વાસ્તુ, કર્મ અને નકારાત્મક ઊર્જાનો પ્રભાવ

આપણે સતત કોઈના સર્ટિફિકેટની જરૂર પડતી હોય ત્યારે કોઈ આપણને મૂર્ખ બનાવી શકે. સ્વથી વધારે સમજણ આપણા માટે કોની હોય? મદદ કરવાના બહાને લોકોને પૈસા આપીને જમીન પચાવી પાડનાર માણસો વિશે Mother India ફિલ્મમાં સરસ વાત કરી છે. સમય સાથે આ વિચાર હવે અન્યના દેશ પચાવી પાડવાની ભાવના સુધી પહોંચી રહ્યો છે. આવા સમયે ભારતીય વિચારો સાથે જીવવું અત્યંત જરૂરી છે. પોતાના મોજશોખ કરતાં અન્યની જરૂરિયાતો પૂરી કરવાની ભાવના, સાદાઈ, સહાનુભૂતિ, સમન્વય અને સાચી સમજણ જેવા વિષયો ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. દેવસ્થાનમાં ધક્કા ખાવા કરતાં કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ પણ ધર્મ જ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સ: એક સોસાયટીમાં અમારી કમિટી છે. સાચું કહું તો કમિટીમાં આવ્યા બાદ જેટલા પૈસા દેખાયા એટલા ક્યારેય જોયા નથી. હવે સોસાયટીના વહીવટમાંથી અમારું ઘર પણ ચાલે છે અને મોજશોખ પણ પૂરા થાય છે. કોઈને પોતાનું માર્કેટિંગ કરવું હોય તો એમને અમારે ત્યાં આવવા માટે પણ ચાર્જ આપવો પડે છે અને મત માટે પણ અમને કહેવામાં આવે છે.

સોસાયટીમાં અમે દર મહિને પૂજા કરાવીએ છીએ. એના મહારાજ અમને પગે લાગવા આવે છે. એમને મળ્યા પછી સમજાયું કે ધંધાદારી માનસિકતા બધે જ લાગુ પડે છે. ઈરાન યુદ્ધ પછી જે સ્થિતિ દેખાઈ રહી છે એમાં એક વિચાર આવ્યો કે સોસાયટીના લોકોને જૂના બિલ બાકી છે અને દંડ સાથે ડબલ પૈસા ભરવાના છે એવી નોટિસ મોકલીએ, જેથી જો બધું બંધ થઈ જાય તો અમને ઘર ચલાવવામાં અગવડ ન પડે.

અમારી સોસાયટીમાં એક બ્રાહ્મણ રહે છે. એણે જૂની રસીદ બતાવીને વિરોધ કર્યો. અમે એનું અપમાન કરીને ઘર સીલ મારી દેવાની ધમકી પણ આપી. એ માત્ર એટલું જ કહે છે કે કોઈના પાપમાં ભાગીદાર ન થાવ. ઈશ્વરની લાઠી કોઈને છોડતી નથી. શું આવું થાય? એક બ્રાહ્મણ પૂજાની કિંમતમાં પણ કમિશન આપવાની વાત કરે છે અને બીજો ઈશ્વરની વાતો કરે છે. ડર લાગે છે. મારી પત્ની કહે છે કે પૈસા આપીએ એટલે ભગવાન પણ આપણું જ માને. ખબર નથી કેમ, પણ એ માણસની આંખમાં કોઈ એવું તત્વ છે કે એનો ડર લાગે છે. શું કરવું જોઈએ?

જ: બ્રાહ્મણ બે પ્રકારના હોય છે — જન્મે અને કર્મે. જે નિયમો નથી પાળતા, એ જન્મે બ્રાહ્મણ હોય પણ એમનામાં બ્રહ્મતત્વ ન હોય એવું બને. વ્યસન કરીને પૂજા ન થાય. પૂજા સમયે અન્ય વિચારો ન કરાય. આવા અનેક નિયમો સમજવા અને અનુસરવા પડે. માત્ર બ્રાહ્મણનો યુનિફોર્મ પહેરવાથી કે માત્ર સંસ્કૃતનું જ્ઞાન હોવાથી કોઈ બ્રાહ્મણ નથી બની જતું.

આપને જે નમે છે એ ભલે આપને ગમતા હોય, પણ એમનામાં બ્રહ્મતત્વ ઓછું હોઈ શકે. જે વ્યક્તિની આંખમાં જોવામાં આપને ડર લાગે છે એ સાચા બ્રાહ્મણ હોઈ શકે. સત્યની તાકાત અલગ જ હોય છે.

આપની પત્ની જો એવું માનતા હોય કે ઈશ્વરને ખરીદી શકાય છે તો એ મૂર્ખતા છે. જેનું આધિપત્ય સમગ્ર બ્રહ્માંડ પર છે, એમને તમારા પૈસાની શું જરૂર હોય? કર્મનો સિદ્ધાંત લાગુ તો પડે જ છે.

તમે જે સોસાયટીમાં રહો છો ત્યાં ચોક્કસ નિર્માલ્ય પ્રજા રહેતી હશે, જે તમને પોતાની મહેનતના પૈસા ધરી દે છે. જો આપ તમારી આવનારી પેઢીને સુખી જોવા ઈચ્છતા હો તો લોકોને રંજાડીને પૈસા લેવાનું બંધ કરવાની સલાહ છે.

સૂચન: માણસના વિચારોની પણ ઊર્જા હોય છે. કોઈને દુઃખી કરવાની ઊર્જા વિનાશકારી સાબિત થાય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)