સુભાષ ઘઈએ ફિલ્મ ‘વિશ્વનાથ’ (Vishwanath, 1978) ની આખી સ્ક્રિપ્ટ
માત્ર 15 દિવસમાં જ લખી નાખી હતી અને એક મહિનાની અંદર તો ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું.
ઘઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે શત્રુઘ્ન સિન્હા સાથેની તેમની પ્રથમ ફિલ્મ ‘કાલીચરણ’ (Kalicharan, 1976) સુપરહિટ રહ્યા પછી તેઓ આગામી ફિલ્મ ‘ગૌતમ ગોવિંદા’ (Gautam Govinda) પર કામ કરી રહ્યા હતા. પરંતુ સેન્સર બોર્ડની કેટલીક અડચણોને લીધે એ ફિલ્મમાં વિલંબ થઈ રહ્યો હતો.

બરાબર એ જ સમયે શત્રુઘ્ન સિન્હાના હોમ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘ખાન દોસ્ત’ (Khaan Dost) બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી, જેના કારણે શત્રુઘ્નના ડિસ્ટ્રિબ્યુટર્સ ચિંતામાં હતા. શત્રુઘ્ને મુશ્કેલીના સમયે સુભાષ ઘઈને તાત્કાલિક એક ફિલ્મ કરવા વિનંતી કરી હતી.
ઘઈએ અગાઉ ક્યારેય એકસાથે બે ફિલ્મો ન બનાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મિત્રતા ખાતર તેઓ ‘વિશ્વનાથ’ (Vishwanath) બનાવવા માટે તરત જ તૈયાર થઈ ગયા હતા. તે સમયે કોઈ વાર્તા તૈયાર નહોતી. ડિસ્ટ્રિબ્યુટર્સનો ભરોસો જાળવી રાખવા તાત્કાલિક ફિલ્મની જાહેરાત કરવી જરૂરી હતી.
આથી ઘઈ 3-4 દિવસ માટે ખંડાલા ગયા અને ત્યાં તેમને એક એવા ક્રિમિનલ લોયરનો વિચાર આવ્યો, જે પોતે જ ગુનેગાર બની જાય છે. મુંબઈ પાછા આવીને તેમણે માત્ર 15 દિવસમાં આખી વાર્તાને આખરી ઓપ આપ્યો હતો.
સુભાષ ઘઈએ શત્રુઘ્નને કહ્યું હતું કે, “તમે અત્યાર સુધી સ્ક્રીન પર ઘણા ગુનેગારોના રોલ કર્યા છે, પણ આ ફિલ્મમાં તમે દેશના સૌથી બુદ્ધિશાળી વકીલનો રોલ કરશો, જેની બુદ્ધિ પર લોકો શરત લગાવતા હોય. અને જ્યારે અન્યાય તેને હરાવી દે છે ત્યારે તે રાખમાંથી બેઠો થઈને એક સામાન્ય નાગરિક તરીકે બદલો લે છે.”

ફિલ્મના કોર્ટ સીન માટે તેમણે શત્રુઘ્ન સિન્હાનું પાત્ર ખૂબ જ પાવરફુલ લખ્યું હતું. ફિલ્મનું શૂટિંગ નવ મહિનામાં પૂરું થઈ ગયું હતું. પરંતુ જ્યારે એડિટિંગ ટેબલ પર ફિલ્મ જોઈ ત્યારે ઘઈને લાગ્યું કે વાર્તામાં કેટલીક ખામીઓ રહી ગઈ છે. આથી તેમણે ક્રેડિટ કે પૈસાની ચિંતા કર્યા વગર વધુ આઠ દિવસ સુધી ફિલ્મનું રી-શૂટિંગ કર્યું હતું, જેમાં કેટલીક બાબતો વધુ સ્પષ્ટ કરવામાં આવી હતી.
વાર્તામાં જ્યારે મુખ્ય પાત્ર (વકીલ વિશ્વનાથ) જેલમાંથી બહાર આવે છે અને અન્યાય સામે લડવા માટે પોતે ગુનાખોરીનો રસ્તો અપનાવે છે, ત્યારે એ બદલાવ પ્રેક્ષકોને ગળે ઉતરે તેવો અને પૂરતો પ્રભાવશાળી લાગતો નહોતો. વાર્તા જે ઝડપથી આગળ વધી રહી હતી તેમાં પાત્રની માનસિક સ્થિતિ પૂરતી સ્પષ્ટ થતી નહોતી.
બીજું, ઘઈને લાગ્યું કે ફિલ્મમાં ડ્રામા અને એક્શન તો ભરપૂર છે, પરંતુ જે દૃશ્યો પ્રેક્ષકોને પાત્ર સાથે ભાવનાત્મક રીતે જોડી રાખે તે એટલા મજબૂત બન્યા નહોતા. જો પ્રેક્ષકો વકીલ પર થયેલા અન્યાયથી દુઃખી ન થાય, તો પાછળથી તેનો બદલો માણવાની મજા પણ ન આવે.
પ્રખ્યાત અભિનેતા પ્રેમનાથ મુખ્ય વિલન ‘ધનિકલાલ’ના રોલમાં હતા. ઘઈને લાગ્યું કે વિલનનું પાત્ર જેટલું ક્રૂર અને શક્તિશાળી દેખાવું જોઈએ તેટલું સ્ક્રીન પર દેખાઈ રહ્યું નહોતું. જો વિલન નબળો લાગે તો હીરોની લડાઈ પણ નાની થઈ જાય.

તેથી નવા ઉમેરાયેલા દૃશ્યોમાં ધનિકલાલના પાત્રને વધુ ઘાતકી અને ચાલાક બતાવવામાં આવ્યું. બંને પાત્રો વચ્ચેના સંવાદો અને ટકરાવને એટલા ચુસ્ત અને પાવરફુલ બનાવવામાં આવ્યા કે ફિલ્મનો બીજો ભાગ અને ક્લાઇમેક્સ પ્રેક્ષકોને જકડી રાખે તેવો વધુ મજબૂત બન્યો.
શત્રુઘ્નનો પ્રસિદ્ધ સંવાદ — “જલી કો આગ કહેતે હૈ, બુઝી કો રાખ કહેતે હૈ, જિસ રાખ સે બારૂદ બને ઉસે વિશ્વનાથ કહેતે હૈ…” — ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી આઇકોનિક અને યાદગાર સંવાદોમાંનો એક છે. થિયેટરોમાં આ ડાયલોગ પર લોકો સિક્કા ઉછાળતા હતા.
સુભાષ ઘઈના આશ્ચર્ય વચ્ચે ‘વિશ્વનાથ’ (Vishwanath) તેમની અગાઉની ફિલ્મ ‘કાલીચરણ’ (Kalicharan) કરતાં પણ ઘણી મોટી હિટ સાબિત થઈ હતી.






