શૉટ ગ્લાસના ‘ચિયર્સફૂલ’ સંગ્રાહક….

એમના ઘરમાં પ્રવેશ કરો એટલે એક નવી જ દુનિયામાં પ્રવેશી ગયા હો એવું લાગે. ચાંદીની ટ્રે, એરોપ્લેન, દેવી-દેવતાઓની મનમોહક મૂર્તિઓ, રોલ્ય રોયસ કારની પ્રતિકૃતિથી માંડીને દુનિયાભરના દેશોની યાદ અપાવતી જાતભાતની સુવેનિયર ચીજોથી શોભતા એમના દીવાનખંડમાં થોડાક વધારે નજીક આવો એટલે અલકમલકની ડિઝાઇન ધરાવતા શૉટ ગ્લાસિસ (Shot Glass) તમને ચિયર્સ કરીને તમારું સ્વાગત કરે.

જો જો, આ ચિયર્સ એટલે બીજું કાંઇ ન સમજી લેતા! વાત ચિયર્સ કરવાના ગ્લાસની જ છે, પણ એ પીણાંથી નહીં, શોખથી છલકાતા ગ્લાસની છે!

વાત અમદાવાદમાં રહેતા અમિતભાઇની છે. પ્રવાસ-પ્રેમી અમિત દોશીની. દુનિયાનો છેડો ગણાતા ઘરમાં દુનિયાભરની ઓળખસમી ચીજો એકત્ર કરનાર અમિત દોશીની. લગભગ 105થી વધારે દેશોમાંથી અલગ અલગ આકાર-કદ-ડિઝાઇનના 700થી વધારે શૉટ ગ્લાસ એકત્ર કરીને અમિતભાઇએ સંગ્રાહક (Art Collector) તરીકે એક નવો જ રેકોર્ડ સર્જયો છે. એમના આ સંગ્રહની નોંધ વિવિધ રેકોર્ડઝ બુકે પણ લીધી છે.

કાચ, મેટલ, લાકડું, પથ્થર, લેધર જેવા અલગ અલગ મટિરિયલમાંથી બનેલા, જે તે દેશના નકશા કે જાણીતા સ્થળો-વ્યક્તિઓની તસવીર-પ્રતિકૃતિ ધરાવવા આ ગ્લાસની વેરાઇટી જોઇને જ તમે દંગ રહી જાવ છો. અમિતભાઇના આ અદભૂત કલેક્શનમાં તમને ચીનના માઓ (Mao) થી લઇને અમિતાભ બચ્ચન, તાજમહાલથી લઇને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (Statue of Liberty), રેડક્રોસના પ્રતીકથી લઇને ઓસ્ટ્રેલિયાના કાંગારૂ સુધીની અઢળક રેન્જ ધરાવતા શૉટ ગ્લાસિસ મળી આવે.

સેન્ટ ઝેવિયર્સ અને આઇઆઇએમ-અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણીને કોર્પોરેટ જગતમાં સીઇઓ, સીઓઓ, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર જેવી મહત્વની પોઝીશન પર કામ કરતા આવેલા અમિતભાઇ હાલ તો આઇઆરએમ ગ્રુપ ઓફ કંપનીઝમાં સીઓઓ તરીકે કાર્યરત છે, પણ કોર્પોરેટ વર્લ્ડની આ ઓળખ એમની બીજી ઓળખ છે. એમને નજીકથી ઓળખતા સ્વજનો-મિત્રવર્તુળમાં એમની પહેલી ઓળખ શૉટ ગ્લાસના સંગ્રાહક તરીકેની જ છે.

મેનેજમેન્ટ એમનો વ્યવસાય છે, શૉટ ગ્લાસનો સંગ્રહ એમનો શોખ. આ શોખ એમના માટે સૌથી મોટો સ્ટ્રેસ બસ્ટર એટલે કે તણાવ દૂર કરવાનો ઉપાય છે. આ શોખ જ એમને તાજગી આપે છે. કદાચ એટલે જ, ગ્રાન્ડ ચિલ્ડ્રન મોટા થવા આવ્યા છતાં એમના શરીર કે ઉત્સાહ પર ક્યાંક થાક કે ઉમર વર્તાતી નથી.

એમ જ વાતચીતમાં અમિતભાઇ કહે છેઃ ‘જ્યારે જ્યારે હું મારું આ કલેક્શન જોઉં ત્યારે મને જે તે સ્થળની મુલાકાત યાદ આવે. એકે એક ગ્લાસ મારા માટે એ સ્થળની મુલાકાત સમયે લખાયેલી ડાયરી છે. ગ્લાસ પર નજર પડે એટલે મેં એ ગ્લાસ લીધો હોય એ સમયના દ્રશ્યો નજર સામે તરવરે. મનમાં ચાલતા ટેન્શન ઘડીકવાર ભૂલાઇ જાય. એ પ્રવાસની યાદગિરી બધું ભૂલવાડી દે.’

લગભગ 1997માં, પહેલીવાર અમેરિકા ગયા અને નાયગ્રા ફોલ્સથી પહેલીવાર સુવેનિયર ગ્લાસ લીધો એ ઘટનાથી માંડીને હમણાં એમનો ગ્રાન્ડ સન નાનકડો આરવ ગીરના જંગલના પ્રવાસે ગયો ત્યાંથી એક ગ્લાસ લાવ્યો ત્યાં સુધીની એમની આ સંગ્રહની જર્નીના એક એક મુકામ એમને યાદ છે. આરવની જેમ ઘણીવાર તો એમના મિત્રો પણ ફરવા ગયા હોય ત્યાંથી એમના માટે આવો એકાદ ગ્લાસ કે અન્ય કોઇ સુવેનિયર આઇટમ લેતા આવે. આ રીતે એમનું કલેક્શન સમૃધ્ધ થતું ગયું છે.

