તમે એક માણસને એક વખત મૂર્ખ બનાવી શકો. તમે ઘણાબધા માણસોને એક વખત મૂર્ખ બનાવી શકો. તમે એક
માણસને કાયમ માટે મૂર્ખ બનાવી શકો. પરંતુ તમે ઘણાબધા માણસોને કાયમ માટે મૂર્ખ બનાવી શકતા નથી. અને જો તમે એવું કરવામાં સફળ થાઓ છો, તો તમારી આસપાસ જે લોકો મૂર્ખ બને છે, તે કાં તો માણસો નથી અથવા તો મૂર્ખ બનવાનો ઢોંગ કરે છે. કારણ કે બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાની શક્તિ માત્ર મનુષ્યમાં જ હોય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈમેઇલ પર જરૂરથી પૂછી શકો છો.
પ્રશ્ન: મારું આર્થિક બેકગ્રાઉન્ડ બહુ સારું નહોતું. મહત્ત્વાકાંક્ષાઓ મોટી હતી. એક ગુનામાં મને સજા થઈ. એ દરમિયાન એક યુવતીને પણ સજા થઈ હતી. અમારી ત્યાં મુલાકાત થઈ અને પછી અમે લગ્ન કર્યા.
હવે પૈસા કમાવવા માટે બે ખતરનાક વિચારો અપનાવ્યા. અમે એક સોસાયટીમાં ફ્લેટ ભાડે લીધો અને પછી એ જ માલિકને મૂર્ખ બનાવીને ફ્લેટ અમારા નામે કરાવી લીધો. સોસાયટીમાં સંપનો અભાવ હતો. દરેક કમિટી કરોડો રૂપિયાના ગોટાળા કરતી, છતાં લોકો કંઈ બોલતા નહોતા. અફવાઓ ફેલાવીને અમે પણ કમિટીમાં આવી ગયા. હાલમાં કમિટીમાં એક પણ ચૂંટાયેલ સભ્ય નથી. આર્થિક સ્થિતિ મજબૂત થઈ. પૈસાનું જોર વધ્યું. એક વકીલ અને એક સલાહકાર પણ રાખ્યા. અમારા પર કેસ થયા, છતાં પૈસાના જોરે બધું સંભાળી લીધું. મને લાગે છે કે ઈશ્વર પણ પૈસાવાળાઓની જ તરફ જુએ છે.
અમારા સલાહકારે સમજાવ્યું કે ખોટું કરીને લોકોની સહાનુભૂતિ મેળવો, પછી તેમને મૂર્ખ બનાવો. આ રીત ખૂબ સફળ રહી. જોકે કેટલાક લોકો મારી વાતમાં આવતા નહોતા. ચૂંટણી વખતે અમે મતદાર યાદી એવી જગ્યાએ મૂકી કે કોઈ સરળતાથી જોઈ ન શકે. સુધારણા માટે માત્ર એક દિવસ રાખ્યો. અધિકારીને પણ ભાવનાત્મક રીતે પ્રભાવિત કરી દીધા. જેમનાથી ડર હતો, તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા. વિરોધ થયો, પરંતુ ફરી એ જ રીત અપનાવી. લોકો સાચે જ મૂર્ખ હોય છે એવું મને લાગે છે. પરંતુ એક વ્યક્તિ સમજાતો નથી.
તેની પાસેથી વારંવાર વધુ પૈસા માંગ્યા છતાં તે આપી દેતો અને માત્ર એટલું જ કહેતો કે, “જેને જોવાનું છે, એ જુએ જ છે.” જાણે હાથે કરીને છેતરાતો હોય. આ વખતે તેનું નામ પણ યાદીમાંથી કાઢી નાખ્યું, તો તેણે વિરોધ કર્યો. હું કર્મના સિદ્ધાંતને માત્ર વહેમ માનું છું. દેખાડો કરીને લોકોને મૂર્ખ બનાવી શકાય છે અને પૈસાના જોરે ઘણું બધું થઈ શકે છે.
મારી માતા કહે છે કે સાચા માણસને રંજાડવાથી કુદરત ક્યારેય માફ કરતી નથી. જે વ્યક્તિ વિશે મેં કહ્યું, તેને પહેલાં ત્રણ લોકોએ હેરાન કર્યો હતો અને આજે એ ત્રણેયની સ્થિતિ અત્યંત દયનીય છે. તો ખરેખર સાચું શું છે? અમારી સોસાયટીમાં પ્રોપર્ટીના ભાવ આમ પણ ખાસ વધતા નથી. જો અમે ભાવ ઘટી જશે એવો ડર ઊભો કરીએ, તો શું લોકો ફરી અમારા પર વિશ્વાસ કરશે?

જવાબ: આપની સમસ્યાને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવી છે. ખરેખર, આપનું જીવન કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે છે. કદાચ વારંવાર છેતરાયા પછી પણ લોકો તૈયાર થઈ જાય છે, અથવા તો સત્યને ઓળખવાની તેમની ક્ષમતા ઓછી પડી જાય છે. ઘણા લોકોને કાયદાનું સાચું જ્ઞાન પણ હોતું નથી. પરંતુ અંતે તેઓ પણ માણસ જ છે. તમારી માતા જે કહે છે, તે વિચારવા જેવું છે. સમય ક્યારેય એકસરખો રહેતો નથી. અભિમાન તો રાવણનું પણ ટક્યું નહોતું.
તમને લોકોને મૂર્ખ બનાવવાની તમારી શક્તિ પર ગર્વ છે. તમને લાગે છે કે મોટા માણસોને પણ પૈસાથી ખરીદી શકાય છે. કદાચ તેઓ પણ તમારી દરેક ખોટી વાતને સાચી માની રહ્યા હોય. માણસને મૂર્ખ બનાવી શકાય, પરંતુ ઈશ્વરને નહીં.
દરેક માણસને પોતાના અધિકાર માટે લડવાનો અધિકાર છે. દરેક વ્યક્તિની લડવાની રીત અલગ હોય છે. જેને ઈશ્વર પર શ્રદ્ધા હોય, તેનો ઈશ્વર જરૂર સાથ આપે છે. જો ભવિષ્યમાં તમારી સાથે કંઈ અજુગતું બને, તો તેને તમારા કર્મોનું ફળ માનવું પડશે. એક વાત યાદ રાખો—દરેક સારો અને ભોળો માણસ મૂર્ખ હોતો નથી. તમારી માતાની વાત માનો અને સારા માણસ બનવાનો પ્રયાસ કરો. કદાચ તમે ચૂંટણી જીતી જશો, પરંતુ જો લોકોના દિલ જીતી શકશો, તો કુદરત પણ તમને સ્વીકારી લેશે.
સૂચન: ભૂલો સ્વીકારીને તેમાં સુધારો કરવો અને પ્રાયશ્ચિત કરવું એ જ નકારાત્મકતા ઘટાડવાનો સાચો માર્ગ છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)




