સલમાન ખાન- ભૂમિકા ચાવલાની ફિલ્મ ‘તેરે નામ’ (2003) માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ તેના સંગીત માટે
પણ આજે એક માઈલસ્ટોન ગણાય છે. એના માટે ગીતકાર સમીર પહેલાં ગીતો લખવા તૈયાર ન હતા અને પછી ગીત-સંગીત તૈયાર થયું ત્યારે કોઈ કંપની આલબમ ખરીદવા તૈયાર ન હતી. એટલું જ નહીં કોઈ અભિનેતા મુખ્ય ભૂમિકા સ્વીકારી રહ્યો ન હતો. પણ બધું જ કેવી રીતે શક્ય બન્યું એની રોમાંચક અને રસપ્રદ વાતો સમીરે એક મુલાકાતમાં કહી છે.
નિર્દેશક સતીશ કૌશિકે જ્યારે તમિલ ફિલ્મ ‘સેતુ’ ની રિમેક ‘તેરે નામ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે સૌથી મોટો પડકાર હતો મુખ્ય અભિનેતા શોધવાનો. ફિલ્મના નાયક ‘રાધે’ની ભૂમિકા અલગ અને પડકારજનક હતી. જેના કારણે બોલિવૂડના મોટાભાગના કલાકારોએ પીછેહઠ કરી. આમિર ખાને બે વર્ષનો સમય માંગ્યો જ્યારે અનિલ કપૂર સહિત અનેક કલાકારોએ સીધી ના પાડી દીધી. એક સમય એવો આવ્યો કે સવાલ થયો કે કોઈ અભિનેતા તૈયાર થઈ રહ્યા નથી તો ફિલ્મ બનશે કેવી રીતે? એક સૂચન ફિલ્મ ‘તેરે નામ’ નો હતાશાજનક અંત બદલવાનું થયું.

નિર્માતા-નિર્દેશક વાર્તા સાથે બાંધછોડ કરવા તૈયાર નહોતા. દરમ્યાનમાં સલમાન ખાન પાસે પણ વાર્તા પહોંચી હતી અને એ ફિલ્મ કરવા તૈયાર થઈ ગયો. સમીરે કહ્યું કે એ સમય પર સલમાનની માનસિક સ્થિતિ ફિલ્મના હીરો જેવી જ હતી. ત્યારે ઐશ્વર્યા સાથે સલમાનનો સંબંધ તૂટી ગયો હતો. એને એમ લાગ્યું હશે કે આ મારી જ પ્રેમકહાણી છે. સલમાન માટે પણ બહુ પડકારરૂપ ભૂમિકા હતી. એણે અગાઉ આવી ભૂમિકા કરી ન હતી. પછી જ્યારે ગીત-સંગીતની વાત આવી ત્યારે સમીરે સંગીતકાર હિમેશ રેશમિયા સાથે કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. કેમકે એક-બે વખત સમીરે જોયું હતું કે હિમેશ બહુ એટીટ્યુડવાળો માણસ છે. તેની સાથે જમાવટ થશે નહીં. અને સમીર નદિમ- શ્રવણ સાથે ‘રાઝ’ ના ગીતો તૈયાર કરવા લંડન જતાં રહ્યા.
સતીશ કૌશિકનો આગ્રહ ચાલુ જ હતો. સમીર કહેતા રહ્યા કે મારાથી એની સાથે કામ થશે નહીં. સતીષે કહી દીધું કે તું ગીતો નહીં લખે તો હું ફિલ્મ છોડી દઇશ. સમીરે વાત લંબાવવા કહ્યું કે હમણાં તો લંડન છું. પછી આવીને વાત કરીશું. પણ સતીષને એક ભજન તાત્કાલિક જોઈતું હતું એટલે ‘મન બસીયા’ લખી આપ્યું. અને લંડનથી આવ્યા પછી સમીરની પહેલી મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ ત્યારે એમને નવાઈ લાગી. હિમેશ સમીરના ગીતોનો બહુ મોટો ચાહક હતો. હિમેશે કહ્યું કે હું તમારા અને નદિમ- શ્રવણના ગીતો સાંભળીને સંગીતકાર બન્યો છું. અને ‘તેરે નામ’ થી સમીરની હિમેશ સાથે પણ ટીમ બની ગઈ. ફિલ્મનું ગીત-સંગીત તૈયાર થઈ ગયું અને ‘ટી સીરિઝ’ કંપનીના ગુલશનકુમારને સંભળાવ્યું ત્યારે એ ખરીદવા તૈયાર ના થયા.

સમીરે એમની સાથે ખાસ મુલાકાત કરી અને કહ્યું કે તમે મારા કહેવાથી આ સંગીત લઈ લો. અને ગુલશનકુમારે સંગીતના અધિકાર ખરીદી લીધા. ઓઢની, ઓ જાના, તુમ સે મિલના, તેરે નામ, ક્યું કિસી કો વગેરે ગીતોનું સંગીત જ્યારે બહુ લોકપ્રિય થઈ ગયું ત્યારે એમણે સમીરને બોલાવીને પૈસા આપીને કહ્યું હતું કે તમારા કહેવાથી સંગીત ખરીદી લીધું હતું એના વધારાના તમને આપું છું. ‘ફિલ્મફેર એવોર્ડ્સ’ માં ‘તેરે નામ’ ને વિવિધ કેટેગરીમાં આઠ નામાંકન મળ્યા હતા. એમાં એકપણ મળ્યો ન હતો. પરંતુ અન્ય એવોર્ડ સમારંભોમાં સાત જીત્યા હતા.




