વર્ચ્યુઅલ લાઇફનું વળગણઃ હેલ્થ ક્રાઇસિસ સામે વેકઅપ કોલ?

દર વર્ષે બજેટ પહેલાં સંસદમાં રજૂ થતા આર્થિક સર્વેમાં સામાન્ય રીતે અર્થતંત્રના આકંડાઓની માયાજાળ હોય એટલે સામાન્ય લોકોને એમાં રસ ઓછો પડે, પરંતુ આ વર્ષે જે સર્વે રજૂ થયો એમાં એક વાત બહુ અગત્યની છે. એ છે દેશના વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં વધતું જતું ડિજિટલ એડીક્શન. સોશિયલ મિડીયા અને ઓટીટી પ્લેટફોર્મ્સ પાછળ સતત વધતો જતો સ્ક્રીન-ટાઇમ.

જી હા, ડિજિટલ એડીક્શનના કારણે દેશનો યુવા વર્ગ જે દિશામાં જઇ રહ્યો છે એને નિષ્ણાતો ગંભીર હેલ્થ (મેન્ટલ હેલ્થ) ક્રાઇસિસ અને હ્યુમન કેપિટલ સામેનો સૌથી મોટો પડકાર ગણાવી રહ્યા છે. સીધા સાદા અર્થમાં કહીએ તો દેશનો યુવા વર્ગ માનસિક સ્થિરતા ગુમાવી રહ્યો છે અને ભવિષ્યમાં આ માનસિક બિમારી બહુ મોટી હેલ્થ ક્રાઇસિસમાં પરિણમે એવી શક્યતા છે. સંસદમાં સત્તાવાર રીતે મૂકાયેલા અહેવાલના પ્રકરણ 16માં ડિજિટલ વેલબિઇંગની આ વાત કહેવાઇ છે એટલે એની ગંભીરતાને ગંભીરતાથી લેજો. દુનિયાભરના દેશોમાં આ વાત ગંભીરતાથી ચર્ચાઇ રહી છે અને સરકારો આ સમસ્યા સામે લડવાના ઉપાયો શોધી રહી છે.

કઇ રીતે સર્જાઇ રહી છે આ હેલ્થ ક્રાઇસિસ?

અમેરિકાની વિખ્યાત હાર્વડ-કેનેડી સ્કૂલના ફેબ્રુઆરી, 2025ના જર્નલમાં કેરોલિન બ્રુકમેન નામની લેખિકાનો એક લેખ પ્રકાશિત થયો છે. હાર્વડ અને સ્ટેનફર્ડની ડબલ ડિગ્રી ધરાવતી કેરોલિન આ સ્કૂલની લિડરશીપ એન્ડ હેપ્પીનેસ લેબોરેટરીમાં કામ કરે છે. ‘ધ ફ્રેન્ડશીપ રિસેશનઃ ધ લોસ્ટ આર્ટ ઓફ કનેક્ટીંગ’ એવું શીર્ષક ધરાવતા આ લેખમાં કેરોલિન લખે છે કે, અમેરિકામાં અત્યારે ફ્રેન્ડશીપ એટલે કે દોસ્તીના સંબંધોમાં ક્રાઇસિસ વર્તાય છે. લોકો એકબીજા સાથે કનેક્ટ થવાની કળા ગૂમાવી ચૂક્યા છે.

આ વાત કેરોલિન અધ્ધરતાલ નથી કહેતી. પોતાના લેખમાં એ અમેરિકામાં હાથ ધરાયેલા એક સર્વેને ટાંકે છે. આ સર્વેક્ષણ પ્રમાણેઃ

  • 2025માં અમેરિકામાં જેમને મિત્રો નથી એવા લોકોનું પ્રમાણ ચારગણું વધ્યું છે.
  • જેમને અગાઉ દસથી વધારે મિત્રો હતા એમનું પ્રમાણ ત્રણગણું ઘટ્યું છે.
  • અગાઉ અમેરિકનો અઠવાડિયે સરેરાશ 6.5 કલાક મિત્રો સાથે ગાળતા. અત્યારે એ પ્રમાણ ચાર કલાકથી નીચે આવી ગયું છે.
  • બહાર રેસ્ટોરાંમાં એકલા જમવાનું પ્રમાણ છેલ્લા બે જ વર્ષમાં 29 ટકા વધ્યું છે.
  • દસ વર્ષ પહેલાં અમેરિકન ટીનએજર્સ દિવસમાં 140 મિનીટ એટલે કે સવા બે કલાક મિત્રો સાથે ગાળતા એ આજે ફક્ત ચાલીસ મિનીટ ગાળે છે.
  • અને, વર્ષ 2015માં અમેરિકનોનો સરેરાશ સ્ક્રીન ટાઇમ દિવસમાં સાત કલાક હતો એ 2021માં વધીને 9 કલાક થઇ ચૂક્યો હતો. 2025ના અંતે એ એનાથી વધારે જ હોવાનો.

વેલ, આ બધા માટે મુખ્યત્વે તો સોશિયલ મિડીયા ઉપરાંત મોટા શહેરોની ફરતે વિકસી રહેલા સબ-અર્બન વિસ્તારોથી વધતો જતો ભૌગોલિક વ્યાપ, ગિગ ઇકોનોમી, ઘટતા જતા કમ્યુનિટી સ્થળો, બદલાઇ રહેલા સામાજિક-સાંસ્કૃતિક પરિબળો જેવા અન્ય કારણો પણ જવાબદાર છે, પરંતુ ડિજિટલ એડિક્શન અને વર્ચ્યુઅલ લાઇફનું વળગણ સૌથી મુખ્ય અને મહત્વનું કારણ છે.

અમેરિકામાં સર્જાઇ રહેલી આ ક્રાઇસિસ એટલી જોખમી છે કે, સ્ટેનફર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ તો એના સ્ટુડન્ટ્સ માટે ડીઝાઇન ફોર હેલ્ધી ફ્રેન્ડશીપ એટલે કે દોસ્તી કઇ રીતે વિકસાવી શકાય એ શીખવાડતા ક્લાસ શરૂ કર્યા છે.

સાવધાન રહેજો. આજે અમેરિકામાં જે સ્થિતિ છે એ આવતીકાલે ભારતમાં પણ સર્જાઇ શકે છે. સર્જાઇ શકે છે શું, ઓલરેડી સર્જાઇ રહી છે! ક્યારેક પ્રામાણિકતાપૂર્વક જાતને પૂછજો કે, તમે જેની સાથે નિખાલસ બનીને હૈયું ઠાલવી શકો એવા મિત્રો કેટલા? યાદ રહે, બહોળા વ્યાવસાયિક પરિચયો કે સંબંધો, મોટું સોશિયલ સર્કલ કે વ્યાપક સામાજિક સંપર્કો એ દોસ્તી નથી, દોસ્તીનો દેખાડો છે. મોબાઇલ નંબરની આપ-લે કરીને વ્હોટ્સએપમાં એકબીજાને હાઇ-હલ્લો કરવું એ દોસ્તી નથી, દોસ્તીની ભ્રમણા છે. મિત્રોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી મોંઘી જણસ બનતી જાય છે દોસ્તી.

નથી લાગતું કે ઇન્ટરનેટથી ચોતરફ ઘેરાયેલો માણસ વર્ચ્ચુઅલ ટોળાંની વચ્ચે એકલતા અનુભવી રહ્યો છે? સોશિયલ મિડીયામાં જે મિત્રો-ફોલોઅર્સ છે એ વાસ્તવિક મિત્રો નથી એવી સમજ તો આપણામાં ઓલરેડી વિકસી ચૂકી છે. શહેરોનો ભૌગોલિક વ્યાપ વધવાથી અંતર વધ્યુ છે એટલે વારે-તહેવારે એકબીજાને રૂબરૂ મળવાનું પ્રમાણ ઘટ્યું છે. દિવાળી જેવા તહેવારોમાં રૂબરૂ મળીને અપાતી શુભેચ્છાઓનું સ્થાન તો સોશિયલ મિડીયાએ ક્યારનું ય લઇ લીધું છે. વધતી જતી ભૌતિક જરૂરિયાતોના કારણે માણસ એક કરતાં વધારે આર્થિક પ્રવૃત્તિ કરતો થયો છે. સવારે એક જગ્યાએ નોકરી કરનાર સાંજે ફૂડ ડિલીવરી કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ માટે ડિલીવરીનું વધારાનું કામ કરતો થયો છે. આ ગિગ ઇકોનોમી આપણે ત્યાં પણ વિકસી ચૂકી છે. ઉપરાંત, પતિ-પત્નિ બન્ને કમાતા હોય એવા કપલ્સની સંખ્યા પણ સતત વધી રહી છે એટલે રૂબરૂ ન મળી શકાય તો કાંઇ નહીં, ફોન-મેસેજ તો છે જ ને એ વાત આપણે બધાએ સરળતાથી સ્વીકારી લીધી છે.

