ટીકુ તલસાણિયાએ હાસ્ય કલાકાર તરીકે આમિર ખાન સાથે ઘણી ફિલ્મો કરી છે. એમાં ‘દિલ હૈ કિ માનતા નહીં’
(1991) ના એક દ્રશ્યમાં ફેરફાર કરાવ્યો હતો એ કિસ્સો સૌથી વધુ યાદગાર રહ્યો છે. નિર્દેશક મહેશ ભટ્ટે એક દિવસ ટીકુને બોલાવીને કહ્યું કે આ ફિલ્મ કરવાની છે અને ટીકુએ તરત જ હા પાડી દીધી હતી. એમાં એક સરસ દ્રશ્ય આમિર ખાન સાથેનું હતું.
એ કિસ્સો યાદ કરતાં ટીકુએ એક મુલાકાતમાં કહ્યું છે કે આમિર સાથે પહેલી ફિલ્મ હતી અને તે પરકેશનિસ્ટ હોવાથી કામ કરવામાં છુપો ડર પણ રહ્યો હતો. એ દ્રશ્યમાં ટીકુ બાથરૂમમાંથી બહાર આવે છે અને બબડે છે કે બધા લોકો મારા પૈસા ખાઈ જાય છે. ત્યારે ટેબલ પર રૂપિયાનું બંડલ પડેલું જુએ છે અને પૂછે છે કે આ કોણ આપી ગયું છે? કોઈ કહે છે કે રઘુ જેટલી (આમિર ખાન) આવ્યો હતો અને આપી ગયો છે. તે જઈ રહ્યો હોય છે એટલે ટીકુ એની પાછળ ભાગીને જાય છે અને પૂછે છે કે શું થયું?

આમિર માફી માંગીને કહે છે કે જે કહાની આપને બતાવી રહ્યો હતો એ બની શકી નથી. ત્યારે ટીકુ એને બંડલમાંથી રૂપિયા કાઢીને આપે છે અને કહે છે કે પછી જોયું જશે. અને રઘુ પૈસા લઈ જતો રહે છે. જ્યારે ફિલ્મનું સંપૂર્ણ શુટિંગ પૂરું થઈ ગયું અને રજૂઆત નજીક હતી ત્યારે મહેશ ભટ્ટનો ફોન આવ્યો કે તું ફિલ્મસિટી સ્ટુડિયોમાં આવી જા. ટીકુએ નવાઈથી પૂછ્યું કે શું થયું? ત્યારે એમણે કહ્યું કે આ આમિર! એણે તારી સાથેના દ્રશ્યમાં સમસ્યા ઊભી કરી છે. ટીકુને થયું કે ફિલ્મમાં એક સારું દ્રશ્ય છે એ પણ જતું રહેવાનુ છે. તે સ્ટુડિયો પહોંચ્યા ત્યારે આમિર હાજર હતો. તેણે આદરથી ટીકુને ખુરશી આપીને બેસવા કહ્યું.

આમિરે પછી કહ્યું કે મેં 25 વખત ફિલ્મને જોઈ છે અને એમાં મને એક જ બાબત ખાટકી રહી છે કે હું તમારી પાસે રૂપિયા લઈ લઉં છું. એ રૂપિયા મારે લેવા ના જોઈએ. જો હું તમારી પાસેથી રૂપિયા લઇશ તો અગાઉની પૂજા ભટ્ટના પિતા સાથેની જે વાર્તા છે તે ખોટી પડશે. ટીકુએ પૂછ્યું કે હવે શું કરવું છે? ત્યારે આમિરે કહ્યું કે તમે મને એ જ રીતે રૂપિયા આપો. હું એને તમારા હાથમાં પાછા મૂકીને જતો રહીશ. અને આમિરે એ દ્રશ્ય ફરીથી કરાવ્યું. આ બાબતથી ટીકુ આમિર ખાનથી બહુ પ્રભાવિત થયા હતા. કેમકે એ ફિલ્મની દરેક બાબત માટે વિચાર કરતાં હતા.





