મુંબઈ: વર્લ્ડ ફેમસ જુહુ બીચ પર દરરોજ પરોઢિયે સૂરજ પહેલાં એક સ્મિત ઊગતું. એ સ્મિત કાલુનું, એટલે કે રખડુ કૂતરા કાળિયાનું. વહેલી સવારે દરિયાકિનારે જેવાં કોઈનાં પગલાં રેતી પર પડે એટલે કાલુ દોડી આવે. આગંતુકને આવકારવા આનંદથી પૂંછડી એવી પટપટાવે, જાણે સમુદ્રનાં મોજાં એની અંદર જ વસે.
– પણ એક સવારે કાલુ ન આવ્યો. જુહુ બીચના રેગ્યુલરો આવી જશે પાછો રખડતો એમ કહીને ભૂલી ગયા, પણ દરિયાકાંઠે સવાર પડતી રહી-કાળિયાના સ્મિત વગર એટલે કાલુની શોધ ચાલી. એની તસવીર મુંબઈભરના ડૉગ (વ્હૉટ્સઍપ) ગ્રુપમાં વાઈરલ કરવામાં આવી, પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. અચાનક સોળમા દિવસે કાલુ મળી ગયો. હેમખેમ. બે ટપોરીબાજોએ કાલુને કિડનૅપ કર્યો હતો! પોલીસે એમને પકડી લીધા.
આ આખી ઘટનામાં કાલુની તસવીરે ચમત્કાર કર્યો હતો: એક ક્લિક અને એક અબોલ જીવ પાછો મળી ગયો.
– અને એ તસવીર લીધી હતી મૌલિક કોટકે. 
ગયા રવિવાર-૧૨ એપ્રિલે, નૅશનલ પેટ્સ ડેની વળતી સવારે સદા અગ્રસર સાપ્તાહિક ચિત્રલેખા ગ્રુપના ચૅરમૅન, અવ્વલ દરજ્જાના લેન્સમૅન મૌલિક કોટકના તસવીર-સંગ્રહ પેટ્સ ઑન જુહુ બીચના લોકાર્પણ અવસરે સુખ્યાત ટેલિવિઝન પ્રોડ્યુસર પ્રીતિ સિમોસે કિડનૅપિંગ ઑફ કાલુની સત્ય કથા વર્ણવી.
જુહુ બીચથી માંડ ચારેક કિલોમીટર દૂર આવેલી ધ ક્લબમાં આયોજિત આ દબદબાભર્યા સમારંભના વિશેષ અતિથિ હતા: ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર-વેન્ચર કૅપિટલિસ્ટ વલ્લભ ભણસાલી, જાણીતા કાર્ડિયાક સર્જ્યન તથા એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉ. રમાકાંત પાંડા તથા એક-એકથી ચડિયાતી ટીવીસિરિયલ, ફિલ્મ, વેબ-સિરીઝના નિર્માતા-લેખક-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહ.
પાછલાં અમુક વર્ષો દરમિયાન મૌલિકભાઈએ વહેલી સવારે જુહુ સમુદ્રકાંઠે ઝડપેલી હજારેક શ્ર્વાન તસવીરોમાંથી ૧૦૦ની ઝલક, એ તસવીરો કેવી રીતે ઝડપાઈ એની કથા, મુંબઈ, મુંબઈગરા માટે જુહુ બીચનું મહત્ત્વ, વગેરે જાણવા-માણવા મોટી સંખ્યામાં પશુપ્રેમીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત હતા.
સવારના અગિયાર વાગ્યાથી જ ધ ક્લબનું પરિસર મહેમાનોથી ઊભરાવા માંડ્યું. ચા-કૉફીની ચૂસકી ને અલ્પાહાર બાદ બરાબર પોણા બારના ટકોરે કાર્યક્રમ શરૂ થયો. આરંભમાં મૌલિક કોટકના ૨૦૧૯ના નવેમ્બરમાં પ્રકાશિત થયેલા પુસ્તક લાઈફ ઑન જુહુ બીચના લોકાર્પણ-કાર્યક્રમની ઝલક બતાવવામાં આવી.
ત્યાર બાદ મૌલિકભાઈના પુત્ર તથા ચિત્રલેખા ગ્રુપના વાઈસ ચૅરમૅન મનન કોટક તથા મૌલિકભાઈની પૌત્રી તનાયા કોટકે સંવાદ સ્વરૂપે શ્રોતાઓને મીઠો આવકાર દીધો. મનનભાઈએ કહ્યું: ‘હું મારા પિતાને પ્યારથી મિસ્ટર બૉન્ડ કહીને પુકારું છું, કેમ કે જ્યારે અમે બીચ પર ટહેલવા જઈએ ત્યારે એ સિક્રેટ એજન્ટ જેમ્સ બૉન્ડની જેમ ભીડમાં ભળી જઈ, કોઈને અણસાર પણ ન આવે એ રીતે આવી અલભ્ય તસવીરો ઝડપી લે… ક્યારે, કોણ એમના કૅમેરામાં ઝડપાઈ જાય એ કહી ન શકાય.’
– તો મનનભાઈની પુત્રી તનાયાએ આ નોખા-અનોખા પુસ્તકની જન્મકથા વર્ણવતાં કહ્યું: ‘આ પહેલાં પ્રકાશિત થયેલા જુહુ બીચ વિશેના પુસ્તકમાં શ્ર્વાનની અમુક તસવીરો જોઈને મેં કહ્યું હતું, દાદા, આમ છૂટીછવાયી તસવીરોથી અર્થ નહીં સરે. એમને એમનું અલાયદું પુસ્તક આપો. અને લો, આ રહ્યું એ પુસ્તક.’
પિતા-પુત્રીની ટૂંકી, પણ અસરકારક રજૂઆતે કાર્યક્રમને એક માહોલ બાંધી આપ્યો. રજૂઆતના અંતમાં મનનભાઈએ એ પછી રજૂ થનારા સરપ્રાઈઝ વિડિયોની પૂર્વભૂમિકા બાંધી આપતાં કહ્યું: ‘હવે તમારી આંખો પરદા પર ફોકસ કરજો, કેમ કે હવે આપણે મૅન ઑફ મિસ્ટરીને, સ્પાય ઑન સૅન્ડને આવકારવા જઈ રહ્યા છીએ. ચાલો, તાળીઓના ગડગડાટથી મિસ્ટર બૉન્ડને વધાવીએ.’
આ સાથે જ પરદા પર ટક્સીડો સૂટમાં સજ્જ, ઈયાન ફ્લેમિંગના અમર જાસૂસ જેમ્સ બૉન્ડની અદામાં મૌલિકભાઈની એન્ટ્રીનો વિડિયો તાદૃશ થાય છે. એમના ડાબા હાથમાં ગનને બદલે કૅમેરા છે. ધીમી, પણ મક્કમ ચાલે એ આગળ વધી રહ્યા છે અને અચાનક પોઝિશન બદલી એ દર્શકોની સન્મુખ આવે છે, કૅમેરા ફોકસ કરીને ચાંપ દાબે છે: ખટાક્!
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર થયેલો આ વિડિયો જોઈને આમંત્રિત મહેમાનોને ખાતરી થઈ ગઈ કે આજનો કાર્યક્રમ યાદગાર બની રહેવાનો. એ પછી સંચાલક દ્રષ્ટિ વજારે મૌલિકભાઈને એમની લાગણી વ્યક્ત કરવા આમંત્રિત કર્યા. પોતાનો પ્રતિભાવ આપતાં મૌલિકભાઈએ કહ્યું:
‘પહેલાં તો મનન-તનાયાને આ સરપ્રાઈઝ બદલ આભાર. તનુને જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. પાંચ વરસનો હતો ત્યારે એક દિવસ ધોધમાર વરસતા વરસાદમાં પલળીને થરથર ધ્રૂજતા એક ગલૂડિયાને ઘરે લાવી એને હૂંફ આપી હતી. તે દિવસથી આજની ઘડી સુધી એવાં અસંખ્ય ગલૂડિયાંને, શ્ર્વાનને ગળે લગાડ્યાં છે, એ રીતે પશુ પ્રત્યે નાતો બંધાઈ રહ્યો છે.’
મૌલિકભાઈએ ઉમેર્યું કે ફોટોગ્રાફી શીખ્યો એ પછી એકાદ-બે દાયકા મેં અમારાં સામયિકો ચિત્રલેખા, જી માટે ફોટોગ્રાફ્સ પાડ્યા. ૧૫ વર્ષની વયે હું હિંદી સિનેમાના દિગ્ગજોની તસવીરો ઝડપતો, પરંતુ નિયમિત જુહુ બીચ પર જતો થયો ને મારી તસવીરકળાને એક નવો વળાંક, નવી દૃષ્ટિ મળી.
આ અવસરે જાણીતાં ઍનિમલ કમ્યુનિકેટર અને પેટ પેરન્ટનાં મદદગાર સાક્ષી જૈન અજમેરાએ કહ્યું: ‘હું પ્રાણીઓ સાથે વાત કરી શકું છું એવી ખબર પડતાં જ લોકો મને જાતજાતના સવાલ પૂછે છે, પણ મૌલિકભાઈનો સવાલ, એમની કુતૂહલતા મને સ્પર્શી ગઈ… હું પ્રાણીઓ સાથે ટેલિપથીથી વાત કરી એમની પસંદ-નાપસંદ જાણું છું, જેમ કે ઘરનો કયો ખૂણો એને વધારે ગમે છે, કઈ વાનગીની ગંધ, સુગંધ એને નાપસંદ કે પસંદ છે, એને શરીરમાં ચોક્કસ ક્યાં દુખે છે, વગેરે.’
ત્યાર બાદ મહેમાનોની ઊર્જા અને ઉમંગને યોગ્ય દિશામાં વાળતાં કાર્યક્રમનાં સૂત્રધારે વિશેષ અતિથિઓ ડૉ. રમાકાંત પાંડા, વલ્લભ ભણસાલી અને વિપુલ અમૃતલાલ શાહને મંચ પર આમંત્રિત કર્યા, કેમ કે એ ક્ષણ આવી પહોંચી હતી, જેની સૌ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા: પુસ્તકનું લોકાર્પણ.
જો કે આ બુક લૉન્ચ જરા વિશિષ્ટ રીતે થયું. મંચ પર ઉપસ્થિત ત્રણે વિશેષ અતિથિને કૅમેરા આપવામાં આવ્યા, જે એમણે જાયન્ટ સ્ક્રીન સામે તાકીને ક્લિક કર્યા. આ સાથે જ વિશાળ પરદા પર પેટ્સ ઑન જુહુ બીચ પુસ્તક ઝળાંહળાં થઈ ઊઠ્યું… અને હૉલમાં ઉપસ્થિત લોકોના વહેતા થયેલા જયઘોષે વાતાવરણ ડોલાવી દીધું. આ યાદગાર ક્ષણ બાદ મૌલિકભાઈ, એમનાં પત્ની રાજુલ તથા પુત્ર મનન પણ લોકાર્પણમાં જોડાયાં.
લોકાર્પણ બાદ વેળા આવી ત્રણેય મુખ્ય અતિથિઓના પ્રતિભાવની, પરંતુ અહીં પ્રતિભાવ પણ જરા હટકે હતા. ત્રણેય અતિથિએ પુસ્તકમાંની એમની પ્રિય તસવીર પસંદ કરી પસંદગીનાં કારણ આપ્યાં.