અફકોર્સ, શૉટ ગ્લાસિસ એમના સંગ્રહનું મુખ્ય આકર્ષણ છે, પણ એની સાથે સાથે એમના સંગ્રહમાં બીજી અનેક યાદગાર સુવેનિયર આઇટમ્સનો પણ સમાવેશ થાય છે. ઓરિસ્સાના દરિયાકાંઠે જોવા મળતી ડોલ્ફિનની લાકડાની પ્રતિકૃતિ, અમેરિકન બનાવટના અપાચે હેલિકોપ્ટરની રેપ્લિકા, એકે-47ની સાચકલી કાર્ટરેજમાંથી બનાવેલી ટેન્ક, ચાંદીના તારમાંથી બનાવેલા શીપથી માંડીને ટેમ્પલ અને ચર્ચની પ્રતિકૃતિઓ જેવી અનેક ચીજો એમના ખજાનામાં શોભે છે.

એમાંથી કેટલીક ચીજો તો એમના માટે એક યા બીજી રીતે યાદગાર બની ચૂકી છે. વર્ષો પહેલાં એ રાજસ્થાનના પ્રવાસે ગયા ત્યારે જયપુરમાં એક રોયલ પરિવારમાં સચવાયેલો ચેસ એમને ગમી ગયો. લાકડા પર માર્બલની શીટથી બનાવેલું બોર્ડ અને સિલ્વરના પ્યાદાં. અમિતભાઇને ચેસ ગમી તો ગયો, પણ એ સમયે ખરીદવા જેટલા પૈસા નહોતા કે પછી એટલી બધી રકમ એમને આ ચેસબોર્ડ પાછળ ખર્ચ કરવાનું યોગ્ય ન લાગ્યું. પરંતુ આ ચેસબોર્ડ એમને એટલું ગમી ગયેલું કે કંપનીના કામે જ્યારે જયપુર જવાનું થાય ત્યારે એ જોયા કરે. એક વખતે એમના પત્નિ સોનલબહેન એમની સાથે જયપુર ગયા અને એમને આ વાતની ખબર પડી. પતિની પેશનને સારી રીતે ઓળખતાં સોનલબહેને સહેજપણ વિચાર કર્યા વિના એ ચેસબોર્ડ ખરીદીને એમને ગિફ્ટ કર્યો.

એવી જ રીતે પાન-મસાલા રાખવાની ચાંદીની ટ્રે સાથે એમની લાગણી જોડાયેલી છે. એકસો વર્ષ જૂની આ ટ્રે એમના ગ્રાન્ડ મધરની મેરેજ સમયની ટ્રે છે. આ જ ટ્રે અમિતભાઇને પોતાના મેરેજ વખતે દાદીમા તરફથી ગિફ્ટમાં મળી!

એમના સંગ્રહની દરેક ચીજ સાથે, દરેક ગ્લાસ સાથે આવી કંઇ કેટલીય યાદો જોડાયેલી છે. તમે ગ્લાસ પર હાથ મૂકો એટલે અમિતભાઇ એ ક્યાંથી, કેવી રીતે લાવ્યા એની વાત ઉત્સાહથી સંભળાવવા માંડે કે, ફ્લેમિંગોનું પેઇન્ટીંગ ધરાવતો આ ગ્લાસ તો હું સિંગાપોરથી લાવેલો, જે એક ફિઝીકલી ચેલેન્જ્ડ છોકરાએ મને તાત્કાલિક બનાવી આપેલું. આ જે કટ ગ્લાસ દેખાય છે એ તો મને જાપાની ફેક્ટરીવાળાએ મને ગમે એ રીતે ડિઝાઇન કરીને બનાવડાવી આપેલો!

એ આવું વર્ણન કરતાં હોય ત્યારે તમને એમ જ લાગે કે જાણે અત્યારે એ સિંગાપોરની એ સ્ટ્રીટ પર કે જાપાનની એ ફેક્ટરીમાંથી જ વાત કરી રહ્યા છે! આર્ટ અને ક્રાફ્ટ (Art and Craft) માટેનો એમનો લગાવ, સંગ્રહ માટેની એમની એમની પેશન તમને એમની આંખોમાં, એમના ચહેરા પર, એમની બોડી-લેંગ્વેજમાં દેખાઇ આવે.

પણ, કાંઇ નહીં ને આ શૉટ ગ્લાસનું જ કલેક્શન કરવાનો વિચાર તમને કેમ આવ્યો, અમિતભાઇ?

અમિતભાઇ કહે છે, ‘હું 1997માં નાયગ્રા ફોલ્સ (Niagara Falls) પરથી પહેલો ગ્લાસ ખરીદવાનું વિચારતો હતો ત્યારે મારા એક આન્ટીએ મને સજેસ્ટ કરેલું કે, બેટા, ગ્લાસ પારદર્શિતાની નિશાની છે અને તારું વ્યક્તિત્વ પારદર્શક છે એટલે તું ગ્લાસ જ લેજે.. બસ, એમાંથી આ ગ્લાસ એકત્ર કરવાનું શરૂ થયું!’

– તો ચિયર્સ, અમિતભાઇ!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.) 

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)