રોશને બડજાત્યાની ‘દોસ્તી’ છોડી અને ‘એલ-પી’ ને મળી!

સંગીતકાર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને પહેલી ફિલ્મ ‘પારસમણિ’ (Parasmani, 1963)થી મોટી સફળતા મળી હતી. એ પછી ‘દોસ્તી’ (Dosti, 1964) અને અન્ય ફિલ્મોના સંગીતે પણ ધૂમ મચાવી હતી. એમાં ‘દોસ્તી’ મળવા પાછળની વાત બહુ રસપ્રદ અને રોમાંચક છે.

નિર્માતા તારાચંદ બડજાત્યાએ 1947માં રાજશ્રી પિક્ચર્સ (પ્રા.) લિમિટેડની સ્થાપના કરી હતી. 1962માં તેમણે તેનો ફિલ્મ નિર્માણ વિભાગ રાજશ્રી પ્રોડક્શન્સ (પ્રા.) લિમિટેડ શરૂ કર્યો હતો અને સૌથી પહેલાં ફિલ્મ ‘આરતી’ (Aarti, 1962)નું નિર્માણ કર્યું હતું. તેમાં ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર રોશન હતા. ફિલ્મનાં ‘કભી તો મિલેગી, કહીં તો મિલેગી’ વગેરે ગીતો બહુ લોકપ્રિય રહ્યાં હતાં.

એ પછી તેઓ બંગાળી ફિલ્મ ‘લાલુ ભુલુ’ (Lalu Bhulu, 1959) પરથી સત્યેન બોઝના નિર્દેશનમાં ફિલ્મ ‘દોસ્તી’ બનાવવા માંગતા હતા અને એમાં પણ રોશનનું જ સંગીત રાખવા માંગતા હતા. જ્યારે રોશને બંગાળી ફિલ્મ જોઈ ત્યારે તેમને લાગ્યું કે આ તો બે અપંગ અને ગરીબ ભિખારીઓની વાર્તા છે, જેની સાથે તેઓ ન્યાય નહીં આપી શકે. આ વિચારીને તેમણે આ પ્રોજેક્ટ પર કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને ફિલ્મ છોડી દીધી.

રોશને ફિલ્મ છોડ્યા બાદ તારાચંદ બડજાત્યા સમક્ષ પ્રશ્ન ઊભો થયો કે સંગીત કોને સોંપવું? એ વખતે તેમને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ યાદ આવ્યા. તારાચંદ જે ડબ કરેલી ફિલ્મોનું વિતરણ કરતા હતા, તેમાં આ યુવા જોડી સંગીતની ગોઠવણ કરતી હતી. તારાચંદ જાણતા હતા કે આ બંને યુવાનો પોતાના કામ પ્રત્યે અત્યંત વફાદાર અને સખત મહેનતુ છે. આથી તેમણે ‘દોસ્તી’ માટે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને સાઇન કરી લીધા.

ફિલ્મમાં ગીતો લખવા માટે જોડાયેલા જાણીતા ગીતકાર હસરત જયપુરીને જ્યારે ખબર પડી કે નવા અને અજાણ્યા સંગીતકારો આ ફિલ્મ સંભાળી રહ્યા છે, ત્યારે તેમને પણ પ્રશ્ન થયો કે શું તેઓ આ નવા સંગીતકારો સાથે તાલ મિલાવી શકશે કે નહીં? એ ડરથી હસરતે પણ ફિલ્મ છોડવાનો વિચાર કરી લીધો.

તે દિવસોમાં તેઓ સંગીતકાર ચિત્રગુપ્ત સાથે કામ કરી રહ્યા હતા. જ્યારે તેમણે ચિત્રગુપ્ત સામે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી કે તેઓ લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને ઓળખતા નથી અને તેમની સાથે કામ કરવા નથી માંગતા, ત્યારે ચિત્રગુપ્તે તેમને સમજાવતાં કહ્યું કે, “ભૂલ કરીને પણ ફિલ્મ છોડતા નહીં! આ બંને છોકરાઓ મારી સાથે કામ કરી ચૂક્યા છે, અતિશય પ્રતિભાશાળી છે અને ખૂબ જ મહેનતુ છે.”

ચિત્રગુપ્તની સલાહ પછી હસરત જયપુરીએ ‘દોસ્તી’નાં ગીતો લખવાનું નક્કી કરી લીધું. લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનું સંગીત, મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને મોહમ્મદ રફીની ભાવપૂર્ણ ગાયકીએ મળીને ‘દોસ્તી’ના સંગીતને અમર બનાવી દીધું. આ ફિલ્મે એવોર્ડ સમારોહમાં ધૂમ મચાવી દીધી. હસરત જયપુરીને ‘ચાહુંગા મેં તુઝે સાંજ સવેરે’ માટે શ્રેષ્ઠ ગીતકારનો અને મોહમ્મદ રફીને શ્રેષ્ઠ ગાયકનો, જ્યારે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.