પાકિસ્તાનમાં ચમકી ગુજરાતની વિધાનસભા ચૂંટણી, વિદેશ મંત્રાલયે આરોપો અંગે કહ્યું કે…

અમદાવાદ– ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાન સરકારની દખલ અંગેના પીએમ મોદીએ કરેલા આરોપો અંગે પાકિસ્તાન સરકારમાં ખળભળાટ મચ્યો છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલે ટ્વીટ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાન દ્વારા દખલ કરવામાં આવી રહી હોવાના આરોપ ફગાવ્યાં છે.ડૉ. મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે પોતાની ચૂંટણી સભાઓમાં ભારતે પાકિસ્તાનને ઘસેડવાનું બંધ કરવું જોઇએ અને ષડયંત્રોના બદલે પોતાના દમ પર જીત મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ. આવા આરોપો બેબૂનિયાદ છે.

પીએમ મોદીએ રવિવારે ગુજરાતમાં રેલી સંબોધતાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથે મળીને કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના ઘેર પાકસ્તાનના પૂર્વ વિદેશપ્રધાન અને ઉચ્ચાયુક્તો સાથે કોંગ્રેસ નેતાઓની બેઠક થઇ હતી. આ આરોપોને નકારતાં કોંગ્રેસે બેઠક થઇ હોવાની વાતને રદીયો આપ્યો હતો પરંતુ પૂર્વ આર્મી ચીફ દીપક કપૂર તરફથી બેઠક થયાંની વાતની પુષ્ટિ કરવામાં આવતાં કોંગ્રેસ કરેલો દાવો ખોટો સાબિત થયો છે. આ બેઠકમાં ભારત-પાક સંબંધોની ચર્ચા થઇ હતી. તેમાં ચૂંટણીને લઇને વાત કરવામાં આવી નથી. કપૂરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઐયરના ઘેર આ બેઠક થઇ હતી પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ આવી કોઇ પણ બેઠક થવાની વાતનો ઇન્કાર કર્યો હતો.સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ બેઠકમાં પૂર્વ પીએમ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી, પૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહ, પૂર્વ સેનાધ્યક્ષ દીપક કપૂર સહિત ટોચના અન્ય ઓફિસરો પણ ઉપસ્થિત હતાં. આ બેઠક યોજાયાં બાદ ગુજરાતમાં અહેમદ પટેલને પીએમ બનાવવા માટે પાકિસ્તાનના ઉચ્ચ પદો પર બેઠેલાં લોકો સહયોગ કરી રહ્યાં હોવાનો આક્ષેપ વડાપ્રધાન મોદીએ ચૂંટણીસભામાં કર્યો હતો.