કિશોરદાએ ‘મુસાફિર’ ગીતને ગતિ આપી!

કિશોરકુમાર માત્ર શબ્દોના સૂર જ નહોતા પકડતા પણ એની પાછળની પરિસ્થિતિને પોતાના અવાજમાં લાવી શકતા હતા. ગુલઝાર અને કિશોરકુમાર વચ્ચેના અનેક કિસ્સાઓમાંથી એક એવો કિસ્સો છે જે તેમની વચ્ચેની પરસ્પર સમજ અને કિશોરદાની અદભૂત કલ્પનાશક્તિને દર્શાવે છે.

આ કિસ્સો ફિલ્મ ‘પરિચય’ (1972) ના સુપરહિટ ગીત ‘મુસાફિર હૂં યારો…’ ના રેકોર્ડિંગ સમયનો છે. ગુલઝાર જણાવે છે કે આ ગીતના રેકોર્ડિંગમાં એક એવી ઘટના ઘટી જેણે ગીતના આખા મૂડને બદલી નાખ્યો હતો. જ્યારે પંચમ દા (આર.ડી. બર્મન) એ આ ગીતની ધૂન તૈયાર કરી અને ગુલઝારે શબ્દો લખ્યા ત્યારે કિશોરકુમાર સ્ટુડિયોમાં આવ્યા.

‘મુસાફિર હૂં યારો, ના ઘર હૈ ના ઠિકાના…’ ગીતનું રેકોર્ડિંગ શરૂ થાય તે પહેલાં કિશોરદાએ અચાનક પંચમદા અને ગુલઝારને પૂછ્યું, ‘આ મુસાફર ચાલીને જાય છે કે ગાડીમાં?’ ગુલઝાર થોડા નવાઈ પામ્યા અને કહ્યું, ‘તે રસ્તા પર ભટકે છે, તે ચાલી રહ્યો છે અથવા કદાચ કોઈ સવારીમાં છે પણ તે સતત ગતિમાં છે.’ કિશોરદાએ તરત જ કહ્યું, ‘જો તે મુસાફર છે તો તેના અવાજમાં ગતિ સંભળાવી જોઈએ.’ પછી તેમણે ગુલઝારને એક અનોખી વિનંતી કરી. તેમણે કહ્યું કે તેઓ આ ગીત માઈક સામે સ્થિર ઉભા રહીને નહીં ગાય.

રેકોર્ડિંગ દરમિયાન કિશોરકુમાર ખરેખર માઈકની આસપાસ ધીમે-ધીમે ગોળ ફરવા લાગ્યા! તેઓ ગાતા જતા હતા અને માઈકની નજીક આવતા અને દૂર જતા હતા. પંચમદા આ જોઈને હસવા લાગ્યા. પણ જ્યારે તેમણે રેકોર્ડિંગ સાંભળ્યું ત્યારે તેઓ દંગ રહી ગયા. કિશોરદાના આ રીતે ચાલતા-ચાલતા ગાવાથી અવાજમાં એક કુદરતી ‘ફેડ-ઈન’ અને ‘ફેડ-આઉટ’ જેવી અસર પેદા થઈ. ગીત સાંભળતી વખતે એવું જ લાગે છે કે જાણે કોઈ માણસ રસ્તા પર ચાલતો-ચાલતો ગાઈ રહ્યો છે અને આપણી પાસેથી પસાર થઈ રહ્યો છે.

ગુલઝાર કહે છે કે, ‘એક લેખક તરીકે મેં માત્ર ‘મુસાફિર’ શબ્દ લખ્યો હતો પણ કિશોરકુમારે પોતાના અવાજ અને પોતાની હરકતથી એ મુસાફરને જીવંત કરી દીધો. ટેકનિકલ રીતે તે સમયે આવી ઈફેક્ટ્સ લાવવી મુશ્કેલ હતી પણ કિશોરદાએ તેને સાવ સરળ બનાવી દીધી હતી. કિશોરકુમારે જ્યારે આ ગીત ગાયું ત્યારે તેમણે ‘ઠિકાના’ શબ્દ પર જે રીતે ભાર મૂક્યો હતો તે ગુલઝારને એટલું ગમ્યું કે તેમણે કહ્યું હતું, ‘કિશોર, તેં મારા શબ્દોને અર્થ આપી દીધો.’ તમે ગીતને ધ્યાનથી સાંભળશો તો તેમાં ઘોડાના ડાબલાનો એક લયબદ્ધ અવાજ સંભળાય છે.

પંચમદાએ આ અવાજને સંગીત સાથે એવી રીતે વણી લીધો હતો કે તે ગીતનો જ એક ભાગ બની ગયો. સામાન્ય રીતે કિશોરદા ગીતો ખૂબ ઝડપથી રેકોર્ડ કરી લેતા પણ આ ગીત માટે તેમણે અને પંચમદાએ ઘણો સમય લીધો હતો. તેઓ ગીતના અંતરામાં આવતી હરકતોને પરફેક્ટ કરવા માંગતા હતા. આ ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે નિર્દેશક તરીકે ગુલઝારે જીતેન્દ્રને ખાસ સૂચના આપી હતી કે, ‘તમારે આ ગીતમાં ક્યાંય પણ અભિનય નથી કરવાનો. આ ગીતને અનુભવવાનું છે.’ એ જ કારણ છે કે આ ગીતમાં જીતેન્દ્રનો ચહેરો એકદમ શાંત દેખાય છે. જે કિશોરદાના ઠરેલ અવાજ સાથે એકદમ મેળ ખાય છે.

આ ગીતની સૌથી રોચક વાત એ છે કે તેની ધૂન કોઈ સ્ટુડિયોમાં નહીં પણ હોસ્પિટલના રૂમમાં બની હતી. આર.ડી. બર્મન (પંચમદા) ને હ્રદયની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુલઝાર તેમને મળવા ગયા ત્યારે પંચમદા કંટાળી રહ્યા હતા. તેમણે ગુલઝારને કહ્યું, ‘કંઈક લખીને લાવો. મારે ધૂન બનાવવી છે.’ ગુલઝારે આ ગીતના શબ્દો આપ્યા અને પંચમદાએ હોસ્પિટલના ટેબલ પર ઠપકારા મારીને આ અમર ધૂન તૈયાર કરી હતી.