુ તેમણે મને નાની બાળકીની જેમ જ ગણાવી. જો તમારા પુસ્તકને આધાર માનીએ તો તેમણે મારો પ્રેમ સ્વીકારવો જોઈએ. આપનું મંતવ્ય આપશો.
જ: મારા પુસ્તકમાં મેં લખ્યું છે કે પ્રેમનું કોઈ મીટર નથી હોતું. કોઈ વ્યક્તિ પ્રેમ કરે છે કે નહીં, એ તપાસી પણ શકાતું નથી. દરેકનો પ્રેમ પોતાની રીતે અલગ હોય છે. એટલે પ્રેમ હંમેશા એકપક્ષીય જ હોય છે. અપેક્ષાઓ પ્રેમનો ભાગ નથી.
તમને એ વ્યક્તિને પ્રેમ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ એ વ્યક્તિ પણ તમને પ્રેમ કરે એવી જીદ કરી શકાય નહીં. કોઈને પરાણે પ્રેમ થઈ શકતો નથી. મારું પુસ્તક ધ્યાનપૂર્વક વાંચશો તો બાકીના જવાબો પણ મળી જશે.

સ: મેં ઘણી રીલ્સ જોઈ છે, જેમાં પૈસાને આકર્ષવા અથવા પૈસાનો વરસાદ થાય એ માટે વિવિધ ઉપાયો બતાવવામાં આવે છે. એ રીલ્સ જોઈને મેં અનેક અખતરા કર્યા. કેટલાક લોકોને તો પૈસા ટ્રાન્સફર પણ કર્યા, છતાં કોઈ પરિણામ મળ્યાં નહીં. ઘરમાં પૈસાની ખૂબ અછત છે. તો પૈસાને આકર્ષવા માટે શું કરવું જોઈએ?
જ: તમારા પૈસા તો એ રીલ્સ બનાવનારાઓ તરફ આકર્ષાઈ ગયા. રીલ્સ જોઈને જીવન જીવાતું નથી. પોતાનામાં વિશ્વાસ રાખો અને તમે જે કાર્યમાં શ્રેષ્ઠ હો તે કાર્ય શરૂ કરો. નહીં તો એક દિવસ ઘરબાર વેચવાનો વારો આવી શકે.
રીલ્સ માત્ર મનોરંજન માટે હોય છે. એ બનાવવા માટે કોઈ લાયકાત તપાસવામાં આવતી નથી. સાચી માહિતી માટે હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. સવારે વહેલા ઊઠીને સૂર્યને અર્ઘ્ય આપો અને ત્યારબાદ પોતાના કાર્યની શરૂઆત કરો. ચોક્કસ સકારાત્મક પરિણામ મળશે.

સ: હું ફ્લેટમાં રહું છું. ઈશાન દિશાની બાલ્કનીમાં કયો છોડ વાવવાથી લાભ થાય?
જ: તુલસી. તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. ઘરના માપ અને પ્રમાણ જાણ્યા પછી કેટલા તુલસીના છોડ વાવવા તે નક્કી કરી શકાય, જેથી શ્રેષ્ઠ પરિણામ મળે. આ માટે નિષ્ણાતની સલાહ લઈ શકાય.
સૂચન: સ્નેક પ્લાન્ટ ઘરમાં ન વાવવો જોઈએ.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )






