માનવીય મુલ્યો સમજાશે ત્યારે જ દેશની સંસ્કૃતિ વિશે સજાગતા ઉદભવશે. કામ
કઢાવતી વખતે માણસને જવાબદાર હોવાનું નાટક કરવાનું સુજે અને પતિ ગયા પછી પૈસા આપવામાં દુનિયાના બધાજ નિયમો દેખાય ત્યારે સમાજનું પતન થઇ રહ્યું છે એની સમજ ઉભી થાય. રસ્તા પર કોઈ ટ્રકનો અકસ્માત થાય ત્યારે આસપાસના લોકો એ ટ્રકની વસ્તુઓની લુંટ ચલાવે ત્યારે દેખાય કે આ સમાજ કેટલો નિમ્ન સ્તરનો છે. આને આપત્તિમાં અવસર ન જ ગણાય. અન્યના વ્યક્તિત્વની ઈર્ષા થાય એટલે એનું અપમાન કરીને સસ્તો આનંદ લેવાની વુત્તી જાગે ત્યારે દેખાય કે આ સમાજ સંસ્કૃતિ વિષે કોઈ સમજ ધરાવતો નથી.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આ જેન ઝી ના નામે જે ચાલી રહ્યું છે તે કેટલું વ્યાજબી છે? જો અમારી પેઢી ખરેખર ખરાબ હોત તો આખા વિશ્વને માથે લીધું હોત. આમ જોવા જઈએ તો અમે જે વાતાવરણ જોયું છે એ જ અમારી દુનિયા છે. પૈસાને પરમેશ્વર માનતો સમાજ અને સંસ્કૃતીની સુફિયાણી વાતો વચ્ચે કર્મના સિદ્ધાંતની પણ ફીરકી ઉડતી જોઈ છે. ગરીબોને જમાડતી રીલ બનાવીને કુકર્મો કરનાર વાહવાહી મેળવે. માબાપ વિષે અભદ્ર વાત કરનાર જેલમાંથી છુટીને ફરી એ જ ધંધા કરે. જેલમાંથી એક માણસે પોતાના શોની તારીખ નક્કી કરી અને એ જામીન પર છુટીને શો કરી પણ લે. શું આ બધો તમાશો પૈસાનો જ છે? તો પછી સંસ્કૃતિ અને કર્મની વાતોનો પ્રચાર બંધ કરીને જે છે એનો પ્રચાર કરવો જોઈએ.

મારા દાદીમાં નાનપણથી જે સંસ્કાર વિષે વાતો કરતા હતા એ મને તો ક્યાંય દેખાયા નથી. મારા દાદાનું ડેથ સર્ટીફીકેટ લેવા માટે પપ્પા સાથે ગઈ ત્યારે એણે લાંચ માગી. મારા પપ્પા ગુસ્સે થઇ ગયા. અંતે પૈસા આપીને જ કામ થયું. ઉપરથી પૈસા આપવા છતાં ધક્કા ખાવા પડ્યા. કોઈ મરી જાય એમાય ઉત્સવ શોધવાનો? આવા ભ્રષ્ટ લોકોની સામે કોઈ કાર્યવાહી ન થાય તો ક્યારેક તો કાયદો હાથમાં લેવાની ઈચ્છા થાય ને? જૂની પેઢી સુધારી જશે તો અમે તો સારા જ છીએ. અમે કોઈના હકનું છીનવી નથી લેતા. પણ વ્યવસ્થા પર વિશ્વાસ નથી રહ્યો. અમારા શિક્ષકો ટ્રસ્ટીની ચમચાગીરી કરતા હોય ત્યાં એ અમે સંસ્કાર ક્યાંથી આપવાના? વળી આંઠ દસ હજારમાં પ્રોફેસર મળી જતા હોય ત્યાં માનસિકતા મજુરો વાળી જ આવે ને? એના કરતા તો મજુરો વધારે કમાય છે.
મારા દાદી સતત પ્રયાસ કરે છે કે એ મને સમજાવે. પણ હવે એ પણ મારી વાત સમજે છે. વિચારો, વડીલોનો અનુભવ અને અમારો જુસ્સો ભેગો થશે તો અમે કેટલું મોટું પરિવર્તન લાવી શકીશું? આમાં તમારો મત શું છે?

જવાબ: તમારી વાત સાચી છે. સમાજ દિશા બદલી રહ્યો છે. દિશાહીન સમાજ ક્યાય પણ વૈચારિક અથડામણ ઉભી કરી શકે. વળી વિશ્વમાં જ્યાં જ્યાં તમારી પેઢીના લોકો ધસી ગયા ત્યાં એમને ગમતું થઇ શક્યું છે? સર્વ પ્રથમ તો તમે શું ઈચ્છો છો એ નક્કી કરો. માત્ર વિરોધ કરવાથી પરિણામો નથી મળતા. ડેથ સર્ટીફીકેટ માટે પૈસા માંગનારની નિમ્નતા હદ બહારની કહેવાય. પણ આવી માનસિકતા બધે જ પ્રવર્તે છે. લોકો સ્વીકારી ચુક્યા છે કે ભ્રષ્ટાચાર એ સમાજનો અવિભાજ્ય હિસ્સો છે. તમારી પેઢીમાં જુસો છે, જુવાળ છે એ સારી વાત છે. પણ એની સાથે સાચી દિશા જરૂરી છે. પરિવર્તન લાવવા માટે પ્લાનિંગ પણ જોઈએ. ઉતાવળિયા નિર્ણય કોઈ પરિણામો ન પણ આપે. કોઈના પ્રભાવમાં આવ્યા વિના શાંત મનથી વિચારો. ચોક્કસ દિશા મળશે.
સુચન: દરવાજા પાસે ઊંચું બાંધકામ નકારાત્મક વિચારો આપે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )




