કોઈ સચોટ રીતે કહી શકશે કે કલિયુગ શરુ થયાને એટલા વરસ થયા? આપને ત્યાં યુગની સમજણ આપવામાં આવી છે. નાસાએ જયારે રામસેતુની ઉમર દર્શાવી ત્યારે તે રામના સમયની સાથે મળતી હતી અને ભારતે દાવો પણ કર્યો હતો. પણ પછી એ વાત પાછી ખેંચી લેવાઈ હતી. લાખો વરસના યુગને હજારો વરસમાં ખપાવી દેવાની વૃત્તિ જેની પણ હોય. પણ આપણે આપણી સંસ્કૃતિને બચાવવા શું કર્યું? મેકોલેએ ભારતીય શિક્ષણ પદ્તિ બદલી અને અંગ્રેજી શિક્ષણનો પ્રચાર કર્યો. માની લીધું કે એ એની કુટનીતિ હતી. પણ ભારતને આઝાદ થયાને 78 વરસ થઇ ગયા. આપણે જાતે કરીને એ નીતિનો શિકાર બની રહ્યા છીએ. માત્ર અન્યને દોષ દેવાના બદલે પોતાને સમજવાની જરૂર છે. 78 વરસ પછી આપણે સાચા અર્થમાં ભારતીય રહ્યા છીએ ખરા? માતૃભાષાની અવગણના, વિદેશી પોષાક, વિદેશી લઢણ, અને વિદેશી વિચારોથી ઘેરાયેલા આપણે સંસ્કૃતિ બચાવવાની વાતો પણ ખુલીને કરી શકતા નથી. વ્યક્તિ જે ભાષામાં અભ્યાસ કરે છે એ ભાષાનું સાહિત્ય એ વાંચે છે. અને એ સાહિત્ય જે તે ભાષા સાથે જોડાયેલી સંકૃતિનું પ્રતિક છે. જે ભાષાના શબ્દો એના ઉચ્ચારોથી અલગ છે એ ભાષાનો ભરોસો કેવી રીતે કરાય?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ ચોક્કસ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: અમારી સોસાયટીના બગીચામાં ગરબા થવાના છે. એ ગરબામાં જે લોકો ફરજીયાત નિયત કરેલી રકમ આપશે એને જ જવા મળશે. વળી પ્રસાદ પણ ખરીદીને લેવાનો છે. સોસાયટી કમિટીએ ધમકી આપી છે કે એ સમયે જે સભ્યો એ પૈસા નહિ આપ્યા હોય અને બગીચાનો વપરાશ કરતા પકડાશે તો એની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. વળી સોસાયટીની બરાબર વચ્ચે કાન ફાટી જાય એવા અવાજો સાથે આખી રાત ગરબા થાય અને લોકોની ઊંઘ બગડે એ કેટલું વ્યાજબી છે. જુમ્બા સ્ટાઈલ ગરબાના ક્લાસ અમારે ત્યાં ચાલુ છે. નવરાત્રી એ આધ્યાત્મનો તહેવાર છે. એમાંથી કમાણી કરવાની, ફરજીયાત ખંડણી માંગવાની અને ધમકીઓ આપવાની આમાં ક્યાં આધ્યાત્મ છે? જો કોઈ ફરિયાદ કરવા જાય છે તો એની સામે લુક્ખાગીરી કરવામાં આવે છે. મેં આઝાદીની ચળવળમાં ભાગ લીધો છે. એ સમયે પણ સંસ્કૃતિનું આવું પતન તો નથી જોયું. ક્યારેક વિચાર આવે છે કે આના કરતા ગોરાઓનું રાજ સારું હતું. લોકો મર્યાદામાં તો રહેતા હતા. કશું કહીએ તો લોકો કહે છે કે કળીયુગમાં તો આવું જ થાય. શું રાતોરાત કલિયુગ આવી ગયો છે? કે પછી લોકોની લાલસા અચાનક વધી ગઈ છે. અને સંસ્કૃતિના નામે ધંધો કરી લેવો છે? જો વડીલોની ઊંઘનો વિચાર ન આવે તો એ પેઢી ભારતીય તો ન જ હોઈ શકે. વર્ણશંકર વિચારો જ આવું કરાવી શકે.
શેરી ગરબા અને માતાજીની આરાધના માંથી નફટ થઇ અને એક બીજાને અડીને નાચવાના ગરબા સુધીનું પતન જોવા માટે અંગ્રેજો સામે લડ્યા? આવા વિચાર અમને બધાને આવે છે. આવું થવાનું કારણ શું?
