ભારતીય ફિલ્મ સંગીતના ઇતિહાસમાં શંકર-જયકિશનનું નામ માત્ર એક સંગીતકાર જોડી તરીકે નહીં પણ એક આખી
સંસ્થા તરીકે લેવાય છે. બોલિવૂડમાં ‘ચુનરીયા’ ગીતોના ગીતકાર તરીકે જાણીતા રહેલા સુધાકર શર્મા જ્યારે હરિયાણાથી મુંબઈ આવ્યા ત્યારે તેમનો એકમાત્ર શ્વાસ શંકર-જયકિશનનું સંગીત હતું.
એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે એક સામાન્ય ‘સ્ટ્રગલર’ તરીકે તેમણે શંકરજીને ત્યાં કામદાર તરીકેની શરૂઆત કરીને તેમના મનપસંદ ગીતકાર અને નિર્દેશક બનવા સુધીની સફર ખેડી હતી. તેમણે સંગીતકાર શંકર- જયકિશનના ‘ફેમસ સ્ટુડિયો’ માં ગાડી ધોવાનું અને ઓફિસ સાફ કરવાનું કામ કર્યું હતું. વર્ષોના સંઘર્ષ પછી જ્યારે સુધાકર શર્મા પોતે નિર્માતા-નિર્દેશક બન્યા અને પોતાની પહેલી ફિલ્મ ‘ગોરી’ (1991) શરૂ કરી ત્યારે તેમના મનમાં એક જ સપનું હતું કે મારી ફિલ્મમાં સંગીત તો માત્ર શંકર-જયકિશનનું જ હોય! સુધાકરજી 17-18 વર્ષ પછી જયકીશનજી હયાત ન હતા ત્યારે શંકરજીને મળવા તેમના મ્યુઝિક રૂમ પર ગયા. સુધાકરજી પોતાની સાથે એકવીસ હજાર રૂપિયા સાઈનિંગ અમાઉન્ટ તરીકે લઈને ગયા હતા.

શંકરજીએ પહેલા તો તેમને ઓળખ્યા નહીં પણ જ્યારે સુધાકરજીએ યાદ અપાવ્યું કે ‘હું એ જ છોકરો છું જે તમારી ગાડી ધોતો હતો’ ત્યારે શંકરજીની આંખો ભરાઈ આવી. તેમણે સુધાકરને એક બાપ પોતાના દીકરાને ભેટે એમ ગળે લગાડ્યા. જ્યારે સુધાકરજીએ ફિલ્મની ઓફર મૂકી ત્યારે શંકરજીએ રમૂજમાં પણ ગંભીરતાથી કહ્યું, ‘અચ્છા! જે કાલે અમારી નોકરી કરતો હતો એ આજે અમને નોકરી આપવા આવ્યો છે?!’ આ સાંભળીને સુધાકરજી ગભરાઈ ગયા અને તરત જ તેમના પગે પડી ગયા. તેમણે કહ્યું. ‘સાહેબ, હું તમને નોકરી આપવા નથી આવ્યો.
હું તો તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. હું ઈચ્છું છું કે મારી પહેલી ફિલ્મમાં સંગીત તમારું હોય.’ શંકરજીએ પૂછ્યું, ‘કેટલા પૈસા લાવ્યો છે?’ સુધાકરજીએ વીસ હજાર રૂપિયા ધર્યા ત્યારે શંકરજીએ એક અદભૂત વાત કરી. તેમણે કહ્યું, ‘આમાં એક રૂપિયો બીજો ઉમેરીને મને આપ.’ સુધાકરજીએ જેવો એક રૂપિયો આપ્યો કે શંકરજીએ જાહેર કર્યું: ‘જા, હું તારી આખી ફિલ્મનું સંગીત માત્ર આ 1 રૂપિયામાં જ કરીશ!’ અને શંકરજીએ માત્ર વાત નહોતી કરી પણ તેમણે એ ફિલ્મમાં એટલી જ મહેનત કરી જેટલી તેઓ રાજ કપૂરની ફિલ્મો માટે કરતા હતા. તેમણે સુધાકર શર્માને એક નિર્દેશક તરીકે પૂરેપૂરું સન્માન આપ્યું. સુધાકરજી કહે છે કે શંકરજી જેવો મોટો માણસ મારી સામે એવી રીતે વર્તતો હતો જાણે હું બહુ મોટો ડિરેક્ટર હોઉં અને તેઓ માત્ર એક સંગીતકાર.

આ કિસ્સો દર્શાવે છે કે શંકરજી માટે પૈસા ક્યારેય પ્રતિભા કે સંબંધોથી મોટા નહોતા. એક સમયે જે માણસે તેમની ગાડી સાફ કરી હતી તેની પ્રગતિ જોઈને એક સાચા ગુરુની જેમ શંકરજીએ પોતાનું સંગીત માત્ર એક રૂપિયાના શુકનમાં અર્પણ કરી દીધું હતું. સુધાકરજીનું દુર્ભાગ્ય એ રહ્યું કે એ ગીતના રેકોર્ડિંગ પહેલાં શંકરજીનું અવસાન થઈ ગયું હતું.
સુધાકર શર્માએ ઇન્ટરવ્યુમાં એક કડવો અનુભવ પણ શેર કર્યો હતો કે તેમનું કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલું ગીત ‘ગોરી હૈ કલાઈયાં, પહેની હૈ મૈંને હરી હરી ચૂડિયાં’ એક મોટા સંગીતકારે ફિલ્મ ‘આજ કા અર્જુન’ માં વાપરી લીધું હતું. સંગીતકાર શંકરજીએ 1 રૂપિયામાં જે સંગીત આપ્યું હતું એ બીજા સંગીતકારે નકલ કરી ચોરી લીધું હતું. જોકે, તે સમયે સુધાકરજી નાના હતા એટલે કશું કરી શક્યા નહીં પણ શંકરજી પાસેથી મળેલા સંસ્કારોને કારણે તેમણે ક્યારેય હિંમત હારી નહીં.


