સોહમ શાહે ‘કાલ’ પહેલાં રિમેક ફિલ્મ લખી હતી!

નિર્દેશક સોહમ પી. શાહે ‘કાલ’ (2005) પહેલાં વિવેક ઓબેરોયને બીજી જ કોઈ ફિલ્મ માટે સાઇન કર્યો હતો. અને ‘કાલ’ની વાર્તા માટે નિર્માતા યશ જોહરે પહેલાં સોહમની મજાક ઉડાવી હતી અને પરીક્ષા લીધી હતી. સોહમની બોલિવૂડની પ્રથમ ફિલ્મ ‘કાલ’ સાથેની અનેક રસપ્રદ વાતો જાણવા જેવી છે. રામગોપાલ વર્માની ‘ભૂત’ (2003) અને કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’ (2006) માં સહાયક તરીકે કામ કરનાર સોહમે જ્યારે નિર્દેશક બનવાનું નક્કી કર્યું ત્યારે એની વાર્તા લખવા અમેરિકા ભાઈને ત્યાં જતાં રહ્યા હતા.

એક વાત એ હતી કે એમને હોરર ફિલ્મ બનાવવી હતી. બીજું એ પણ નક્કી કર્યું હતું કે નાના બજેટની ફિલ્મ બનાવવી જેથી કોઈપણ નિર્માણ કરવા તૈયાર થઈ જાય. ત્યાં ભાઈએ એક ફિલ્મ ‘ફાઇનલ ડેસ્ટિનેશન’ બતાવી. એ ઘણી લોકપ્રિય થઈ હતી. એટલે એની રિમેક બનાવવાનો વિચાર કર્યો અને બે મહિનામાં એની સ્ક્રિપ્ટ લખીને મુંબઇ આવી ગયા. સોહમને કરણ જોહરે કહી રાખ્યું હતું કે તું જ્યારે તારી પહેલી ફિલ્મ લખે ત્યારે મને સૌથી પહેલાં વાંચવા આપજે. જ્યારે સોહમની મુલાકાત કરણ સાથે થઈ ત્યારે એણે સ્ક્રિપ્ટ વાંચવા માંગી. પણ સોહામનું કહેવું હતું કે આ ફિલ્મ ભયાનક અને વિચિત્ર છે. તમારા જોનરની નથી. કરણે આગ્રહ કર્યો એટલે વાંચવા આપી. સોહમના આશ્ચર્ય વચ્ચે કરણે સ્ક્રિપ્ટ પસંદ કરી લીધી અને ફિલ્મનું નિર્માણ કરવા તૈયારી બતાવી. કરણ અને સોહમે ફિલ્મ માટે હીરો તરીકે વિવેક ઓબેરોયને લેવાનું નક્કી કર્યું. સોહમે વિવેકને વાત કરી અને એણે હા પાડી દીધી.

વિવેકે સાઇનિંગ એમાઉન્ટ લઈ લીધી અને કહ્યું કે તે તારીખો નક્કી કરીને આપશે. એ સમય પર વિવેક સ્ટાર બની ગયો હતો. સોહમ તારીખો મળવાની રાહ જોઈ રહ્યા હતા. પણ તે આપતો ન હતો. એક દિવસ સોહમે કહ્યું કે આ ‘ધર્મા પ્રોડકશન’ ની ફિલ્મ છે. તું તારીખ કેમ આપતો નથી? ત્યારે એણે સ્થિતિ બતાવી કે મને ‘ફાઇનલ ડેસ્ટિનેશન’ ની બીજી એક રિમેક મળી રહી છે. એનું નિર્દેશન અબ્બાસ – મસ્તાન કરી રહ્યા છે. તે મોટા નિર્દેશક છે અને નામ મોટું છે.

સોહમે પૂછ્યું કે તારે શું કરવું છે? ત્યારે સોહમ નવો હતો અને પહેલી જ ફિલ્મ હતી એટલે વિવેકે કહ્યું કે એ મોટા નિર્દેશક છે અને એમની ફિલ્મ કરવી છે. સોહમે એને છૂટો કરી દીધો અને કરણ જોહરને વાત કરી. કરણે કહ્યું કે મને તારી સ્ક્રિપ્ટ પસંદ આવી છે. તારે નક્કી કરવાનું છે કે વિવેક સાથે બનાવવી છે કે બીજા કોઈ હીરો સાથે.

સોહમે વિચાર કરવા સમય લીધો અને વિચાર્યું કે મારી પહેલી ફિલ્મ છે અને એક રિમેક છે. આખી જિંદગી એમ સાંભળવું પડશે કે પહેલી ફિલ્મ જ રિમેક બનાવી હતી. અને બોલિવૂડમાં અગાઉ બે ફિલ્મ ‘ભગતસિંહ’ પર એકસાથે આવી ગઈ હતી. એની જેમ એક જ અંગ્રેજી ફિલ્મ પર બે ફિલ્મ બને એ બરાબર ન હતું. આ સમય અને પૈસાનો બગાડ જ કહેવાશે. સોહમે એ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો અને કરણને કહ્યું કે ત્રણ મહિનામાં બીજી અસલ સ્ક્રિપ્ટ લખશે અને એ ફરી તમારી સમક્ષ આવશે. સોહમે ફિલ્મ ‘કાલ’ લખવાનું શરૂ કર્યું. જ્યારે તે ‘કાલ’ ની સ્ક્રિપ્ટ લઈને કરણ પાસે ગયો ત્યારે એણે તો પસંદ કરી લીધી હતી પણ એના પિતા યશ જોહરે એની પરીક્ષા લીધી હતી.

(યશ જોહરે સોહમની કેવી પરીક્ષા લીધી અને એમાં તે કેવી રીતે પાસ થયો એ ઉપરાંત કાલ માં નવા કલાકારોને બદલે સ્ટાર્સ કેમ લેવામાં આવ્યા એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)