જેમ કે વલ્લભ ભણસાલીએ એમના શાળાના સહપાઠી રહી ચૂકેલા મૌલિકભાઈની વિશિષ્ટતા વર્ણવતાં જણાવ્યું: ‘હંમેશાં ધીર-ગંભીર-શાંત રહેતા મૌલિકભાઈને આજે મીઠું મલકતાં જોઈને મને આનંદ થયો…’ એ પછી એમણે પોતાની પસંદગીની તસવીર વિશે કહ્યું કે આ તસવીરમાં ઓલિયા સાધુ કૃષ્ણદાસ યોગની મુદ્રામાં છે. એક શ્ર્વાન એમને આસન કરતાં કુતૂહલતાથી જોઈ રહ્યો છે, જ્યારે બીજો શ્ર્વાન પેલા શ્ર્વાનને જોઈ રહ્યો છે. આ તસવીર મને ગમી ગઈ એના કમ્પોઝિશન માટે. આ તસવીર કેટલું બધું કહી જાય છે: જાણે પેલો શ્ર્વાન પણ યોગાસન શીખવા માગતો હોય.
એ પછી વારો હતો ડૉ. રમાકાંત પાંડાનો. પદ્મવિભૂષણથી સમ્માનિત ડૉ. પાંડા પોતે વન્યજીવનને કૅમેરામાં કેદ કરવા માટે જાણીતા છે. પ્રાણીકલ્યાણનાં કાર્યો સાથે સંકળાયેલા તથા મૌલિકભાઈ અને ચિત્રલેખા સાથે ગાઢ સંબંધ ધરાવતા ડૉ. પાંડાએ કહ્યું: ‘આમ તો મને આ પુસ્તકમાંની બધી જ તસવીરો ગમી ગઈ, પરંતુ એક તસવીરમાં શ્ર્વાનની લાક્ષણિક અદા, એની જીવંત આંખો, એની આસપાસ ઊછળતો દરિયો જે રીતે ઝડપાયાં છે એ કમાલનાં છે. બીજું, શ્ર્વાનની આસપાસ ઘણું બધું બની રહ્યું હોવા છતાં એ
શાંત છે, હૅપી છે. મારી દૃષ્ટિએ આ પિક્ચર હૅપિનેસનું છે. શ્ર્વાન તમને કશીયે અપેક્ષા વિના ખુશી આપશે, શાંતિ આપશે.’
– તો લેખક-નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહે પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું: ‘ચિત્રલેખા અને મૌલિકભાઈ સાથે મારો સંબંધ જરા જુદો છે. વર્ષો પહેલાં હું હરકિસન મહેતાની નવલકથા પરથી ભેદ-ભરમ ટીવીસિરિયલ બનાવતો હતો ત્યારે અવારનવાર ચિત્રલેખાની ઑફિસે જતો. તે વખતે ઓછાબોલા, પણ કામમાં વ્યસ્ત રહેતા મૌલિકભાઈને જાણતો-સમજતો થયો…’
એ પછી જાણે જમ્પ કટ લેતા હોય એમ વિપુલભાઈએ કહ્યું: ‘આ અને આ પહેલાંના પુસ્તકથી મને એક નવા જ મૌલિકભાઈનો પરિચય થયો. એ સારા ફોટોગ્રાફર છે એ તો મને ખબર હતી જ, પણ આ બન્ને પુસ્તકની તસવીરો જોઈને જે પહેલી ચીજ મારી સામે આવી એ છે એમની સેન્સિટિવિટી… આ પુસ્તકની મારી પસંદગીની તસવીરની વાત કરું તો આ બાલિકા અને એણે છાતીસરસો ચાંપેલો પબ શ્ર્વાન. બન્નેના ચહેરાના હાવભાવ તમે ધ્યાનથી નિહાળો તો ખયાલ આવશે કે શ્ર્વાનના મોં પર ચિંતા નથી, ભય નથી, કેમ કે એને ખબર છે કે એ સુરક્ષિત હાથોમાં છે. બાલિકાના મોં પર સ્મિત છે, આનંદ છે. નિર્દોષ બાળા અને શ્ર્વાનનો સંબંધ જાણે આપણને કહે છે કે આ પૃથ્વી પરના દરેક કાળા માથાના માનવીનો પ્રાણી સાથે આવો જ વર્તાવ હોવો જોઈએ. મારી દૃષ્ટિએ આ તસવીર અમર આશાની તસવીર છે…’
