‘ફેરારી કી સવારી’ માટે આમિર ખાન આવી શક્યા નહીં!  

ફિલ્મ ‘ફેરારી કી સવારી’ (2021) કેવી રીતે બની એના કરતાં ફિલ્મ માટે ફેરારી કાર કેવી રીતે મેળવવામાં આવી અને એમાં આમિર ખાન કેમ ના આવ્યા એની નિર્દેશક રાજેશ માપુસકરે કહેલી વાતો બહુ રસપ્રદ છે. રાજેશ જ્યારે નિર્દેશક રાજકુમાર હીરાની સાથે સહાયક તરીકે કામ કરતાં હતા ત્યારે વિધુ વિનોદ ચોપડાએ રાજેશને નિર્દેશક તરીકે કામ શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

રાજકુમારે જ એમને ફિલ્મની વાર્તાનો વિચાર આપ્યો હતો. અને કહ્યું હતું કે એક પ્રામાણિક માણસ છે. તેને ફેરારીની જરૂર છે. તે એક દિવસ માટે કારની ચોરી કરે છે. એ પછી તેનો સંઘર્ષ ચોરી કરવાનો નથી પણ તેને પાછી મૂકવાનો છે. રાજેશ ઉત્સાહિત થઈ ગયા અને લખવાનું શરૂ કર્યું.

એ સમય દરમ્યાન વિધુ વિનોદનો પુત્ર અગ્નિ જે પાછળથી ક્રિકેટર બન્યો તે પણ ત્યારે નાનો હતો અને ક્રિકેટ રમતો હતો. એના પરથી વિચાર્યું કે આ એક નાનો બાળક છે જે ક્રિકેટ રમે છે. પિતા તેના માટે કંઈક કરવા માંગે છે. ધીમે ધીમે એમાં વાર્તા ખુલવા લાગી. રાજકુમારે આ સ્ક્રિપ્ટ સાથે મળી લખવા સાથે સંવાદ પણ લખી આપ્યા હતા. જ્યારે વાર્તા તૈયાર થઈ ગઈ ત્યારે રાજકુમારે પૂછ્યું કે હીરો તરીકે કોનું નામ વિચાર્યું છે? ત્યારે રાજેશે આમિર ખાનનું નામ આપ્યું હતું. રાજકુમારે કહ્યું કે તું ગાંડો થઈ ગયો છે? આ તારી પહેલી ફિલ્મ છે.

રાજકુમાર વઢયા એટલે આમિરનું નામ લેવાનું બંધ કર્યું. પણ એક દિવસ એમણે જ ફોન કરીને કહ્યું કે આમિર આવી રહ્યા છે તું આવી જા. રાજકુમારે કહ્યું કે તારી ઈચ્છા છે એટલે આમિરને બોલાવ્યો છે. તું વાર્તા સંભળાવી દેજે. અસલમાં રાજકુમારે રાજેશ પહેલાં પોતાની ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ ની વાર્તા પણ આમિરને સંભળાવવાની હતી. આમિર આવ્યા અને પહેલાં ‘થ્રી ઈડિયટ્સ’ ની વાર્તા સંભળાવી. જે પસંદ આવી ગઈ એટલે ‘ફેરારી કી સવારી’ ની વાત બાજુ પર રહી ગઈ. પછી રાજકુમારે સૂચન કર્યું કે શરમન જોશીને લઈ લો.

રાજેશ માપુસકરે કહ્યું કે મેં આમિરને મનમાં રાખીને વાર્તા તૈયાર કરી છે. શરમનને કેવી રીતે ફિટ કરી શકીશ? ત્યારે શરમને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં મારી પાસેથી જેટલા ઓડિશન લેવા હોય એટલા લો અને જ્યારે તમને લાગે કે આ તમારો ‘રુસ્તમ’ છે ત્યારે હા કહેજો. અને શરમને ઘણા બધા એટલે 38 ઓડિશન આપ્યા. વજન વધાર્યું-ઘટાડ્યું, વાળ વધાર્યા, મૂછો વધારી. તેણે ઘણી બધી વસ્તુઓ કરી. ઘણા દ્રશ્યો લખાયા હતા તે કર્યા. પછી એક સમયે રાજેશને લાગ્યું કે તે ‘રૂસ્તમ’ જેવો દેખાય છે. તે બધા લોકોના પિતા જેવો દેખાય છે. તેથી વિનોદ ચોપડાને કહ્યું કે હવે ફિલ્મ બનાવીએ. અને શરમનનું પાત્ર પારસી હતું એટલે એના પિતા તરીકે બોમન ઈરાની શ્રેષ્ઠ પસંદગી બની રહ્યા.

રાજેશ માપુસકરને નિર્દેશક તરીકે જ્યારે પહેલી ફિલ્મ ‘ફેરારી કી સવારી’ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે સૌથી મોટી સમસ્યા એ મોંઘી કાર મેળવવાની હતી.

(ફિલ્મ માટે નિર્દેશક રાજેશ માપુસકરે અસલી ફેરારી કાર કેવી રીતે મેળવી એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)