મિત્રો સાથેના સામાજિક મેળાવડાઓ વધ્યા છે, બહાર સાથે જમવા જવાનું પ્રમાણ વધ્યું છે, તહેવારોમાં સાથે ફરવા જવાનું પ્રમાણ વધ્યું છે, પણ એ વખતે લોકોને ફોટોઝ-વિડીયોઝ સોશિયલ મિડીયા પર મૂકવાની ઉતાવળ વધારે હોય છે, સાચા અર્થમાં મળવાનું કે વાતો કરવાનું બાજુએ રહી જાય છે.

કહેવાનો મતલબ એ જ છે કે વર્ચ્ચુઅલ લાઇફની ઝાકમઝોળ સામે વાસ્તિવક જિંદગીની રોશની ઝાંખી પડતી જાય છે. અને, ઝાંખી પડતી આ રોશનીમાં દોસ્તીનો દીપક ધીમે ધીમે એનું તેજ ગુમાવતો જાય છે.

અને, અહીં દોસ્તી એટલે ફક્ત પરંપરાગત અર્થમાં મિત્રતા એટલો જ અર્થ નથી. વાત સામાજિક સંબંધોમાં હોવી જોઇએ એ લાગણી અને હૂંફમાં આવી રહેલી ઓટની છે.

કોઇ દલીલ કરી શકે કે આપણી સામાજિક-કૌટુંબિક પ્રજા હજુ મજબૂત છે અને એ ઝડપથી તૂટી ન શકે. વાત સાચી ય છે કે પશ્ચિમના દેશોની સરખાણીએ આપણે ત્યાં સામાજિક સંબંધોના મૂળ ઊંડા છે એટલે આ ક્રાઇસિસ પ્રમાણમાં ઓછી લાગે, પણ એની સામે વાસ્તવિકતા એ ય છે કે એમની જેમ આપણે ત્યાં સામાજિક મુદ્દાઓ પર વૈજ્ઞાનિક ઢબે આવાં સર્વેક્ષણ પણ બહુ થતા નથી (થાય છે એ સાચાં હોતા નથી) એટલે આ ક્રાઇસિસ અસ્તિત્વમાં હોવા છતાં સપાટી પર દેખાતી નથી.

હા, ગઇ સદીમાં જન્મેલી પેઢીને કદાચ આ સમસ્યા એટલી નહીં અનુભવાતી હોય, પણ એકવીસમી સદીમાં દુનિયામાં ડોકિયું કરનાર પેઢી જે રીતે સ્ક્રીનટાઇમ વધારી રહી છે એ જોતાં ફ્રેન્ડશીપની આ ક્રાઇસિસ આજે નહીં તો આવતીકાલે એમને જરૂર અનુભવાશે. અને ત્યારે એ દિવસો દૂર નહીં હોય કે સ્ટેનફર્ડની માફક આપણી યુનિવર્સિટીઓએ પણ ફ્રેન્ડશીપ કરતા શીખવાડે એવા ક્લાસિસ શરૂ કરવા પડે. એકવીસમી સદીના બીજા ક્વાર્ટરનો આરંભ એના એંધાણ આપી રહ્યો છે.

-તો, એક અર્થમાં સંસંદમાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણનું પ્રકરણ 16 એ આ અહેવાલનું સૌથી અગત્યનું પ્રકરણ છે અને આવતી પચીસી માટેનો વેકઅપ કોલ છે. વાત ભાવિ પેઢી પર તોળાઇ રહેલી હેલ્થ અને સોશિયલ ક્રાઇસિસની છે ત્યારે દુનિયાના દેશોમાં એના પર શું વિચાર થઇ રહ્યો છે એની વાત આવતા વખતે…

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)