
Crow Pheasant અથવા Greater Coucal તરીકે અંગ્રેજીમાં ઓળખાતું અને
ગુજરાતીમાં હોક્કો, ધીયારો, ધુમ્કીયો અથવા કુકડીયો કુંભાર તરીકે ઓળખાતું આ પક્ષી મૂળે કોયલ કુળનું છે. જોકે, સામાન્ય કોયલની જેમ પોતાના ઈંડાં અન્ય પક્ષીના માળામાં મૂકીને બચ્ચાં ઉછેરવાને બદલે, આ પક્ષી નર અને માદા બંને મળીને પોતાનો માળો બનાવે છે અને બચ્ચાંનું પાલન-પોષણ કરે છે.
ખેતરો, જંગલો અને બાગ-બગીચાઓમાં સામાન્ય રીતે જોવા મળતું આ પક્ષી તેના ચમકદાર પીંછા અને ચટક લાલ આંખોને કારણે અલગ તરી આવે છે. લાંબી ઉડાન ભરવામાં તે ખાસ કુશળ નથી. તેથી સામાન્ય રીતે ઝાડની નીચે, ઝાડીઓમાં અથવા એક ડાળીથી બીજી ડાળી સુધી ટૂંકી ઉડાન ભરતું જોવા મળે છે.
ભારતીય સંસ્કૃતિમાં, ખાસ કરીને હિન્દી ભાષામાં, તેને ભારદ્વાજ પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકમાન્યતા મુજબ આ પક્ષીના દર્શન શુભ માનવામાં આવે છે અને તેને સારા સંકેતનું પ્રતીક ગણવામાં આવે છે.