લોકાર્પણ સમારોહના આ નોખા-અનોખા કાર્યક્રમમાં જાણીતા કલાકાર, ઍનિમલ ફેમ, સિદ્ધાંત કર્ણિકનો આ કૉફી ટેબલ બુક તથા કોટકપરિવાર સાથેના પોતાના સંબંધ વિશેનો ઉમળકો અને જાણીતા સિંગર-સોન્ગરાઈટર ગૌરવ સજ્જનહાર દ્વારા બે મજેદાર ગીતની રજૂઆત, જેમ કે યે દોસ્તી હમ નહીં તોડેંગે, જુહુ બીચ પે મિલકે હમ મૌલિકભાઈ કે સાથ ઘૂમેંગેં…
કાર્યક્રમના અંતમાં મનન કોટકે ઋણસ્વીકાર કરતાં જણાવ્યું કે આ એક સરસ સંયોગ છે કે આજથી બરાબર એક વર્ષ પહેલાં આજના જ દિવસે એટલે કે ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ આ જ જુહુ વિસ્તારમાં ચિત્રલેખાના અમૃત મહોત્સવની ઉજવણી તથા પંચોતેરમા વાર્ષિક વિશેષાંકના લોકાર્પણનો કાર્યક્રમ દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પીયૂષ ગોયલ જેવાં અનેક સમ્માનનીય વ્યક્તિત્વોની ઉપસ્થિતિમાં શાનદાર રીતે ઊજવાયો. એ પછી ૧૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ભગવદ્ કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ, જેનું ઔર એક આકર્ષણ હતું પાર્થિવ ગોહિલ સાથે સંગીતમયી સાંજ. આ વર્ષના ફેબ્રુઆરીમાં મુંબઈમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં સિદ્ધહસ્ત ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર વલ્લભ ભણસાલીના મૂડીબજાર વિશેનાં સિદ્ધાંત-સૂત્રો, એમની આધ્યાત્મિકતાના નિચોડ સમા પુસ્તકનું લોકાર્પણ થયું. આમ ૨૦૨૫થી શરૂ થયેલા પંચોતેરમા પ્રવેશના જશનની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે સાડા સાત દાયકાની અમારી સફરના સહપ્રવાસી એવા અમારા વાચકો, વિજ્ઞાપનકારો, વિતરકો તથા સ્પૉન્સર્સના આભારી છીએ…
આ ટૂંકા ઋણસ્વીકાર બાદ ફરી એક વાર એઆઈની મદદથી મૌલિકભાઈએ પુસ્તકમાંની તસવીરો કેવી રીતે ઝડપી હશે એવું શ્રોતાઓનું કુતૂહલ શમાવતો વિડિયો દર્શાવવામાં આવ્યો.
ભરબપોરે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મૌલિકભાઈને મળવા, એમની સાથે તસવીર, સેલ્ફી લેવા તથા પેટ્સ ઑન જુહુ બીચ પુસ્તક પર એમના હસ્તાક્ષર મેળવવા રીતસર પડાપડી થઈ.
અંતે સ્વાદિષ્ટ ભોજન આરોગી સૌ ધીરે ધીરે છૂટા પડ્યા ત્યારે દરેકના ચહેરા પર જાતજાતના ભાવ હતા. કોઈએ સ્મૃતિને પકડી રાખી હતી, તો કોઈએ લાગણીને. મહેમા

નો માટે આ માત્ર એક કૉફી ટેબલ બુક નહોતી, પણ જુહુકિનારે દોડતાં નિર્દોષ પગલાંઓની જીવંત સ્મૃતિ હતી. કદાચ આ જ આ પુસ્તકની સૌથી મોટી સફળતા છે, કારણ કે કેટલીક વાર્તાઓ બોલાતી નથી-માત્ર આંખો ભીંજવી હૃદયસ્થ થઈ જાય છે.
(કેતન મિસ્ત્રી – મુંબઈ)
(તસવીરો: દીપક ધુરી, માનસ સોમપુરા)




