ગયા વખતે આપણે વાત કરી હતી બાળકોમાં વધતા જતા સ્ક્રીન ટાઇમથી ભવિષ્યમાં સર્જાનારી મેન્ટલ હેલ્થ
ક્રાઇસિસની. અમેરિકામાં સર્જાઇ રહેલી રિલેશનશીપ-ફ્રેન્ડશીપની ક્રાઇસિસની. ભારત સહિત વિશ્વભરના દેશોમાં મનોવિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીઓ સતત એ જ ચેતવણી આપી રહ્યા છે કે જો નવી પેઢીનું સ્ક્રીન એડિક્શન અટકાવાશે નહીં તો ભવિષ્યમાં એમને ગંભીર પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે એ નક્કી છે.
એકવીસમી સદીની પહેલી પચીસીમાં સોશિયલ મિડીયા અને છેલ્લે એઆઇ આવ્યા પછી દુનિયાએ જે રીતે ડિજિટલ પાછળ દોટ મૂકી છે એના માઠાં પરિણામો આવનારા પચીસ વર્ષમાં આ નવી પેઢીએ ભોગવવા પડી શકે એ વાતને હવે ઘણા દેશો ગંભીરતાથી લઇ રહ્યા છે.

સ્વીડન સહિત યુરોપના ઘણા દેશોએ તો આ દિશામાં કામ કરવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે. ચાઇનાડેઇલી.કોમના 12 સપ્ટમ્બર, 2023ના એક અહેવાલ પ્રમાણે, સ્વીડનમાં સ્કૂલ મિનિસ્ટર લોટા એડહોમે સ્કૂલોની મુલાકાત લીધા પછી ડિજિટલ સ્ક્રીનના બદલે પરંપરાગત પધ્ધતિથી પાઠ્યપુસ્તકો દ્વારા શિક્ષણ તરફ પાછા વળવાની ભલામણ કરી છે. અહીંની જાણીતી કેરોલિન્સ્કા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોએ પણ સંશોધનોના આધારે એ વાત પર ભાર મૂક્યો હતો કે, ડિજિટલ ટૂલ્સથી બાળકથી શીખવાની ક્ષમતાને નુકસાન વધારે થાય છે.
વર્ષો સુધી સ્ટોકહોમની કૂમલા સ્કૂલમાં બાળકો સાથે કામ કરનાર શિક્ષિકા લિસા બેનેડિક્ટસન પણ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે કે, ‘ઓગસ્ટ, 2022થી સ્વીડનમાં સ્કૂલોમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ તો છે જ. એક આંતરરાષ્ટ્રીય ટેસ્ટ પ્રમાણે સ્વીડીશ બાળકોની વાંચન ક્ષમતામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘટાડો જોવા મળ્યો છે એને લઇને પણ અમે ચિંતિત છીએ.’

(લિસા બેનેડિક્ટસન)
આ લિસા બેનેડિક્ટસન અમારો સંપર્ક કેરોલિન્સ્કા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડો. હ્યુગો લેઝરક્રાન્ટ્ઝ અને એમના લેખિકા પત્નિ રોઝ લેઝરક્રાન્ટ્ઝ સાથે કરાવે છે. આ કપલ ઘણા સમયથી પોતપોતાના ક્ષેત્રમાં બાળકોને ડિજિટલ સ્ક્રીનથી દૂર રાખીને પ્રિન્ટેડ પુસ્તકો વંચાવવાનો આગ્રહ કરતું રહ્યું છે. ડો. હ્યુગો આંતરરાષ્ટ્રીયકક્ષાએ જાણીતું નામ છે. મેડિસિન માટે નોબેલ વિજેતાની કમિટીમાં કામ કરી ચૂક્યા છે. ડો. હ્યુગોએ થોડા વર્ષો પહેલા સિએટલસ્થિત અમેરિકન પિડિયાટ્રીશ્યનને સ્વીડન બોલાવેલા. આ પિડિયાટ્રીશ્યને સ્ક્રીન એડિક્શનની નકારાત્મક અસરો પર વ્યાખ્યાન આપ્યું હતું. એ પછી ડો. હ્યુગો પોતાના લેખો દ્વારા બાળકોને પુસ્તક વાંચન તરફ વાળવાની હિમાયત કરતા રહ્યા છે.
ડો. હ્યુગો કહે છે કે, ડિજિટલ એડિક્શનના કારણે બાળકોમાં આગળ જતાં એકાગ્રતાની સમસ્યા સર્જાય છે. ટીકટોક-ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોનું કન્ટેન્ટ એડિક્ટીવ બિહેવીઅરને પ્રોત્સાહન આપે છે. તણાવ વધારે છે અને સરવાળે બાળકની વાંચનની અને વિચારવાની ક્ષમતા ઘટે છે. ડો. હ્યુગોના મતે તો જે રીતે સ્મોકિંગ હેલ્થ માટે ખતરનાક છે એવી ચેતવણી આપવાની શરૂઆત થઇ હતી એ જ રીતે હવે ડિજિટલ એડિક્શન પણ માનસિક આરોગ્ય માટે ખતરનાક છે એ પ્રકારની કાયદાકીય ચેતવણી આપવાનો સમય થઇ ચૂક્યો છે.

