ઇંધણ બચાવવાની ઝુંબેશ કે કરકસરનો આફરો?

આપણે ‘આરંભે શૂરી’ પ્રજા છીએ. કોઇપણ નવી વાત કે વિચાર આવે એટલે સોશિયલ મિડીયા (social media) માં ફોટો-વિડીયોઝ મૂકીને મચી પડવાનું અને પછી ભૂલી જવાનું. પરિણામે થાય છે એવું કે, વિચાર કે ઉદ્દેશ સારો હોય એ પણ તમાશામાં ફેરવાઇ જાય છે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઇંધણને લઇને સર્જાનારા વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને લોકોને પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ સાચવીને કરવાની અને પબ્લિક ટ્રાન્સપોર્ટ (Public Transport) નો વધારે ઉપયોગ કરવાની અપીલ કરી એ પછી ભાજપના જ મંત્રીઓ-નેતાઓ જે તમાશો સર્જી રહ્યા છે એ એનું લેટેસ્ટ ઉદાહરણ છે.

મૂળ મુદ્દો આટલો જ હતોઃ ઇરાન-અમેરિકા યુધ્ધ Iran-US War) ને લઇને ઇંધણની કટોકટી વૈશ્વિક કટોકટી સર્જાઇ રહી છે એટલે અત્યારથી જ ઇંધણ (Fuel) બચાવવું. વિદેશી હુંડિયામણ બચાવવા સોનું ખરીદવાનું કે બીન-જરૂરી વિદેશ પ્રવાસ કરવાનું ટાળવું.

(Image: AI GENERATED)

બસ, ભાજપની સરકારો-મંત્રીઓ-નેતાઓ ચાલુ ગાડીએ ચડીને મંડ્યા બચતના મંજીરા વગાડવા. બધાને એકસાથે કરકસરનો આફરો ચડ્યો એટલે કોઇક ગાડીના બદલે સાઇકલ લઇને ઓફિસે આવ્યા, કોઇકે બસમાં તો કોઇકે ટ્રેનમાં પ્રવાસ કર્યો, કોઇકે એકાદી મિટીંગ ઓનલાઇન લીધી, કોઇક ઓટોરીક્ષામાં બેઠું તો કોઇક વળી એક ડગલું આગળ ચાલીને પગપાળા ઓફિસે ગયું! સારામાં સારા વિચાર કે ઉદ્દેશનો  સોશિયલ મિડીયામાં દેખાડો કરીને એને સર્કસમાં ફેરવવામાં આપણા રાજકારણીઓનો જોટો જડે એમ નથી.

મુદ્દો એ છે કે આમ કરીને રાજકારણીઓએ આખા ય ઉદ્દેશની ગંભીરતાને મજાકમાં ફેરવી નાખી.

હા, ઇરાન-અમેરિકાના યુધ્ધના કારણે ઇંધણની કટોકટી અત્યારે વાસ્તવિક છે અને આપણી ધારણા કરતાં ઘણી વિકરાળ છે, પણ દેશની જરૂરિયાત અને અર્થતંત્રની હાલત જોતાં ભારત જેવા દેશને તો યુધ્ધ સિવાયના સંજોગોમાં પણ આ સંસાધનો વેડફવાનું પાલવે એમ નથી. એક અંદાજ પ્રમાણે, દેશના બજેટમાં બીન-ઉત્પાદક ખર્ચનું પ્રમાણ 77 ટકા (41.25 લાખ કરોડ) જેટલું ઊંચું છે. સરકારે ઉત્પાદન ખર્ચમાં વધારો કરવો હોય તો આ ખર્ચ ઘટાડવો પડે એટલે કરકસર કે સંસાધનોની બચતનો મુદ્દો ફક્ત યુધ્ધના કારણે જ જરૂરી છે એવું નથી.

યુધ્ધ સિવાયના સંજોગોમાં પણ સરકાર આ કરી જ શકે છેઃ

દેખાડો નહીં-વાસ્તવિક બચત કરોઃ જો કોઇ મંત્રી-અધિકારી કે નેતા એક દિવસ પગપાળા, બસમાં કે ટ્રેનમાં પ્રવાસ કરી શકે તો કાયમી કેમ નહીં? એક દિવસના પ્રવાસથી શું ઊકાળી લેવાનું? મંત્રી ચાલીને સચિવાલય આવ્યા ને ફોટા પડાવ્યા પછી સચિવાલયથી એમને લેવા માટે ગાડી આવે ત્યારે ઇંધણ નથી બળવાનું? ખરેખર જો કરકસર કરવી જ હોય તો મંત્રીઓ-અધિકારીઓના પરિવહન માટે બસ ફરજિયાત કરવાની જરૂર છે. દિલ્હી હોય કે ગાંધીનગર, મોટાભાગના કેપિટલ સિટીમાં સચિવાલય સંકુલથી મંત્રી-અધિકારીઓના રહેણાંકો દૂર નથી. આ શક્ય છે. એક જ કાર્યક્રમ માટે જતા મંત્રીઓ-અધિકારીઓ પણ અલગ અલગ ગાડીમાં જવાના બદલે કાર-પુલિંગ કેમ ન કરી શકે?

