શું તમે ક્યારેય એવું પક્ષી જોયું છે, જે તમારી સામે જમીન પર બેઠું હોય છતાં નજરે ન ચડે? એવો જ એક અદ્ભુત અને
રહસ્યમય પક્ષી છે — સાઈક્સ નાઈટજાર, જેને ગુજરાતીમાં આપણે ‘રેતાળ છાપદારો’ તરીકે ઓળખીએ છીએ. પક્ષીપ્રેમી હોવ કે પ્રકૃતિના રસિયા, આ પક્ષી વિશે જાણવું ચોક્કસપણે રોમાંચક અનુભવ છે.
સાઈક્સ નાઈટજાર નિશાચર પક્ષી છે, જે મુખ્યત્વે રાત્રિના સમયે સક્રિય રહે છે. તેનું નામ પ્રખ્યાત પક્ષીશાસ્ત્રી વિલિયમ હેનરી સાઈક્સના નામ પરથી પડ્યું છે. આ પક્ષી પાકિસ્તાન અને ભારતના વાયવ્ય વિસ્તારોમાં જોવા મળે છે, ખાસ કરીને ગુજરાતના કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન–વેળાવદર અને કચ્છના રણમાં તેનું વિશેષ પ્રમાણ છે.
આ પક્ષીની સૌથી વિશેષ ઓળખ તેની અદભુત છદ્માવરણ (Camouflage) ક્ષમતા છે. તેનો રંગ અને ડિઝાઇન સુકી રેતી અને પથ્થરો જેવી જ હોવાથી, દિવસે જ્યારે તે જમીન પર શાંતિથી બેઠું હોય ત્યારે તે પથ્થરનો ટુકડો હોય એવું જ લાગે છે. આ કુદરતી આવરણ તેને શિકારી પ્રાણીઓથી બચાવે છે અને તેની સુરક્ષા માટે ઢાલ બની રહે છે.

સાઈક્સ નાઈટજારને ખુલ્લી અને સૂકી જમીન વધુ ગમે છે. તે અન્ય પક્ષીઓની જેમ ઝાડ પર માળો બનાવતું નથી, પરંતુ સીધું જમીન પર જ ઈંડા મૂકે છે. આશ્ચર્યની વાત એ છે કે તેના ઈંડા પણ જમીન સાથે એટલા ભળી જાય છે કે શોધવા અત્યંત મુશ્કેલ બની જાય છે.
સૂર્ય અસ્ત થતાની સાથે જ આ ‘રેતાળ છાપદારો’ સક્રિય બને છે. તેની મોટી આંખો તેને અંધારામાં સ્પષ્ટ જોવા મદદ કરે છે. તેની ઉડાન અત્યંત શાંત અને નિઃશબ્દ હોય છે. તે રાત્રિના સમયે હવામાં ઉડતા ફુદા (Moths), ભમરા અને અન્ય નાના જીવજંતુઓનો શિકાર કરે છે. રાત્રિના શાંતિભર્યા વાતાવરણમાં આવતો તેનો સતત ‘ચક-ચક-ચક’ જેવો અવાજ એક અલગ જ માયાવી માહોલ સર્જે છે.
શિયાળાની ઋતુમાં આ પક્ષી ખાસ કરીને પક્ષીપ્રેમીઓ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. અનેક લોકો આ રહસ્યમય પક્ષીને કેમેરામાં કેદ કરવા ખાસ કરીને ગુજરાતના કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન -વેળાવદર અને કચ્છના રણમાં આવે છે.