જવાબ: અંગ્રજો ભારતમાં માત્ર વેપાર કરવા આવ્યા હતા. આપણા લોકોએ એમને એક બીજાને રંજાડવા સલાહકાર બનાવ્યા. અને એ આપણા રાજવી બની ગયા. દોઢસો વરસના કાળમાં માત્ર 10,000 અંગ્રજો આપણા જ સૈનિકોની મદદથી આપણી ઉપર રાજ કરી ગયા. એનું મુખ્ય કારણ આપણા લોકોની એક બીજાને હેરાન કરવાની, બદલો લેવાની તીવ્ર વૃત્તિ, પૈસા અને સન્માનની લાલસા, જાતિવાદ જેવી અનેક બાબતો ગણી શકાય. ધંધાના પણ નિયમો હોય છે. પણ એ નિયમો સાથે કોણ જીવે છે? ગુજરાતી માધ્યમની નિશાળો બંધ થઇ રહી છે. અને ઘણા લોકોને તો ગુજરાતી કહેવરાવવામાં સંકોચ થાય છે. ભારતમાંથી જે વિદ્યાર્થીઓ વિદેશ જાય છે એમાં મહદ્ અંશે ગુજરાતીઓ હોય છે. આપણે આપણા દેશને પ્રેમ નથી કરતા. જ્યાં ત્યાં કચરો નાખવો, નિયમો તોડવા, બીજા ખરાબ છે એટલે અમે ખરાબ છીએના બહાના કાઢવા, સંસ્કૃતિને વગોવામાં આનંદ લેવો, પ્રસિદ્ધ થવા કોઈ પણ ફાલતું વાતને સાચી દર્શાવતી રીલ્સ બનાવવી અને એને સમજ્યા વિના ફોરવર્ડ કરવી, પંચાત કરવી વિગેરે આપણા સમાજની ઓળખ છે.
તમારે ત્યાં એક સભ્યનું અપમાન થાય તો અન્ય એનો આનંદ લે છે. તો આવું દરેકની સાથે વારાફરતી થવાનું જ છે. સોસાયટીની કોમન જગ્યાના તમે ખરીદી સમયે સુપર બિલ્ટઅપ તરીકે પૈસા આપ્યા છે. તમને એ વાપરતા કોઈ કાયદો અટકાવી ન શકે. બીજું કે જયારે ફરજીયાત પૈસા લઈને ગરબા થાય તો એને ધંધો કહેવાય. શું એ લોકો બગીચાને વાપરવાનું ભાડું સોસાયટીને આપવાના છે? જે ફરજીયાત ફંડ ભેગું થાય છે એ સોસાયટીના વિકાસમાં વપરાશે કે ખાનગી વપરાશમાં? કોઈ પણ વ્યક્તિ સોસાયટીની પ્રોપર્ટી પોતાના ધંધાકીય વપરાશ માટે મફતમાં વાપરે એ વ્યાજબી ન કહેવાય. વળી કાયદાકીય ડર ગુનેહગારને દેખાડવાનો હોય. પોતાની સોસાયટીમાં ફરવા માટે ધમકીઓ મળતી હોય એ સાચે જ નિમ્ન કક્ષાની હરકત ગણાય. જો કે આવું ઘણી જગ્યાએ થઇ રહ્યું છે. તમે સવાલ પૂછીને સમાજને અરીસો બતાવો છે. તમારી વાત સાચી છે. નવરાત્રીમાં જે માતાજીની આરાધના કરવાની હોય છે એનો ફોટો ક્યાંક ખૂણામાં હોય છે. અને ગરબાના નામે કશુક નવું જ ચાલતું હોય છે. કદાચ એટલે જ આવી પ્રવૃતિથી ફોટોગ્રાફને દુર રાખતા હોય એવું બને. સરકાર શેરી ગરબાને પ્રોત્સાહન આપે છે. પણ એની સાથે કડક રીતે માત્ર શેરી ગરબા યોગ્ય નિયમો સાથે જ થાય એવો નિયમ બનાવે તો ઘણા દુષણો દુર થઇ શકે. વરસો પહેલા અમુક લોકો રસ્તા ઉપર રીસીપ્ટ બુક લઈને ભગવાનના નામે ફરજીયાત ફાળો ઉઘરાવીને પછી એમાંથી દારૂ પિતા એવું મેં સાંભળ્યું છે. હવે આ બધું ઓફિસમાં બેસીને ઓફિશિયલી થવા લાગ્યું હોય એવું બની શકે.
માત્ર નાની વાતમાં બાળકો ખૂન કરતા થઇ ગયા હોય એ સમાજમાં માત્ર સરકાર દ્વારા લેવાતા કડક પગલા જ હવે કારગત નીવડી શકે. તમારી વાત સાચી છે નવરાત્રી એ માતાજીના અનુષ્ઠાન માટેનો સમય છે. જે સમગ્ર વરસ માટેની ઉર્જા આપી શકે છે. પણ એની સામે યુવાધન ઉર્જાનો વ્યય કરે તે યોગ્ય નથી. સંસ્કૃતિની સાચી સમજણ જેની પાસે છે એમાંથી કેટલા લોકો નિર્ણય લે છે એ વિચારવાનો વિષય છે. અન્ય એક જગ્યાએ શિક્ષકે સજા કરતા વિદ્યાર્થીએ ગોળી મારી. આ આપણી નવી પેઢી છે. જેનામાં ભગતસિંહ થવાની શક્તિ તો છે પણ સાચી દિશા નથી. જો એ કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનું શરું કરે તો દેશનું શું થશે એ વિચારવા જેવી બાબત છે. પણ ગુગલ, એ આઈ જેવી ટેકનોલોજીએ આપણને વૈચારિક રીતે પાંગળા બનાવી દીધા છે. એ હકીકત છે.
સુચન: સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગંદકી હોય ત્યાં બરકત આવતી નથી.
( આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )
