‘ચુનરી ચુનરી’ શબ્દોએ ગીતને નંબર વન બનાવ્યું!

બૉલિવૂડમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે ઇતિહાસ રચાઈ જાય તેની કોઈ ખાતરી હોતી નથી. ક્યારેક મોંઘા સ્ટુડિયોની બેઠકોમાં નહીં, પણ સાવ સાહજિક પળોમાં એવાં ગીતો બની જાય છે, જે દાયકાઓ સુધી લોકોના દિલ પર રાજ કરે છે. સલમાન ખાન અને સુષ્મિતા સેનની સુપરહિટ ફિલ્મ ‘બીવી નંબર વન’ (Biwi No. 1, 1999)નું આવું જ એક ગીત ‘ચુનરી ચુનરી’ (Chunari Chunari) છે.

વાત છે તે સમયની, જ્યારે સંગીતકાર અનુ મલિક પોતાના પરિવાર સાથે વેકેશન માણવા ગોવા ગયા હતા. તે જમાનામાં મ્યુઝિક કમ્પોઝ કરવા માટે કેસેટ્સ સાથે રાખવી પડતી હતી, પણ અનુ મલિક કેસેટ લઈ જવાનું ભૂલી ગયા હતા! સંગીતકારનું મગજ તો સતત સૂર અને તાલમાં જ રચ્યુંપચ્યું રહેતું હોય છે. એક દિવસ તેઓ પરિવાર સાથે ગોવાના સુંદર દરિયાકિનારે ચાલી રહ્યા હતા ત્યારે અચાનક મગજમાં એક અદ્ભુત અને મધુર ધૂન ટપકી પડી.

ધૂન તો મગજમાં આવી ગઈ, પણ ડર એ હતો કે ક્યાંક તેઓ આ ધૂન ભૂલી ન જાય! ત્યારે નાની દીકરી અનમોલ તેમની સાથે જ હતી. અનુએ દીકરીને કહ્યું, ‘બેટા, આ ટ્યુન તારા મગજમાં બરાબર ફિટ કરી લે અને યાદ રાખજે.’ નાની અનમોલે પપ્પાની આ વાતને બહુ ગંભીરતાથી પકડી લીધી અને તે રસ્તામાં ‘આજા ના છૂ લે મેરી ચુનરી સનમ…’ ગણગણવા લાગી. સાથે જ ‘ચુનરી’ શબ્દ પણ મગજમાં આવી ગયો.

સમય વીતતો ગયો અને અનુ મલિક આખી ઘટના ભૂલીને બીજાં ગીતો બનાવવામાં વ્યસ્ત થઈ ગયા. ઘણા દિવસો પછી ફિલ્મ ‘બીવી નંબર વન’ (Biwi No. 1)ના નિર્દેશક ડેવિડ ધવન અને નિર્માતા વાશુ ભગનાની ગીતકાર સમીર સાથે અનુ મલિકના ઘરે પહોંચ્યા. ડેવિડ ધવને કહ્યું, ‘યાર, ફિલ્મ માટે કોઈ એકદમ ધમાકેદાર અને મસ્તીવાળું આઇટમ પ્લે જેવું ગીત જોઈએ છે.’

અનુ મલિકે બે-ત્રણ ટ્યુન સંભળાવી, પણ ડેવિડ ધવનના ચહેરા પર ઉત્સાહ ન દેખાયો. તેઓ ખુશ ન થયા. અચાનક અનુ મલિકના દિમાગની બત્તી થઈ કે ગોવામાં એક જબરદસ્ત ધૂન બની હતી! તકલીફ એ હતી કે અનુ ખુદ એ ટ્યુન ભૂલી ગયા હતા. તેમને પોતાની દીકરી અનમોલ યાદ આવી. તેમણે તરત જ નાની અનમોલને બોલાવી.

ડેવિડ ધવન અને બાકીના દિગ્ગજો સોફા પર બેઠા હતા અને નાની બાળકીએ પોતાના તોતડા અંદાજમાં બાળપણની માસૂમિયત સાથે એ ધૂન ગાઈને સંભળાવી. દીકરીના મોઢેથી એ સૂર અને શબ્દો સાંભળતાંની સાથે જ અનુ મલિકને આખી ટ્યુન યાદ આવી ગઈ.

ત્યાં હાજર ગીતકાર સમીરજીને એ લાઇન એટલી બધી ગમી ગઈ કે તેમણે તરત જ કલમ ઉપાડી અને આગળની શાનદાર લાઇન જોડી દીધી. મુખડાની કલ્પના અનુ મલિકે કરી હોવાથી ગીતકાર તરીકે સમીરની સાથે એમનું નામ પણ જોડવામાં આવ્યું.

ડેવિડ ધવનને ગીત પસંદ આવી ગયું, પણ એમને લાગ્યું કે આમાં હજુ થોડી કસર બાકી છે. તેમણે કહ્યું, ‘અનુ, આમાં કંઈક એવો મસાલો અને તડકો ઉમેર કે પબ્લિક ગાંડી થઈ જાય!’

અનુ મલિકે મસ્તીમાં માઇક સામે ગાઈ નાખ્યું—‘ચુનરી ચુનરી, ચુનરી ચુનરી.’ આ સાદા શબ્દો અને તેની કેચી બીટથી એવો જાદુ પથરાયો કે આખો દેશ આ શબ્દોના તાલે ઝૂમી ઊઠ્યો.

આ ગીતને માત્ર સંગીતે જ નહીં, ગાયકોએ પણ ઓર ઊંચાઈ આપી. ગીતમાં અભિજીત સાથે દમદાર અવાજ આપવા માટે અનુરાધા શ્રીરામની પસંદગી કરવામાં આવી હતી, જેથી ગીતની મસ્તી વધુ બહાર આવે. ગીતકાર સમીરની કલમ અને ડેવિડ ધવનની ખાસ માંગથી ઉમેરાયેલા ‘ચુનરી ચુનરી’ શબ્દોની કેચી બીટે સલમાન ખાનના આ ગીતને બૉલિવૂડનું નંબર વન સુપરહિટ ગીત બનાવી દીધું.