દિલીપકુમાર ‘મશાલ’ની ભૂમિકા સમજ્યા

દિલીપકુમારની ‘મશાલ’ (૧૯૮૪) ની વિનોદકુમારની ભૂમિકાની બહુ પ્રશંસા થઇ હતી પણ એ ભૂમિકાને સમજવામાં એમને બહુ સમય લાગ્યો હતો. લેખકે જાવેદ અખ્તરે સલીમ ખાનથી અલગ થયા પછી નિર્માતા- નિર્દેશક યશ ચોપરા માટે ‘મશાલ’ ની વાર્તા લખી હતી. જે વાર્તા જાણીતા મરાઠી લેખક વસંત કાંટેકરના નાટક ‘અશ્રુંચી ઝાલી ફુલે’ પરથી તૈયાર કરવામાં આવી હતી. વર્ષો પહેલાં નિર્દેશક સત્યેન બોઝે પણ આ નાટક પરથી અશોકકુમાર, નિરુપા રૉય અને દેવ મુખર્જી સાથે ‘આંસુ બન ગયે ફૂલ’ બનાવી જ હતી.

જાવેદ પાસેથી વાર્તા સાંભળીને દિલીપકુમારે ‘વિનોદકુમાર’ ની ભૂમિકા માટે હા પાડી દીધી અને બીજા કલાકારોની પસંદગી વગેરેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ. ફિલ્મમાં ‘રાજા’ ની ભૂમિકા જાવેદ અખ્તરે અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને લખી હતી. પરંતુ આ ભૂમિકા માટે સૌપ્રથમ કમલ હસનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કમલને ભૂમિકા પસંદ ના પડતાં રસ બતાવ્યો ન હતો. ત્યારે જાવેદની ભલામણથી અનિલ કપૂર આવ્યો હતો. અનિલે ભૂમિકાને એવો ન્યાય આપ્યો કે ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મેળવી ગયો હતો.

એક રસપ્રદ કિસ્સો એવો છે કે ‘મશાલ’ માં બીજો અનિલ કપૂર નામનો અભિનેતા હતો. જે પાછળથી અન્નુ કપૂર નામથી ઓળખાય છે. અન્નુએ ‘મશાલ’ માં એક નાનકડી ભૂમિકા નિભાવી હતી. જ્યારે અન્નુ એના મહેનતાણાનો રૂપિયા ચાર હજારનો ચેક લેવા ગયો ત્યારે એને રૂપિયા દસ હજારનો મળ્યો હતો. તેને એમ હતું કે સારા કામને કારણે વધારે ફી આપવામાં આવી છે. અસલમાં એ અનિલ કપૂરને ચૂકવવાની રકમનો એક ચેક હતો. અને સરખા નામને કારણે અન્નુને મળ્યો હતો. જે પછી તેની પાસેથી પરત લેવામાં આવ્યો હતો. ફિલ્મનું શુટિંગ શરૂ થવાના એક મહિના પહેલાં દિલીપકુમારે જાવેદ અખ્તરને ફરીથી વાર્તા સંભળાવવા માટે કહ્યું હતું.

જાવેદે એમની ભૂમિકા સહિતની વાર્તા સંભળાવી હતી. અને જ્યારે ફિલ્મનું શુટિંગ શરૂ થવાનું હતું એના એક દિવસ પહેલાં વળી જાવેદ અખ્તરને વાર્તા સંભળાવવા બોલાવ્યા હતા. યશ ચોપરાએ પણ ભલામણ કરી કે વધુ એક વખત દિલીપકુમારને વાર્તા સંભળાવી આવો. જાવેદે એમને વાર્તા જરૂર સંભળાવી પણ સાથે પૂછી જ લીધું કે કેમ વારંવાર સાંભળી રહ્યા છો? ત્યારે દિલીપકુમારે ખુલાસો કર્યો હતો કે એમને વાર્તા તો સરળ લાગી રહી છે પણ એમનું પાત્ર એટલું મુશ્કેલ લાગે છે કે એને સમજવામાં મુશ્કેલી પડી રહી છે. તે ભૂમિકાને બરાબર સમજવા વારંવાર વાર્તા સાંભળી રહ્યા હતા. જાવેદ અખ્તરે વાર્તા એટલી સરસ લખી હતી અને દિલીપકુમારે એ પાત્રને એટલું સરસ રીતે સમજીને નિભાવ્યું કે ફિલ્મફેર એવોર્ડસમાં શ્રેષ્ઠ વાર્તાલેખક તરીકે જાવેદનું અને શ્રેષ્ઠ અભિનેતા તરીકે દિલીપકુમારનું નામાંકન જરૂર થયું હતું.