(ડો. હ્યુગો લેઝરક્રાન્ટ્ઝ)
ડો. હ્યુગો દ્રઢપણે માને છે કે બાળકોના જ્ઞાનવર્ધન અને કૌશલ્ય વિકાસ માટે સ્ટોરીટેલિંગ એટલે કે વાર્તા કહેવી-વંચાવવી એ શ્રેષ્ઠ ઉપાય છે. એનાથી બાળકની વિચારવાની ક્ષમતા વધે છે. એમના પત્નિ રોઝ પણ સ્વીડનના જાણીતા લેખિકા છે. બાળકો માટે એમણે આઠેક પુસ્તકો લખ્યાં છે અને આ પુસ્તકો વિશ્વની અન્ય ભાષાઓમાં પણ અનુવાદિત થઇ ચૂક્યા છે.

(રોઝ લેઝરક્રાન્ટ્ઝ)
ફક્ત સ્વીડન જ નહીં, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, સ્પેન, સાઉથકોરિયા જેવા દેશોમાં પણ ત્યાંની સરકારો આ મામલે ગંભીરતાથી વિચારી રહી છે. અમુક દેશોમાં સ્કૂલોમાં મોબાઇલ પર સંપૂર્ણ પ્રતિબંધ ઓલરેડી મૂકાઇ ગયો છે. ઓસ્ટ્રેલિયામાં તો ડિસેમ્બર, 2025થી જ 16 વર્ષથી નીચેના તરુણો માટે સંપૂર્ણ પ્રતિબંધ આવી ગયો છે. જાન્યુઆરી 2026માં યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટને એના પર વિચારવાની શરૂઆત કરી દીધી છે. યુરોપના મોટાભાગના દેશોમાં બેક ટુ બેઝીક્સ એટલે કે પાઠ્યપુસ્તકો તરફ પાછા વળીને ડિજિટલ એડિક્શન ઘટાડવા તરફનો ઝોક વધી રહ્યો છે.
અમેરિકા-કેનેડા જેવા દેશોમાં આ મામલે બે સ્પષ્ટ મત છે. એક વર્ગ સ્કૂલોમાં એઆઇના ઉપયોગની તરફેણમાં છે તો બીજો વર્ગ ડિજિટલ ડિવાઇસની જ વિરુધ્ધમાં છે. જાપાનમાં સ્કૂલોમાં વ્યક્તિગત સ્માર્ટ ડિવાઇસ પર પ્રતિબંધ છે, પણ ક્લાસરૂમમાં ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ થઇ શકે છે.

ભારતમાં હજુ આ મામલે બહુ ગંભીરતાથી ચર્ચા થતી નથી. દરેક રાજ્ય કે શૈક્ષણિક સંસ્થાઓ પોતપોતાની રીતે નિયમો બનાવે છે, પણ આના માટે કોઇ દેશવ્યાપી યુનિફોર્મ પોલિસી ઘડવાની દિશામાં નક્કર પ્રગતિ દેખાતી નથી.
સમસ્યા તો છે અને એ આપણે ધારીએ એના કરતાં વધારે ગંભીર છે. હા, કોઇક એમ દલીલ કરી શકે છે કે ડિજિટલ ક્રાંતિ એ માનવજાત માટે ઉપકારક પણ છે, એનાથી સમસ્યાઓ ઉકલે છે. માનવીની સુવિધામાં વધારો થઇ રહ્યો છે.
વાત સાચી છે, પણ સામે છેડે એની નકારાત્મક અસર વિશે વિચારશો તો ખ્યાલ આવશે કે, આવતીકાલની પેઢી માટે એના પરિણામો કેવા ભયાનક હશે. આજના ફાયદાઓ કરતાં આવતીકાલનું નુકસાન વધારે પણ હોઇ શકે છે.
હા, આ નુકસાન અટકાવવા માટે પ્રયત્નો જરૂર કરી શકાય. એ પ્રયત્નો કેવા હોઇ શકે એની વાત આવતા વખતે.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)


