ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર નથી પાડ્યો… કેમ?

ગાંધીનગર– ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન તા.9 ડિસેમ્બર છે. આમ જોવા જઈએ તો આગામી 7 ડિસેમ્બર સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થશે. રવિવારથી ગણત્રી કરીએ તો માત્ર ને માત્ર પાંચ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. આ સમયગાળામાં ઉમેદવારોએ દરેક વિસ્તારની વાત કરીએ તો બે લાખથી વધારે મતદારોનો સંપર્ક કરવો પડે છે, આ કામ ઘણું જ કઠીન છે. બીજી મહત્વની વાત એ છે કે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજી સુધી ચૂંટણી ઢંઢેરો બહાર નથી પડાયો. ગુજરાતની પ્રજા આશ્રર્યમાં છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં એક વાત અતિમહત્વની બની રહી છે. સત્તાધારી ભાજપ પક્ષ કે કોંગ્રેસ પક્ષ દ્વારા આજની તારીખ સુધી પોતાના પક્ષનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી શક્યા નથી. બન્ને પક્ષો એક બીજાની રાહ જોતા રહ્યા છે અને પ્રથમ તબક્કાની ચૂંટણીની તારીખ ખુબ જ નજીક આવી ગઈ છે. ગુજરાતના ઇતિહાસમાં આ વખતે કદાચ પ્રથમ વખત આવું બની રહ્યું છે કે વિધાનસભાની તમામ બેઠકોની ચૂંટણી હોય અને ચૂંટણી ઢંઢેરો બહાર ન પડ્યો હોય. એટલું જ નહિ બેમાંથી એકેય પક્ષે ક્યારે જાહેર કરશે તેની જાહેરાત પણ કરી નથી.
બન્ને રાજકીય પક્ષના કાર્યકરોમાં પણ આ ચૂંટણી ઢંઢેરાનો મુદ્દો ચર્ચા સ્થાને બની ગયો છે. તો ક્યાંક ક્યાંક એવી વાતો પણ કાર્યકરોમાં ચર્ચાય છે કે ખોટા ચૂંટણી ઢંઢેરા બહાર પાડી શું કરવાનું. ઢંઢેરા મુજબ કોઈ વચનો પાળવામાં આવતા નથી. પરિણામે પ્રજાએ જુઠ્ઠાઓનો સામનો કરવો પડે છે. કાર્યકરો પ્રજા પાસે પ્રચારમાં જાય છે તો લોકો પૂછે છે કે ભાઈ તમારા પક્ષનો આગામી કાર્યક્રમ શું છે, જેમાં તમે પ્રજા માટે શું કરવા માંગો છો, ત્યારે કાર્યકરોની મુશ્કેલીઓ વધતી જાય છે.
આ વખતે વડાપ્રધાનથી લઇ પક્ષના ઉમેદવારો સુધી સૌ અર્જુનની આંખની જેમ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે અને આના પરિણામે આ ચૂંટણી ઢંઢેરાની વાત અભરાઈએ જતી રહી હોય તેમ આજની તારીખે દેખાઈ રહ્યું છે.