કાદર ખાનને અભિનયમાં લાવનાર દિલીપકુમાર હતા!

કાદર ખાનને ફિલ્મી દુનિયામાં લાવવાનું શ્રેય મહાન અભિનેતા દિલીપ કુમારને જાય છે. કાદર ખાને સૌથી પહેલા ફિલ્મ સગીના (1974) માટે શૂટિંગ કર્યું હતું, પરંતુ રિલીઝના ક્રમમાં તેમની રાજેશ ખન્ના સાથેની ફિલ્મ દાગ (1973) પહેલા આવી હતી. તેથી રેકોર્ડ મુજબ દાગ તેમની પ્રથમ ફિલ્મ માનવામાં આવે છે. જોકે, કાદર ખાનને પહેલી વાર અભિનય કરવાની તક આપનાર દિલીપકુમાર જ હતા. તેઓ કાદર ખાનના નાટકથી એટલા પ્રભાવિત થયા કે તરત જ તેમને સગીનામાં કામ આપવાનું નક્કી કર્યું.

ફિલ્મોમાં આવતાં પહેલા કાદર ખાન મુંબઈની એમ.એચ. સાબુ સિદ્દીક એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર હતા. સાથે સાથે તેઓ નાટકો લખતા અને તેમાં અભિનય પણ કરતા હતા. તેમનું નાટક તાશ કે પત્તે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ નાટકની ચર્ચા પ્રસિદ્ધ કોમેડિયન આગા મારફતે દિલીપકુમાર સુધી પહોંચી. દિલીપકુમાર આ નાટક જોવા એટલા ઉત્સુક થયા કે તેમણે પોતે જ કાદર ખાનને ફોન કર્યો.

આ ફોન કોલનો પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. જ્યારે કાદર ખાન કોલેજમાં હતા ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે “યુસુફ ખાન” નામના કોઈ વ્યક્તિનો ફોન છે. શરૂઆતમાં તેઓ ઓળખી ન શક્યા, પરંતુ જ્યારે સામેથી અવાજ આવ્યો કે “જેને દુનિયા દિલીપકુમાર તરીકે ઓળખે છે,” ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. દિલીપકુમારે નાટક જોવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે કાદર ખાને બે શરતો મૂકી—સમયસર આવવું અને આખું નાટક જોવું. દિલીપકુમારે ખુશીથી બંને શરતો સ્વીકારી.

નાટક જોયા પછી દિલીપકુમાર એટલા પ્રભાવિત થયા કે તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ સ્ટેજ પર જઈ કાદર ખાનને ગળે મળ્યા અને તરત જ પોતાની ફિલ્મ સગીના માટે સાઈન કરી લીધા. આ ફિલ્મમાં કાદર ખાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ત્યારબાદ દિલીપકુમારે તેમને પોતાની બીજી ફિલ્મ બૈરાગમાં પણ તક આપી અને સંવાદ લખવાનું કામ પણ સોંપ્યું.

કાદર ખાનની કારકિર્દીની શરૂઆત લેખક તરીકે ફિલ્મ જવાની દીવાની (1972)થી થઈ હતી, જે તેમને નરેનદ્ર બેદીએ આપી હતી. તેમના સંવાદો એટલા પ્રભાવશાળી હતા કે તેઓ ઝડપથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા બન્યા. આગળ જતાં કાદર ખાને 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને 250થી વધુ ફિલ્મોના સંવાદો લખ્યા.

કાદર ખાન હંમેશા કહેતા કે દિલીપકુમાર જ તેમને ફિલ્મી દુનિયામાં લાવનાર અને સાચા અર્થમાં “સ્ટાર” બનાવનાર વ્યક્તિ હતા. એક સામાન્ય પ્રોફેસરથી લઈને બોલિવૂડના દિગ્ગજ બનવાની તેમની સફર એક ફોન કોલથી શરૂ થઈ—અને આ કિસ્સો ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય બની ગયો.