(Image: AI GENERATED)

બીન-જરૂરી પ્રોટોકોલ ઘટાડોઃ આમ તો આપણને જૂની તમામ રીત-રસમોને કોલોનિયલ ગણાવીને એનો ત્યાગ કરવામાં (કે ત્યાગની જાહેરાત કરવામાં) મજા પડે છે તો પછી જાહેર સરકારી સમારંભોમાં બીન-જરૂરી પ્રોટોકોલના ખર્ચ શા માટે? રાષ્ટ્રપતિ,  વડાપ્રધાન કે કોઇ દેશના વડા રાજ્યની મુલાકાતે આવે ત્યારે એમને આવકારવા અને વિદાય આપવા ગવર્નર, મુખ્યમંત્રી, પ્રોટોકોલ મંત્રી, મુખ્યસચિવથી માંડીને મેયર સુધીના લોકો એરપોર્ટ આવે છે. આ દરેકના વ્યક્તિગત કાફલાની ગાડીઓ પાછળ થતો ઇંધણનો વપરાશ અને વેડફાટ ગણી લો. આ સમ્માન છે, પણ સાથે સાથે સંસાધનોનો બીન-જરૂરી વેડફાટ ય છે. કેમ એવો પ્રોટોકોલ અમલમાં ન મૂકી શકાય, જેમાં રાજ્ય વતી ફક્ત એક અધિકૃત મંત્રી-અધિકારી મહેમાનનું સ્વાગત કરે? ઇંધણની બચત સાથે કાર્બન ફૂટપ્રિન્ટ ય ઘટશે.

વહીવટી તંત્રમાં બેફામ વાહનનો વપરાશઃ ગાંધીનગર સચિવાલયમાં એક બ્લોકમાંથી બીજા બ્લોકમાં જવા માટે ય ગાડીનો ઉપયોગ કરનાર મંત્રીઓ-અધિકારીઓ ઇંધણ બચાવવાનો ઉપદેશ આપે ત્યારે પ્રજા હસે છે. વર્ષો પહેલાં ગાંધીનગર સચિવાલયમાં આંતરિક અવરજવર માટે ઇલેક્ટ્રીક કાર્ટ્સ લાવીને એનું ઉદઘાટન કરાયેલું. આજે એ કાર્ટ ક્યાં કાટ ખાય છે એની ય કોઇને ખબર નથી. દરેક સરકારી સંકુલોમાં એક બિલ્ડીંગથી બીજા બિલ્ડીંગમાં જવા માટે વાહનના ઉપયોગ પર પ્રતિબંધ લદાય તો ય ઘણું ઇંધણ બચી શકે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ કાર્યક્ષમ બનાવોઃ આ ટાસ્ક મુશ્કેલ અને પડકારજનક છે, તો પણ અનિવાર્ય છે. કાર્યક્ષમ પબ્લિક ટ્રાન્સપોર્ટ હશે તો લોકો ઉપયોગ કરતા થશે. ઇંધણની બચતની સાથે સાથે મહાનગરોમાં ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા ય હળવી થશે. ભવિષ્યમાં વધતા જતા વાહનોની સંખ્યા અટકાવવા જરૂર પડ્યે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને નારાજ કરીને ય વ્હીકલ રેશનિંગ કરવું પડી શકે છે. આ સંજોગોમાં જાહેર પરિવહનને સક્ષમ બનાવ્યા સિવાય કોઇ છૂટકો જ નથી.

જાહેર સમારંભો-મિટીંગોનો અતિરેક ટાળોઃ મંત્રીઓ-નેતાઓને જાહેર સમારંભો અને ઉદઘાટનોનો શોખ હોય છે અને સરકારી બાબુઓને એમને ખુશ રાખવાનો શોખ હોય છે, પણ ટેકનોલોજીના આ યુગમાં વર્ચ્યુઅલ મિટીંગો કેમ ન કરી શકાય? કોઇક સ્કૂલ, હોસ્પિટલ, બ્રીજ કે બિલ્ડીંગ ઉદઘાટનના દેખાડા વિના સીધેસીધા ખુલ્લા કેમ ન મૂકી શકાય? અનિવાર્ય સંજોગોમાં રૂબરુ મિટીંગો જરૂરી છે, પણ રૂટીન મિટીંગ્સ તો ઓનલાઇન શક્ય જ છે. ફક્ત આટલું કડક રીતે અમલમાં મૂકાય તો પણ ઇંધણના સરકારી વપરાશમાં ખાસ્સો એવો ઘટાડો થઇ શકે.

આપણા વડીલો કહી ગયા છે કે, પછેડી હોય એટલી જ સોડ તાણવી. આજે ઇંધણની પછેડી ટૂંકી છે અને આપણી જરૂરિયાતની સોડ લાંબી છે એટલે બહેતર એ છે કે, આપણે જરૂરિયાતો (કે વપરાશ) ઓછી કરીએ. આ મુદ્દાઓનો જો કડક અમલ થાય તો સાદગી અને કરકસરનું એક ઉત્તમ ઉદાહરણ બની શકે છે, પણ મુદ્દો એ જ છે કે આવો કડક અમલ કરાવે કોણ?

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)